ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભાની ચૂંટણીનો ઈતિહાસ
Written By વેબ દુનિયા ડેસ્ક|
Last Updated : શનિવાર, 17 ફેબ્રુઆરી 2024 (00:09 IST)

ભારતીય રાજનીતિનાં 76 વર્ષઃ દેશે લોકસભાની 17 ચૂંટણીઓ જોઇ

પ્રથમ ચૂંટણીમાં કુલ ૧૭ કરોડ ૩૨ લાખ મતદાર હતા

આપણા ભારત દેશને બ્રિટિશ સામ્રાજ્યમાંથી આઝાદી મળી અને શાસન વહીવટ તેમજ વ્યવસ્થા માટે સ્વતંત્ર સ્થપાયું અને વિવિધ ધર્મ સંપ્રદાયો અને ભાષા સંસ્કૃતિઓનો સમન્વય કરી સ્વતંત્રતાના ૬૬ વરસ સારી રીતે પસાર થયા. ૬૬ વર્ષના આઝાદ ભારતને આજે પ્રગતિ વિકાસના માર્ગે થનગનતું રાષ્ટ્ર તરીકે વિશ્વના દેશો જોઈ રહ્યા છે. ઉદારીકરણ - આર્થિક સુધારા અને સૌથી વધુ યુવાનો ધરાવતા ભારત દેશનો તેજ ગતિએ સાર્વત્રિક વિકાસ થયો છે, થઈ રહ્યો છે. આજે તે વિશ્વમાં એશિયાની એક મહાસતા ગણાય છે અને ઉત્તરોતર પ્રગતિની સાથે તે વિશ્વની મહાસતા બનવા કુચ કરી રહ્યો છે.!

ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયુ ત્યારે બ્રિટિશ વડાપ્રધાન તરીકે લેબર પાર્ટીના એટલી હતા. એટલીની પહેલા કન્ઝવેર્ટીવ પાર્ટીના વિનસ્ટન ચર્ચિલ હતા. ચર્ચિલ ભારતને આઝાદી આપવાની વિરૃદ્ધ હતા ! ચર્ચિલ માનતા કે ભારતને આઝાદી આપવાનો અર્થ એ કે આપણે એ દેશને લૂંટારાઓના હાથોમાં મૂકી રહ્યા છીએ. ચર્ચિલ તો ભારતને લોકશાહી માટે પણ લાયક નહોતા ગણતા! ભારતને અંગ્રેજોની હુકુમત હેઠળ રહેશે તો જ પ્રગતિ કરી શકશે અને દુનિયાના બીજા દેશોની જેમ વિકાસ કરી શકશે એવો તેમને પાકો વિશ્વાસ હતો.

આજે ૬૬ વર્ષ પછી શું સ્થિતિ છે? મહાન વિન્સ્ટન ચર્ચિલ એકદમ ખોટા પડ્યા છે. ભારતમાં માત્ર લોકશાહી ટકી જ નથી, વધારે મજબુત થઈ છે. ભારત અખંડ રહી વિકાસના શિખરો સર કર્યા છે. ૧૯૫૨માં લોકસભાની પ્રથમ ચૂંટણી થઈ ત્યારથી લગાવી અત્યાર સુધીના લોકશાહી ભારતીય રાજકારણના લેખા - જોખા નીચે દર્શાવ્યા છે. વિવિધ ધર્મ - સંપ્રદાયો અને ભાષા સંસ્કૃતિઓને એક સાથ રાખી ભારત દેશે લોકશાહી જાળવી રાખી અને વિશ્વભરને અચંબામા નાખી આજે વિકાસની દોડ કરી રહેલ ભારત દેશ વિશે વધુને વધુ જાણવાની વિશ્વને જરૃર ઉભી થઈ છે. ભારતીય રાજકારણમાં ૧૯૫૨ થી અત્યાર સુધી ભારતે ૧૫ લોકસભા ચૂંટણી જોઈ છે. ૧૬મી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૃ છે, ત્યારે ભારતીય રાજકારણની ૧૫ લોકસભા વિશે ટુંકમાં નજર કરીએ!

