ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. મંથન
Written By જનકસિંહ ઝાલા|

ક્યાં છે એ કાગડો...?

શ્રાદ્ધમાં કાગ ભોજન માટે કાગડાઓ ક્યાં ?

હજુ પણ યાદ છે શૈશવના એ સ્મરણો જ્યારે ગામમાં આવેલા અમારા મકાનના ફળિયામાં ખાટલો ઢાળીને દાદાની પડખે હું સૂતો રહેતો. સવાર પડતા જ જ્યારે સુરજ દેવતા પૂર્ણ કળાએ ખિલતા ત્યારે તેમના તેજસ્વી પ્રકાશથી નાની નાની મારી આંખો ખુલતી.ફળિયામાં જ દાદાએ પશુ-પક્ષીઓને ચણવા માટે એક ચબુતરો બનાવડાવેલો
 
 
જ્યાં કાબર, કાગડો, પોપટ, કબૂતર અને હોલા જેવા પક્ષીઓ પોતાનું અને પોતાના બચ્ચાઓનું પેટ ભરવા આવી ચડતા. આ બધા પશુઓના મધુરવ કલરવ વચ્ચે કાગડાનો કાં...કાં...કાં જેવો કર્કશ અવાજ એક એલાર્મ ક્લોકનું કામ કરતો અને ન ઈચ્છવા પડતા આ અવાજથી ત્રસ્ત થઈને મારે ઉઠવું પડતું.

અચાનક જ એ કાગડો ઘરના નળિયા પર બેસીને કાં..કાં કરવા લાગતો ત્યારે પોતાના એક હાથે નાકમાં છીંકણી ભરીને કાગડા તરફ ઘરડી આંખોને ફેરવીને મારી દાદી પોતાની વહૂઓ એટલે કે મારી મમ્મી અને કાકીઓને કહેતી કે, 'આજે ઘરે કોઈ મહેમાન આવવાનું છે, જલ્દી રસોઈ બનાવી રાખશો જુઓને આ કાગડો સવારથી કાં..કાં કરી રહ્યો છે.'

સમય વીતતો ગયો અને એ કાગડો પણ મારા દાદાની જેમ મને છોડીને ચાલ્યો ગયો. આજે મને ક્યાંય પણ કાગડો જોવા મળતો નથી. પર્યાવરણમાં દિવસે ને દિવસે વધી રહેલા પ્રદુષણે એ કાગડાને મારાથી ઘણો દૂર-દૂર કરી દીધો છે. વાતાવરણમાં વધતા જતા કાર્બન ડાયોક્સાઈડે ઓઝોન વાયુના સ્તરમાં જ્યાં કાણાઓ પાડી દીધા છે ત્યાં બીજી તરફ વૃક્ષોની પણ દિવસેને દિવસે ઘટતી સંખ્યાએ પ્રાણવાયુ ઓક્સિજનનું પ્રમાણ ઘટાડ્યું છે. આવા વાતાવરણમાં જ્યાં માનવીઓને રહેવું પણ મુશ્કેલ બની ગયું છે ત્યાં પક્ષીઓની તો વાત જ શું કરવી ?

હાલના દિવસોમાં પિતૃપક્ષ ચાલી રહ્યો છે. લોકો પોતાના પિતૃઓ માટે શ્રાદ્ધનું આયોજન કરી રહ્યાં છે. પિંડદાન, દાન-પુણ્ય, તર્પણ મારફત પોતાના પિતૃઓની આત્માની શાંતિ અને મોક્ષ અર્થે પ્રાર્થનાઓ કરી રહ્યાં છે અને સાથોસાથ પોતાના પરિવારની સુખ-સમૃદ્ધિ માટે આર્શીવાદ લઈ રહ્યાં છે તેવા સમયે જેના માધ્યમ થકી પિતૃઓ સુધી ભોજન પહોંચે છે અને રાહૂ અને કેતૂ જેવા ગ્રહોથી શાંતિ મળે છે એવો મારો પ્રિય કાગડો અચાનક જ અદૃશ્ય થઈ જતાં મને ઘણું દુ:ખ થઈ રહ્યું છે.

પિતૃપક્ષમાં કાગડાઓનું ઘણું મહત્વ હોય છે. ધાર્મિક માન્યતા અનુસાર પિતૃઓના તર્પણ માટે ભોજનમાં અતિથિ ભોજન, કાગ ભોજન, ગૌ ભોજન અને કિડીઓનું ભોજન અલગથી કાઢવામાં આવે છે. કહેવાય છે કે, આ રૂપમાં પિતૃઓને ભોજન મળે છે પરંતુ હાલ કાગડાઓના અભાવે કાગ ભોજન માટે શહેરી લોકોને ખુબ જ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. સિમેંટ અને કોંક્રિટથી બનેલા આ જંગલોને છોડીને કાગડો ઘણો જ દૂર ચાલ્યો ગયો છે. વધતું પ્રદુષણ, શહેરી ક્ષેત્રોના પૂર ઝડપી વિકાસ, વનોની ઘટતી સંખ્યાને પગલે અપર્યાપ્ત ભોજન, ઔધોગિક ક્ષેત્રનો વિકાસ અને તેમાથી નિકળનારો હાનિકારક ધુમાડો આ તમામ એ પરિબળો છે જેણે કાગડા સહિત અન્ય કેટલાયે પંક્ષીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે.

અધુરામાં પુરુ આજે રોડ અકસ્માતો અને વીજથાંભલાઓ પર શોર્ટ સર્કિટને લીધે કેટલાયે પશુ પક્ષીઓ અકાળે મૃત્યુને ભેટે છે. તેવા સમયે સરકાર પણ કુભનિંદ્રામાં સુઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કાગડાઓ સહિત કેટલાક અન્ય પશુ-પક્ષીઓની સંખ્યામાં જે પ્રકારે ઉત્તરોત્તર ઘટાડો નોંધવામાં આવ્યો છે તેનો ઉલ્લેખ ન તો કદી સાંસદ ભવનમાં થયો છે ન તો કોઈ છાપાવાળાએ તેની નોંધ લીધી છે. સિંહ અને વાધની ઘટતી સંખ્યા સિવાય તેઓને અન્ય પશુઓ દેખાતા નથી. તેઓની આંખો પર કાળા ચશ્મા લાગેલા છે અને કદાચ એટલા માટે જ તેમને કાળો કાગડો નજરે ચડી રહ્યો નથી.