સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભાની ચૂંટણીનો ઈતિહાસ
Written By
Last Updated : મંગળવાર, 7 મે 2024 (16:50 IST)

રાજકોટમાં ક્ષત્રિયો મતદાન કર્યા બાદ શું બોલ્યા?

kshatriya samaj
રાજકોટ બેઠક એ ભાજપ સામે ક્ષત્રિયોના આંદોલનનું ઍપિસેન્ટર રહી છે, ત્યારે મંગળવારે સવારથી જ આ બેઠક ઉપર ક્ષત્રિયોમાં સક્રિયતા જોવા મળી હતી.
 
ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ જણાવ્યું, 'ક્ષત્રિયો ઓછામાં ઓછું 90થી 95 ટકા મતદાન કરે એવું અમારું લક્ષ્યાંક છે. ગામડાંમાં પણ ક્ષત્રિય સમાજનું વહેલી સવારથી ભારે પ્રમાણમાં મતદાન થઈ રહ્યું હોવાના રિપોર્ટ અમને મળી રહ્યા છે.'
 
'અમને અન્ય સમાજોનું પણ સમર્થન હાંસલ છે એટલે ક્ષત્રિયોનું મતદાન પૂર્ણ થયે અન્ય સમાજના લોકો મતદાન કરવા માટે બહાર નીકળે તે માટે પ્રયાસ કરીશું. આ માટે અલગ-અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે.'
 
વ્યૂહરચનાના ભાગરૂપે પ્રારંભિક કલાકોમાં ક્ષત્રિયોનું મતદાન થઈ જાય તે માટે 'ક્ષત્રિય સંકલન સમિતિ' દ્વારા દરેક વૉર્ડમાં દરેક બૂથ ઉપર 'અસ્મિતા સૈનિક' તરીકે ક્ષત્રિય યુવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. જેઓ વહેલી સવારે સાડા પાંચ વાગ્યાથી જ કામે લાગી ગયા હતા. ક્ષત્રિય આગેવાન રમજુભાએ કહ્યું હતું કે, “દરેક બૂથ પર અમારા અસ્મિતા સૈનિકો તહેનાત છે અને શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે.”
 
મંગળવારના અખબારોમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા જાહેરાત આપવામાં આવી હતી.
 
એક ક્ષત્રિય મહિલા કાર્યકર્તાએ બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે વાત કરતાં કહ્યું, 'અમારી અસ્મિતા અને સ્વમાન માટે મત આપવો જરૂરી હતો. મત અમારું શસ્ત્ર અને પૂજન છે. મત અમારું સ્વમાન અને સ્વાભિમાન છે. અમારી અસ્મિતા માટે અમે મત આપ્યો છે.'

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ ચૂંટણીમાં ક્ષત્રિય સમાજનો ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા વિરુદ્ધનો વિરોધ ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનાં ક્ષત્રિય સમાજને લઈને આપવામાં નિવેદન બાદ સતત ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. આજે મતદાનમાં સૌથી વધુ અસર જામનગર અને રાજકોટમાં જોવા મળી રહી છે.