સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ચૂંટણી2009
  4. »
  5. લોકસભા ચૂંટણી 2009
Written By ભાષા|
Last Modified: શનિવાર, 9 મે 2009 (17:13 IST)

મોદીને પીએમ માટે સમર્થન નહી-નીતીશ

બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે કોંગ્રેસના યુવા મહામંત્રી રાહુલ ગાંધીના વખાણ કર્યા બાદ વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદી સામે વાંધો ઉઠાવ્યો છે. નીતીશકુમારે ટૂંકમાં કહ્યું હતું કે વડાપ્રધાનપદ માટે નરેન્દ્ર મોદી તેમને મંજૂર નથી.

ભાજપના ટોચના નેતાઓ ભવિષ્યમાં વડાપ્રધાનપદ માટે મોદીનું નામ લઈ રહ્યા છે. જેડીયુના પ્રમુખ નીતીશકુમાર ભાજપના વડપણ હેઠળના એનડીએ સાથે જોડાયેલા હોવા છતાં મોદી અંગે કરેલી ટિપ્પણીથી રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.

નીતીશકુમારે વડાપ્રધાન તરીકે મોદીના નામ પર નામંજૂરી વ્યકત કરતા કહ્યું હતું કે 2002 માં ગુજરાતમાં થયેલાં કોમી રમખાણોનું કલંક કયારેય ભૂંસાઈ શકે તેમ નથી. એક ચેનલ સાથે ચર્ચા દરમિયાન નીતીશકુમારે કહ્યું હતું કે ‘મારા મતે ભાજપે પહેલેથી જ વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે અડવાણીની જાહેરાત કરી છે. જો ભાજપ પોતાના બળે બહુમતી હાંસલ કરે તો તેઓ જેને ઈચ્છે તેને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરી શકે છે.’

નીતીશકુમારે ગુજરાતનાં રમખાણોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ‘ગુજરાતમાં જે થયું તે કયારેય ન થવું જોઈએ.’ શું મોદીએ આ માટે માફી માંગવી જોઈએ? તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે શું કોઈને માફી માગવાનું કહી જે ઘટના બની તેને ભુલાવી શકાય? તાજેતરમાં તેમણે કરેલી રાહુલ ગાંધીની પ્રશંસા અંગે કહ્યું હતું કે ‘હાલ રાહુલની તાલીમ ચાલી રહી છે. જો કે એનડીએ સાથે અમારે અલગ થવાનો કોઈ સવાલ નથી.'