તે પહેલા થોડી હાઈલાઈટ્સ તરફ એક નજર કરીએ. ભારતમાં ત્રણ મુસ્લિમ રાષ્ટ્રપતિ ચૂંટાઈ ચૂકયા છે. વર્તમાન વડાપ્રધાન શીખ સમુદાયના છે. હાલમાં રાજકર્તા પક્ષના પ્રમુખપદે સોનીયા ગાંધી છે અને એ કેથલીક ઈટાલિયન નારી છે. ભારતની છલાંગ દર વર્ષે ૪ કરોડ નાગરીકોને (ભારતની ઈકોનોમી) ગરીબીમાંથી બહાર તાણી લાવે છે. આજે આખા અમેરીકાની વસ્તી જેવો મધ્યમવર્ગ ભારતમાં છે અને ૨૦૨૫ સુધીમાં ભારતની મોટા ભાગની પ્રજા મધ્યમ વર્ગમાં આવી જશે એવી ગણતરી છે. દુનિયાના સુપર પાવર રાષ્ટ્રો ભારતને ખુશ કરવા મથી રહ્યા છે. એ લોકશાહી ભારત દેશની અત્યાર સુધીની રાજકીય સ્થિતિ પણ રોમાંચક રહી.

૧૯૪૭માં દેશના વિભાજન વખતે રાષ્ટ્ર સમક્ષ જે અસાધારણ પરિસ્થિતિઓ ઉભી થયેલ. તે પરિસ્થિતિને પહોંચી વળવા મહાત્મા ગાંધીજીના સુચનથી પંડિત જવાહરલાલ નહેરૃએ ડો. આંબેડકર કે ડો. શ્યામપ્રસાદ મુખરજી જેવા ભુતકાળમાં કોંગ્રેસનાં વિરોધી રહેલા તેવા રાજકીય નેતાઓને સરકારમાં સમાવેશ કરી રાષ્ટ્રીય સરકારની રચના કરી હતી. ૧૯૪૭માં કોંગ્રેસ પક્ષ અત્યંત શકિતશાળી રાષ્ટ્રીય પક્ષ હોવા છતાં તેણે રાષ્ટ્રના હીત ખાતર રાષ્ટ્રીય સરકારની રચના કરી હતી. એ પછી લોકસભાની ચૂંટણી થઈ ૧૯૫૧ થી ૨૦૧૩ સુધીના ૬૬ વર્ષમાં કુલ પંદર ચૂંટણીઓ યોજાઈ ગઈ અને આ ૬૬ વર્ષમાં લોકસભાની સીટો ૪૮૯ થી વધીને ૫૪૩ થઈ છે.

પહેલી લોકસભાની ચૂંટણીમાં ૧૪ રાષ્ટ્રીય પક્ષોએ અને ૫૮ પ્રાદેશિક પક્ષોએ ઝુકાવ્યું હતું. ૧૯૫૧ થી પ્રથમ ચૂંટણીમાં કુલ ૧૭ કરોડ ૩૨ લાખ મતદાર હતા. પ્રથમ ચૂંટણીમાં એકલા કોંગ્રેસ પક્ષએ ૭૦ ટકા (૩૬૪) બેઠક મેળવી લીધી હતી ! ચાર મુખ્ય વિરોધ પક્ષો સામ્યવાદી, સમાજવાદી, જનસંઘ અને કિશાન મઝદૂર પક્ષને કુલ મળીને ૪૦ બેઠકો મળી. ટચુકડા પક્ષોને ૪૭ અને અપક્ષોને ૩૭ બેઠકો મળી હતી. પ્રથમ ચૂંટણીમાં ૧૭ કરોડ ૩૨ લાખ મતદારોમાંથી દશ કરોડ મતદારોએ મતદાન કર્યુ હતું ! એ પછીની ચૂંટણીઓમાં લોકસભા (૨) અને (૩) માં કોંગ્રેસે જીત મેળવેલ. પરંતુ ૧૯૬૭ની ચોથી ચૂંટણીમાં કોંગ્રેસને ૫૨૦ બેઠકોમાંથી ૨૮૩ બેઠકો મળી અને એ પછી કોંગ્રેસે ૮ રાજયોમાં સતા પણ ગુમાવી, ગુમાવેલ રાજયોમાં નાના-મોટા, મજબુત - નબળા પક્ષોએ સાથે મળીને સંયુકત વિધાયક દળોની 'SVD' ની સરકાર ચલાવી. સંયુકત સરકારોનો ભારતના લોકો પરનો પહેલો અનુભવ અતિશય ખરાબ રહ્યો અને મિશ્ર સરકારો પડી ભાંગી.

