શુ ગાંધી જયંતિ એટલે માત્ર રજાનો દિવસ ?

હવે આપણને આ દિવસ એક રજા તરીકે વધુ યાદ રહે છે

વેબ દુનિયા|

P.R
થોડાં વરસો પહેલાં, કમ સે કમ આ દિવસે તો સૌ ગાંધીજીને યાદ કરતા. એનાથી પણ થોડાં વરસો પહેલાંના દિવસો યાદ કરીએ તો આ દિવસે ગાંધીજીને પ્રિય હતા એ ગુણો અપનાવવાના કે એવાં કાર્યો કરવાના મનસૂબા થતા. ગાંધીજીનું નામ લઈએ કે સૌથી પહેલા સત્ય, અહિંસા અને રેંટિયો- આ ત્રણ અનાયાસ સામે આવી જાય.

આજે મોટે ભાગે તો આ ત્રણેય મ્યુઝિયમમાં રાખેલાં કોઇ એન્ટિક્સ જેવાં બની ગયાં હોય એવું લાગે છે. અસત્ય અને હિંસા તો ચલણી નોટ જેવાં બની ગયાં છે. રોજે-રોજ માત્ર અખબારો કે ચેનલોના સમાચારોમાં જ નહીં, રોજિંદા જીવનમાં પણ ડગલે ને પગલે એનો અનુભવ થાય છે. નાનકડા બાળકને ગન કે તીર-કામઠાંનાં રમકડાં હોંશે-હોંશે અપાવાય છે. બાળકો કોઇને મારવાની કે મારી નાખવાની રમતો રમતી વખતે અજાણતાં જ હિંસાને પોતાના વ્યક્તિત્ત્વમાં સામેલ કરે છે તે વાત એમને તો ન જ સમજાય, પણ એમના વાલીઓને પણ તેનો ખ્યાલ નથી આવતો! સાચું બોલવું કે સત્ય બોલવું પરવડતું નથી એવી દલીલ એક જમાનામાં માત્ર વેપારીઓ પોતાના વેપારના ક્ષેત્ર માટે કરતા. આજે કે.જી. કે ક્લાસ વનનાં ટેણિયાંઓ પણ કરતાં થઈ ગયા છે, અને તેમને એવું ન બોલવા કે ન કરવા કહી શકે એવું પણ કોણ છે? ડૅડીને ફોન ઉપર તેમના સિનિયરને પટ્ટી પઢાવતા સાંભળતું કે મમ્મીને દાદી આગળ ખોટું બહાનું કાઢતાં જોતું બાળક એ જ કલાનો પોતાની નાનકડી દુનિયામાં નાની-નાની સગવડો ઊભી કરવામાં ઉપયોગ કરતું થઈ જાય છે. અને રેંટિયો! એ તો આજના સુપરફાસ્ટ યુગમાં તદ્દન અપ્રસ્તુત જ બની ગયો છે. ઇન્સ્ટન્ટ પરિણામોની આજની દુનિયામાં રૂમાંથી પૂણી ને પૂણીમાંથી સૂતર બનાવવાનો સમય શા માટે વેડફવો જોઇએ! મૂરખ હોય એ બગાડે એવો સમય! ગાંધી મૂલ્યોને ભૂલી જવાની બાબતને જસ્ટિફાઇ કરવામાં આ બધી દલીલો આગળ ધરાય છે. વળી સત્યની હિફાઝત કરનારા અને સચ્ચાઈથી જીવનારાઓને ભોગવવી પડતી તકલીફો અને મુશ્કેલીઓની દુહાઇ આપીને સવાલ પૂછાય છે કે શું મેળવ્યું સાચનાં પૂછડાં થઈને? કોઇ એન્જિનિયરે સરકારી પ્રોજેક્ટમાં ચાલતી ગેરરીતિઓ પર પ્રકાશ નાખવાનો કે કોઇ અધિકારીએ પોતાના વિભાગમાં ચાલતા ગોરખધંધા ઊઘાડા પાડવાના પ્રયત્નો કર્યા હોય અને તેણે જિંદગીથી હાથ ધોઇ નાખવા પડ્યા હોય તેવાં ઉદાહરણો શોધવા દૂર નથી જવું પડતું. આ સંજોગોમાં કોઇ પણ વ્યવહાર-ડાહ્યા માણસો આ લાઇન ઑફ આર્ગ્યુમેન્ટ કરીને સત્યના જોખમી રાહને દૂરથી જ નમસ્કાર કરે તે તદ્દન સમજી શકાય તેવી વાત છે. ફાઇન!
