શુક્રવાર, 19 સપ્ટેમ્બર 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: મંગળવાર, 28 માર્ચ 2023 (11:49 IST)

‘વિશ્વ રંગભૂમિ દિવસ': થા થૈયા થૈયા થા થઈ.... અરે મારી રંગલીને ક્યાય જોઇ.... આ અવાજો અમારા માટે વાક્યો નહીં પણ.

World Theatre Day 2023
ઉનાળા કે શિયાળાની સમી સાંજે લગભગ છ વાગ્યાથી ગામના પાદરે નાની લાઇટ,ખુર્શીમાં માતાજીનો ફોટો,પડદો અને આવેલા લોકો કંઈક કાર્યક્રમની તૈયારી કરી રહ્યા છે.વળી ગામના છોકરાઓ ગામમાં પ્રચારના માધ્યમ બન્યા હોય તેવી લોકસેવાની અંગત્યની કામગીરી કરી રહ્યા છે. રાત્રીના સમયે નાટક શરૂ થવાના સમયે રંગમંચ ઉપરથી પડતો ઉઠતાની સાથે જ લોકો તાળીયોના ઘડઘડાટથી વધાવી લે. કલા જગતના આ સ્મરણો હજી પણ મારે મન તાજા છે. આ શબ્દો છે કલાકાર પ્રકાશભાઇ વૈદના. સમગ્ર વિશ્વમાં ૨૭ માર્ચનો દિવસ ‘વિશ્વ રંગભૂમિ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. 
 
રંગભૂમિના મૂળ આપણને વેદ-ઉપનિષદમાં જોવા મળે છે. કહેવાય છે કે જીવન એક રંગભૂમિ છે. રંગભૂમિ પર અનેક પાત્રો પોતાની કલાને દર્શકો સમક્ષ અભિવ્યક્ત કરીને લોકોને મનોરંજન પુરુ પાડતા હોય છે. આવા કલાકારો માટે ૨૭ માર્ચનો દિવસ ‘વિશ્વ રંગભૂમિ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. સાબર યુવા કેન્દ્રના પ્રમુખશ્રી પ્રકાશભાઇ વૈદના જણાવે છે કે આમારી ટીમ દ્વારા સાબરકાંઠા જિલ્લા તેમજ સમગ્ર રાજ્યમાં જુદા જુદા વિષય ઉપર ૩૦૦૦ થી વધુ શેરી નાટકો કરવામાં આવ્યા છે. 
જેમાં સ્વચ્છતા અભિયાન, વિજ સલામતી,.દહેજ પ્રથા નાબુદી,પાણી બચાવો, નશાબંધી, બેટી બચાવો બેટી વધાવો વગેરે લોક જાગૃતિ વિષયો ઉપર નાટકો કરવામાં આવ્યા છે. તેઓ જણાવે છે કે અમે રંગભૂમિના માણસો છીએ..કોઇ ક્યારેય કલાકાર બનતુ નથી કલાકાર જન્મથી જ હોય છે. પોતાની કળાની અભિવ્યક્તિ અને રસિક પ્રેક્ષકોના આનંદ સિવાય બીજી કોઈ જ અપેક્ષા વગર અમે અમારી કલાને દર્શાવતા હોઇએ છીએ. 
રંગભૂમિ ઉપર કરેલા દરેક કાર્યક્રમ સાથે અમારો અલગ જ અનુભવ રહ્યો છે.દરેક સમયે દર્શકોએ પણ એટલો જ સાથ અને પ્રેમ આપ્યો છે. રંગમંચ ઉપર કોઇપણ કલાકાર પોતાની કલા રજૂ કરી રહ્યો હોય અને તેનાથી ભૂલ થાય તો એ ભૂલનો દર્શકોએ પણ સ્‍વીકાર કરી સહકાર આપ્યો છે. રંગભૂમિ થકી કેટલાય કલાકારોને રોજગારી પુરી પાડે છે. રંગભૂમિ માટે કહેવાય છે કે “જાણ્યુ એટલું જાજું અને માણી એટલી મોજ”. 
 
અમારા દરેક કાર્યક્રમને દર્શકોએ દિલથી મોજ માણી છે. દરેક કલાકારોએ દર વર્ષે ૨૭ માર્ચે પોતાના ગામ કે શહેરના રંગમંચ ઉપર જઇ “નટરાજને” મસ્‍તક નમાવી પ્રાર્થના કરી અને ‘વિશ્વ રંગભૂમિ દિવસ'ની ઉજવણી કરવી જોઇએ. પહેલાના સમયે સ્ત્રી પાત્રો રંગમંચ ઉપર અભિનય કરતા ન હતા એટલે પુરુષ લોકો જ સ્ત્રીનું પાત્ર ભજવતા. સમયાંતરે દરેક કલાના ક્ષેત્રની ટેકનોલોજી બદલાતી ગઈ.અત્યારનો આધુનીક યુગ હાઇટેક ટેકનોલોજીનો યુગ માનવામાં આવે છે. 
 
મેકઅપ, કેમેરા, લાઇટસ, સાઉન્‍ડ, લેપટોપ, પેનડ્રાઇવ, ટેબલેટ, ર્પોટેબલ હાર્ડડિસ્‍ક, એડીટીંગ વગેરેમાં અલ્‍ટ્રા મોર્ડન ડીઝીટલ ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે. આજના આધુનિક યુગમાં મનોરંજન માટે ભલે મોબાઇલ, ટી.વી અને સોશિયલ મીડીયાનો ઉપયોગ થઈ રહ્યો હોય.પરંતુ વિષ્ણુભાઇ વૈધ જેવા લોકો આજે પણ પરંપરાગત માધ્યમો નાટક,ભવાઇથી લોકોને મનોરંજન પુરુ પાડી રહ્યા છે. અનેક કલાકારોને રોજી આપી રહ્યા છે. વિશ્વ રંગભૂમિ દિવસને સાચાં અર્થે સાર્થક કરી રહ્યા છે.