માંડ બે વરસ ચાલેલ આ સંયુકત સરકારથી લોકો વાજ આવી ગએલા ! બે વરસમાં તો બહુપક્ષીય સરકારો પડી ભાંગી અને કોંગ્રેસે પ્રધાનમંડળો સ્થપાયા. જો કે કોંગ્રેસ પક્ષમાં પણ સતાની સાઠ મારી ચાલતી હતી અને વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ પક્ષ સંગઠનના આગેવાનો સાથે હોવા છતાં સરકાર સામ્યવાદીઓના ટેકાથી ટકી રહી. આખરે લોકસભા એક વરસ વહેલી બરખાસ્ત થઈ. ૧૯૫૨ થી ૧૯૬૭ સુધી કેન્દ્ર સરકારમાં અને લગભગ બધા રાજયોમાં કોંગ્રેસ પક્ષનું એક ચક્રી શાસન ચાલતુ રહ્યું. ૧૯૭૫માં કોંગ્રેસના ઈન્દિરા ગાંધીએ લોકશાહીનું ગળુ ઘોટી દેવાનો પ્રયાસ કર્યો તેમાં તેમણે સખત પછડાટ ખાવી પડી અને ૧૯૭૭માં પહેલી વખત લોકસભામાં કોંગ્રેસ પક્ષે વિરોધપક્ષની પાટલી પર બેસવુ પડ્યું.

પાંચમી લોકસભાની ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીને હટાવવા માટે ચાર મોટા પક્ષો સંસ્થા કોંગ્રેસ, સ્વતંત્ર પક્ષ, જનસંઘ અને સમાજવાદી એક જૂટ થયા પણ ઈન્દિરા ગાંધી 'ગરીબી હટાવ' નો નારો આપી જબરજસ્ત ૩૮૨ બેઠકો લોકસભાની મેળવી લીધી તથા ઈન્દિરાના ટેકેદાર સામ્યવાદી પક્ષોને ૪૮ બેઠક જયારે ઈન્દિરા વિરોધી ચારેય પક્ષોને કુલ ૫૩ બેઠક માંડ મળી ! એ પછીના વરસે યોજાયેલી રાજય વિધાનસભાઓની ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીએ સપાટો બોલાવી તમામ રાજયોમાં કોંગ્રેસનું એક ચક્રી શાસન સ્થપાયું. આ જબરજસ્ત સફળતા પછી કોંગ્રેસ પક્ષમાં ઈન્દિરા ગાંધીનું એક ચક્રી શાસન - ખુશામત ખોરીથી ચાલવા લાગ્યું. આથી વહીવટી નિષ્ફળતા વ્યાપી ગઈ. લોકો ભ્રષ્ટાચાર અને વહીવટી નિષ્ફળતાથી ત્રાસી ગયા અને તે સામે લોકોના રોષનો ભડકો ગુજરાતમાં થયો. ગુજરાતનાં મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલને નવનિર્માણ આંદોલનથી લોકોના રોષનો ભોગ બની વિધાનસભા બરખાસ્ત કરવી પડી. નવ નિર્માણનો પડઘો બિહારમાં પડ્યો. ભ્રષ્ટાચાર નાબુદ કરવા માટે જયપ્રકાશ નારાયણે ક્રાંતિની જેહાદ જગાવી. અલ્હાબાદ હાઈકોર્ટ ચૂંટણીમાં મર્યાદા ભંગ માટે ઈન્દિરાને કસૂરવાર ઠરાવીને રાજકારણમાંથી બહાર હડસેલી કાઢ્યા. એ પછી ઈન્દિરાએ અદાલતની અવગણના કરીને વડાપ્રધાન તરીકેની સતાનો દૂરપયોગ કરીને દેશભરમાં કટોકટી જાહેર કરી! બંધારણમાં ઘાલમેલ કરી દોઢ વરસ સુધી લોકશાહીને અભરાઈ પર ચઢાવી દેવામાં આવી અને વિરોધી જૂથોને પકડી - પકડી જેલમાં પૂરી દેવામાં આવ્યા. આ બનાવ ભારતીય રાજકારણમાંના ઈતિહાસમાં અજોડ ઘટના બની રહી!

