શિવરાત્રીએ શિવપૂજન કરવાથી દારિદ્ર યોગ દૂર થાય છે

Last Updated: ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2019 (16:28 IST)

મહાશિવરાત્રી એટલે આરાધનાનું પર્વ. મંગળવારે મહાશિવરાત્રી છે ત્યારે શિવભક્તોમાં ઉજવણી માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શિવમંદિરમાં તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. શિવભક્તો માટે આ વર્ષમાં એક જ વખત આવનારો દિવસ હોવાથી તેઓ ભોળાનાથને રિઝવવા માટે યથાશક્તિ પ્રયાસ કરશે. મહાશિવરાત્રીના આ પર્વ નિમિતે શિવમંદિરોમાં વિશેષ પૂજન, રૃદ્રી, મહાશિવાનુષ્ઠાનના વિશેષ આયોજન કરવામાં આવ્યા છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આમ તો વર્ષમાં ૧૨ વખત શિવરાત્રી આવતી હોય છે. મહિનાના વદ પક્ષના બારમા તેરમા દિવસે શિવરાત્રી હોય છે. જોકે, મહા મહિનામાં જે શિવરાત્રી આવે છે તેનું અનેરું મહત્વ છે જેને આપણે મહાશિવરાત્રી તરીકે ઉજવીએ છીએ. મહા શિવરાત્રી એટલે મોટી શિવરાત્રી એવી પણ કેટલાક ભક્તોમાં માન્યતા હોય છે. પરંતુ આ વાસ્તવિક્તા એ છે કે આ શિવરાત્રી મહા મહિનામાં આવતી હોવાથી તેની મહા શિવરાત્રી તરીકે ઉજવણી કરવામાં આવે છે. અલબત્ત શાસ્ત્રોની દ્રષ્ટીએ મહાશિવરાત્રીનું મહત્વ વિશેષ હોવાથી તેને મોટી શિવરાત્રી કહી શકાય. એવો પણ મત છે કે મહાશિવરાત્રી એટલે શિશિર ઋતુ-શિયાળાની મોસમનો અંતિમ દિવસ. આ જ દિવસથી ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થતો હોય છે. મહાશિવરાત્રી બાદના દિવસો ગરમ રહેતા હોવાથી ભોળાનાથને ઠંડક થાય તે હેતુથી તેમને ઠંડી વસ્તુઓ જેમ કે ઘી, શેરડીનો રસ, દૂધ, દહીં, તરોફા, ભાંગ વિગેરેનો અભિષેક કરવામાં આવતો હોય છે. આ સાથે જ ઠારેલા ઘીના કમળ પણ ચઢાવવામાં આવે છે. શિવભક્તોમાં આ દિવસે ભાંગનો પ્રસાદ ગ્રહણ કરવાનો મહિમા છે.

અમદાવાદ સહિત રાજ્યભરના શિવમંદિરોમાં શિવરાત્રી નિમિતે મહારૃદ્રાભિષેક, લઘુ રૃદ્રીના વિશેષ આયોજન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરમાં કેટલાક સ્થાને શિવમહાપુરાણનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. મહાશિવરાત્રી પર્વના આ દિને પૃથ્વીના તમામ શિવલિંગોમાં રૃદ્રનો અંશ હોય છે. અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ છે. માતા મહાલક્ષ્મીના અધિષ્ઠાત્રા મહાદેવ છે. આથી જ મહાશિવરાત્રીએ આયુષ્યની સાથે ઐશ્વર્ય પણ આપે છે. જન્મના ગ્રહોના શિવરાત્રીએ શિવપૂજન કરવાથી દૂર થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ દિવસે તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાન્નિધ્યમાં હોય છે. આથી જ આ દિવસે મહારૃદ્રનો હોમાત્મક પાઠ સોમયજ્ઞાનું ફળ આપે છે.


આ પણ વાંચો :