મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: બુધવાર, 29 ઑગસ્ટ 2018 (11:42 IST)

ઉપવાસના પાંચમાં દિવસે હાર્દિક શારીરિક રીતે ખૂબ જ અશક્ત થઈ ગયો

આમરણ ઉપવાસ પર બેઠેલા પાસ કન્વીનર હાર્દિક પટેલના વજનમાં પાંચમાં દિવસે ૧ કિલો કરતા વધુ વજનનો ઘટાડો થવા પામ્યો હતો. સોલા સિવિલના તબીબો દ્વારા મેડિકલ ચેકઅપ કર્યા બાદ જો હાર્દિક ફ્રૂટ અને જ્યુસ નહીં લે તો કિડની પર વિપરીત અસર થઇ શકે તેવી આશંકા દર્શાવી હાર્દિકે હોસ્પિટલાઇઝ થવું જોઇએ તેવી સલાહ આપી હતી. ઉપવાસનાં પાંચમાં દિવસે હાર્દિક પટેલની તબિયચ વધારે લથડી ગઈ છે. આજે હાર્દિક પોતાની જાતે ઉભો થઈને ચાલવા ગયો પણ તેનાંથી ઉભા જ ન થવાયું. હાર્દિક શારીરિક રીતે ખૂબ જ અશક્ત થઈ ગયો છે. 
હાર્દિકને મંગળવારે સહુથી વધુ મુલાકાતીઓ મળવા આવ્યા હતા અને સમર્થનમાં વધારો થતો હોય તેમ રાજયમાં સુરત, પાલનપુર, તેનપુર વિગેરે સ્થળે તેની તરફેણમાં એક દિવસના પ્રતિક ઉપવાસ પણ શરૂ થયા હતા. ઉપવાસ સ્થળે પણ વધુ લોકો મળવા આવતા પોલીસની મુશ્કેલી વધી હતી અને સતત લોકો સાથે ઘર્ષણ થવા પામ્યું હતું. હાર્દિકે માનવ અધિકાર આયોગને પત્રમાં જણાવ્યું હતું કે, ખેડૂતોની દેવા માફી અને પાટીદાર સમુદાયને અનામતની માગણી સાથે બંધારણીય હક પ્રમાણે હું ઉપવાસ ઉપર ઉતર્યો છું પણ પોલીસ મને મળવા આવતા લોકોને અટકાવે છે અને વાહનોની હવા કાઢીને લાઠીચાર્જ કરે છે. 
ઘરે સમર્થકો માટે આવતું કરિયાણું પણ અટકાવાય છે. તેથી તાત્કાલિક આ બાબતે વહીવટી તંત્રને સૂચના આપી માનવ અધિકારો સાથે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ના થાય અને કાયદાનું શાસન સ્થપાય તે માટે કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી છે. પાસ અગ્રણી જયેશ પટેલે જણાવ્યું હતું કે, હાર્દિકે સતત ચાર દિવસ ઉપવાસ કર્યા બાદ સવારે લેવાયેલા યુરિનના સેમ્પલના આધારે તબીબોએ એવી સલાહ આપી છે કે હાર્દિકે ફળાહાર કરવાની અને જ્યુસ લેવાની જરૂર છે. 
વધુ રિપોર્ટ માટે બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યું છે. દરમિયાન ત્રણ દિવસ હાર્દિકને સમર્થકોનું પાંખુ સમર્થન મળ્યા બાદ ચોથા દિવસે તેને મળવા આવેલા લોકોની સંખ્યામાં વધારો દેખાયો હતો. રાજય ઉપરાંત અને મધ્યપ્રદેશ, રાજસ્થાનથી પણ તેના સમર્થનમાં વાહનો સાથે અનેક લોકો ઉમટ્યા હતા. રાષ્ટ્રીય નેતાઓ અને આંદોલનકારી અગ્રણીઓએ પણ આવીને મળવાનું શરૂ કરતા પાસના સમર્થકોનો ઉત્સાહ પણ વધવા પામ્યો હતો. હાર્દિકને ટેકો આપવા પાલનપુરના કલેકટર કચેરી ખાતે, સુરત, બાયડના તેનપુર અને ગાંધીનગરના જાખોરા ગામે પાટીદાર સમાજના લોકો ઉપવાસ પર બેઠા હતા. પાસના અલગ જૂથના કાર્યકરો પણ તેને મળવા આવ્યા હતા પરંતુ તેને પોલીસે અટકાવી દીધા હતા.