કટોકટી પછી ૧૯૭૭માં છઠ્ઠી લોકસભાની ચૂંટણીમાં મતદારોએ કોંગ્રેસ પક્ષને અને ઈન્દિરા ગાંધી સહિતના તેમના તમામ સાથીદારોનો ચૂંટણીમાં કડી હાર મળી! કોંગ્રેસને માત્ર ૧૫૪ બેઠકો મળી અને પાંચ પક્ષોના બનેલા જનતા પક્ષે ૨૯૫ બેઠક મેળવી અને મોરારજી દેસાઈની બિન કોંગ્રેસી સરકારે સતા સંભાળી વચ્ચે એક બીજી વાત ૧૯૭૦માં રજવાડાઓનું સાલિયાણું બંધ કરવા અંગેનું વિધેયક રાજયસભામાં ૧ મત ઓછો મળતા પસાર ન થતાં ઈન્દિરા ગાંધીએ ઉપરોકત વિધાયકને રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમ બહાર પાડી પોતાનું ધાર્યુ કરાવ્યું પરંતુ સુપ્રિમ કોર્ટમાં ઈન્દિરા ફાવી ન શકયા આથી ૨૭ ડિસેમ્બર ૧૯૭૦ના રોજ ઈન્દિરાએ ૧૪ મહિના વહેલી મધ્યસત્ર ચૂંટણી જાહેર કરી હતી. આ બાજી ૧૯૭૭માં કટોકટીકાળને કારણે ઈન્દિરા વિરોધી લહેરમાં જનતાદળના મોરારજી દેસાઈ વડાપ્રધાન પદે ચૂંટાયા. પરંતુ મોરારજી પોતાના નાયબ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ સાથે અહમના ટકરાવ ચરમસીમાએ પહોંચ્યો અને મોરારજી દેસાઈ સરકારનું પતન થયું.

મોરારજી દેસાઈ સરકારના પતન બાદ ચૌધરી ચરણસિંઘને લોકસભામાં ઈન્દિરા ગાંધીએ બહારથી ટેકો આપી વડાપ્રધાન બનાવ્યા. પરંતુ ચૌધરી ચરણસિંઘએ ઈન્દિરા પરના કટોકટીકાળના તમામ કેસો પાછા ખેંચવામાં વિલંબ કરતા, આખરે ૨૦ ઓગષ્ટ ૧૯૭૯ના ટોટલ બે વર્ષના ટુંકાગાળામાં ઈન્દિરાએ ટેકો પરત ખેંચતા સરકારનું પતન થયું!

સન ૧૯૮૦માં સાતમી લોકસભામાં લોકોને કોંગ્રેસી સિવાઈની સરકારનો કડવો અનુભવ થયો હોય, ઈન્દિરા ગાંધીની કોંગ્રેસે ફરીથી ૩૫૩ બેઠકો મેળવી લોકસભામાં બહુમતી હાસિલ કરી. શીખ ત્રાસવાદીનો ઝબ્બે કરવા સુવર્ણ મંદિર પર ઓપરેશન બ્લુ સ્ટારના કારણે શીખ સમુદાય રોષે ભરાયેલ અને ટૂંકાગાળા માટે લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા પણ રશિયામાં તેમનું ભેદી સંજોગોમાં મૃત્યુ થયું. ઈન્દિરા ગાંધીને ઠાર મારવામાં આવ્યા. ઈન્દિરા ગાંધીની આ શહાદતના કારણે ૧૯૮૪ની આઠમી લોકસભામાં કોંગ્રેસને રેકોર્ડ બ્રેક ૪૧૫ બેઠક મળી અને રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા અને રાજીવના શાસન દરમ્યાન ફરી ખુશામત ખોરીનો સમય શરૃ થયો. પરંતુ રાજીવ ગાંધી શાસનની ધુરા સંભાળવામાં અને ખુશામતખારોની જી-હુજુરીના પ્રતાપેના કામયાબ રહ્યા, દરમ્યાન બોફોર્સ ટોપના સોદામાં કટકીનો મામલો સામે આવ્યો. જેમાં સોનિયા ગાંધીના દેશ ઈટાલીના કનેકશન અને કટકી અંગેના અહેવાલો તેમના જ પ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહે જાહેર કર્યા અને ૧૯૮૯ની નવમી લોકસભામાં કોંગ્રેસને ફકત ૧૯૪ બેઠકો મળી. તે ગ્રહમાં સૌથી મોટો પક્ષ હોવા છતાં બોફોર્સની બદનામીના કારણે કોઈએ ટેકો આપ્યો નહીં, બલ્કે ૧૪૨ બેઠક હાસિલ કરનાર જનતાદળને ૮૬ બેઠક (બે સીટમાંથી જમ્ય કરી ૮૬ બેઠક જીતનાર ભાજપ) જીતનાર ભાજપ અને ૪૮ બેઠક ધરાવનાર ડાબેરીઓએ વિશ્વનાથ પ્રતાપસિંહને વડાપ્રધાન તરીકે ટેકો આપીને ટકાવી રાખ્યા. દરમ્યાન રામ જન્મભૂમિનાં મુદ્દે ભાજપ મજબુત બની બહાર આવી રહ્યું હતું.
W.D


૧૯૯૦માં અડવાણીએ બાબરી મસ્જીદ - રામજન્મભૂમિના મુદ્દે સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રાનો આરંભ કરેલ. કોમવાદી ઝુંબેશને તોડી નાખવા માટે તેમજ લોકોના ધ્યાન બીજી તરફ વાળવા વિશ્વનાથ પ્રતાપસિંહે જ્ઞાતિવાદી હોળી સળગાવી! અને મંડળપંચના અહેવાલનો અમલ થશે એમ જાહેરાત કરી. મંડળ - કમંડળની આ અથડામણ અને જનતાદળના ત્રણેય નેતાઓ વિશ્વનાથ - દેવીલાલ - ચંદ્રશેખરની હંુસાતુંસીના કારણે જનતાદળમાં ભંગાળ પડ્યુ અને ચંદ્રશેખર વડાપ્રધાન તરીકે કોંગ્રેસે ટેકો આપ્યો અને બે મહિનાના ટુંકાગાળામાં કોંગ્રેસે ટેકો પરત ખેંચતા લોકસભા વચ્ચે કાચી મુદ્દતે વિખેરી નાખવી પડી અને લોકસભાની ૧૯૯૧ની ચૂંટણી દરમ્યાન રાજીવ ગાંધીની હત્યા થઈ અને આ કારણે આ દસમી લોકસભામાં કોંગ્રેસે ૨૩૨ બેઠકો મળી. આ સમયે રાજીવ ગાંધી પછી કોણ સવાલો ખડા થયા? આખરે નરસિંહરાવ બહુમતી માટેની ઘટતી બેઠકો અપક્ષો પાસેથી મેળવી કે ખરીદીને બહુમતી માટેની ૨૬૯ બેઠકો હાંસિલ કરી વડાપ્રધાન બન્યા.

ભારતીય રાજકારણમાં ત્રીજા મોરચાનો કોન્સેપ્ટ કામયાબ રહ્યો નથી. ભારતના રાજકારણમાં ત્રીજા મોરચાએ ચાર વડાપ્રધાનો આપ્યા છે પણ એકવાર પણ ત્રીજા મોરચાનો કોન્સેપ્ટ સફળ રહ્યો નથી! ભારતમાં અત્યાર સુધીમાં ત્રીજા મોરચાએ વી. પી. સિંહ, ચંદ્રશેખર, દેવગૌંડા અને ઈન્દરકુમાર ગુજરાલ ચાર વડાપ્રધાનો આપ્યા. જેમાં વી. પી. સિંહ અને ગુજરાલે અગિયાર મહિના અને દેવગૌડા માત્ર સાડા દશ મહિના માટે શાસન કર્યુ, વડાપ્રધાન પદે ટકી શકયા. જનતાદળમાં ભંગાણ પડીને ચંદ્રશેખર, રાજીવ ગાંધીની મદદથી વડાપ્રધાન બન્યા હતા. એ પછી કોંગ્રેસે ટેકો પાછો ખેંચી લેતા ચંદ્રશેખર ચાર મહિનામાં જ વડાપ્રધાન પદેથી હટ્યા! ભારતમાં ત્રીજા મોરચાની સરકારો ટકતી નથી. ત્રીજા મોરચાની સરકાર ચલાવવા બે મુખ્ય પક્ષો કોંગ્રેસ - ભાજપ પૈકી કોઈ એકનો ટેકો હોવો જરૃરી છે તે અત્યાર સુધીના ભારતીય રાજકારણના ઈતિહાસથી ફલીત થાય છે.

હવે ૧૯૯૬ની અગિયારમી લોકસભા વિશે જાણીએ તો એ ચૂંટણીમાં લોકસભાની ૫૪૩ બેઠકમાંથી ૧૯૩ બેઠક મેળવનાર ભારતીય જનતાપક્ષને સરકાર રચવાની તક મળી અને અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા. પરંતુ બાબરી મસ્જીદ તોડનારા અને કોમવાદના નામે વગોવાયેલા ગણીને કોઈ પક્ષએ ટેકો ન આપતા બાજપેયીએ સતર દિવસમાં રાજીનામુ આપવુ પડ્યું. એ પછી ચૌદ પક્ષોના જોડાણથી બે સરકારો દેવગૌડા અને ગુજરાલ ૧૧-૧૧ મહિના ચાલી અને પછી લોકસભાનું અકાળે અવસાન થયું અને ફરી ચૂંટણી આવી. જે ૧૯૯૮ની બારમી લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે ૧૮૨ બેઠક સાથે ભાજપના વાજપેયીએ ૧૮ પક્ષોના સહકારથી ૮૬ સાંસદોના મેળવેલ ટેકાથી સરકાર રચી ! પણ આ મોરચો પણ ટકી ન શકતા એક જ વર્ષમાં ફરી લોકસભાની ચૂંટણી કરવી પડી અને આ ૧૩મી લોકસભાની ચૂંટણી ૨૩ ટુકડાઓ જોડીને બનાવેલી મોરચા સરકાર (NDA) ની પુરા પાંચ વર્ષ ટકી રહી અને વાજપેયી વડાપ્રધાન પૂરા ૫ વર્ષ બની રહ્યા અને ઈન્ડિયા સાઈનીંગ સાથે લડી, પરંતુએ ૨૦૦૪ની ચૂંટણીનાં પરિણામ ભારે અજગુત રહ્યા કોંગ્રેસને ૧૪૫ અને ભાજપને ૧૩૮ બેઠક મળી આમ (NDA) મોરચાનો પણ પરાજય થયો, કોંગ્રેસી મોરચા પાસે પણ બહુમતી બેઠકો ન હોવાથી ડાબેરી પક્ષોના ટેકાથી મનમોહનસિંઘ વડાપ્રધાન બન્યા અને મનમોહનસિંઘની કુશળતા અને પ્રતિષ્ઠાથી સાથી પક્ષોના સાથે અનેક પ્રકારના સમાધાન બાદ કોંગ્રેસી મોરચા સરકારે પાંચ વર્ષ પૂરા કર્યા!

એ પછી ૨૦૦૯ની પંદરમી લોકસભામાં યુપીએ અને એનડીએની ટક્કરમાં કોંગ્રેસને ૨૦૦ થી વધુ સીટો સાથે યુપીએ ગઠબંધન મજબુતી સાથે સરકાર બની અને મનમોહનસિંઘ વડાપ્રધાન બની રહ્યા. એ દરમ્યાન યુપીએના ગઠબંધનમાંથી મમતા બેનરજી હટી જતાં, મુલાયમસિંહ અને માયાવતીના બહારથીના ટેકાના સહારે અત્યારે સરકાર ચાલી રહી છે. ભારતના રાજકારણના ઈતિહાસમાં ભ્રષ્ટાચારના સૌથી વધુ આરોપો આ સરકાર પર થયા છે. ૧૬મી લોકસભાની ચૂંટણી ચાલુ વર્ષે થવાની છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ હાલથી જ ચૂંટણીઓની કમાન તથા પી. એમ. પદના ઉમેદવાર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાહેર કરાયા બાદ એનડીએના મુખ્ય ઘટક નીતીશકુમારે એનડીએથી છેડો ફાડી નાખેલ. આમ નરેન્દ્રભાઈ મોદીની ઉમેદવારી પછી આગામી લોકસભાની ચૂંટણી ભારે રસપ્રદ બની રહેશે અને ૧૬મી લોકસભાની ચૂંટણી ભારતીય રાજકારણમાં લાંબા સમય સુધી રહેશે તેવું દર્શાય છે. ચાલુ સાલ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, સાથોસાથ કેજરીવાલ વચ્ચે બની રહેવાની છે.