આમ છતાં સંશોધનના આંકડાઓ દર્શાવે છે કે આજે દુનિયામાં ગાંધીજીને જેટલા યાદ કરાય છે તેટલા અગાઉ ક્યારેય નહોતા કરાતા. થોડા સમય પહેલાં જ ચીનના ક્વૉન્યુ શાંગ નામના એક સ્કોલરનું નિવેદન વાંચેલું. તેમણે કહેલું કે ચીનમાં કે.જી.થી લઈને યુનિવર્સિટી સુધીના અભ્યાસક્રમોમાં ગાંધીના અહિંસક આંદોલન વિશે ભણાવાય છે. શાંગે ગાંધીજી ઉપર પીએચ. ડી. કર્યું છે. તે કહે છે કે ચીનમાં આજે વધુ ને વધુ લોકો ગાંધીજી અને તેમના વિચારોમાં રસ લઈ રહ્યા છે. આપણા ઘર આંગણાની વાત કરીએ તો ૨૦૦૪થી નારાયણ દેસાઈ નામના સજ્જન ‘ગાંધી કથા’ કરી રહ્યા છે. તેમણે છેલ્લાં દસ વરસમાં ભારત, અમેરિકા, યુ.કે. અને કેનેડામાં મળીને ૧૦૮ ‘ગાંધીકથા’ કરી છે. ગાંધીજીના સેક્રેટરી અને સાથી મહાદેવભાઈના દીકરા નારાયણભાઈને ગાંધીજીનો પરિચય બહુ જ નાનપણથી મળ્યો હતો. આજે ૮૮ વરસની ઉંમરે નારાયણભાઈએ લાખો યંગસ્ટર્સને ગાંધીજીના વિચારો અને મૂલ્યોની ઓળખ કરાવી છે. જેમ ‘રામાયણ’, ‘ભાગવત પુરાણની કથા’ કે ‘ગીતા જ્ઞાનયજ્ઞ’ની કથા બેસે છે તેમ જ પાંચ દિવસની ‘ગાંધીકથા’ હતી. નારાયણભાઈએ તો કોઇ દિવસ કોઇ ધાર્મિક કથાઓ પણ સાંભળી નહોતી પરંતુ તેમણે ક્ન્સેપ્ચ્યુઅલાઇઝ કરેલી ‘ગાંધીકથા’ ખૂબ જ સફળ રહી. લોકસમૂહ સુધી પહોંચવા માટે કથા એક સફળ અને સશક્ત માધ્યમ છે તે ગાંધીની કથા દરમિયાન વધુ એકવાર પૂરવાર થયું.
અને હવે ‘ગાંધી કથા’માંથી પ્રેરણા લઈને આવી રહી છે ‘સરદાર જીવન કથા’. દેશના ઇતિહાસમાં ગાંધીજી પછી જો કોઇ નેતાનું નામ ભારોભાર આદરથી લેવાતું આવ્યું હોય તો એ છે લોખંડી પુરુષ તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતના વરિષ્ઠ પત્રકાર મણિલાલ પટેલે આ ‘સરદાર જીવન કથા’ તૈયાર કરી છે. કથા બે દિવસની હશે. સરદાર ક્થાનો પ્રારંભ ગાંધીજીના જન્મદિવસ બીજી ઑક્ટોબરથી મહેસાણામાં થશે. સરદાર ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત કરનારા પત્રકાર મણિલાલ પટેલ કહે છે કે સરદાર વિશે કેટલીક વાતો પ્રચલિત કરાઈ છે જેમ કે સરદાર જમણેરી અંતિમવાદી વિચારધારા ધરાવતા હતા ને મુસ્લિમોના દુશ્મન હતા કે સરદારને ગાંધીજી અને નેહરુ સાથે નહોતું ફાવતું! આ કથા દ્વારા સરદારની સાચી ઓળખ આપી સરદાર અંગે પ્રવર્તતી આ ગેરસમજણો દૂર કરવાનો મારો ઇરાદો છે.
૧૦૮ ગુજરાતી ‘ગાંધીકથા’નો લાભ અનેક યંગસ્ટર્સ દ્વારા લેવાયો. અને ઑગસ્ટ મહિનામાં રાજકોટમાં ‘ગાંધીકથા’ અંગ્રેજીમાં પણ યોજાઈ હતી. ગાંધી સાહિત્યનાં પુસ્તકો પણ ઘણાં વેચાઈ રહયાં છે. આ બધા સમાચારો દર્શાવે છે કે જાહેર જનતામાં પણ આજે એક વર્ગ છે જે આજે પણ ગાંધીજીને યાદ કરે છે અને તેમના વિચારો સાથે કનેક્ટ કરે છે. જોકે સત્યનો વિજય થાય છે ત્યારે તો જનતા એક અવાજે તેને વધાવે છે. તાજેતરમાં સ્વાર્થી હિત ધરાવતા સત્તાધીશોના ઇશારે ઉત્તર પ્રદેશના આઇ.પી.એસ. અધિકારી દૂર્ગા શક્તિને સચ્ચાઇ અને નિષ્ઠાથી ફરજ બજાવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યાં ત્યારે દેશની મોટા ભાગની જનતાએ આક્રોશ અનુભવ્યો હતો. અને હમણાં એ જ દૂર્ગા શક્તિને ફરી સર્વિસમાં નિયુક્ત કરવામાં આવ્યાં છે એ સમાચાર આવ્યાં ત્યારે યુ.પી. સરકારના એ નિર્ણયને ‘સત્યનો અસત્ય પરનો વિજય’ ગણાવી જનતાએ રાજીપો વ્યક્ત કર્યો છે. આમિર ખાનના ‘સત્યમેવ જયતે’ કાર્યક્રમની કદર આંતરરાષ્ટ્રીય ફલક ઉપર થાય છે અને આપણે ખુશીથી છલકાઇએ છીએ. આમ ઊંડે-ઊંડે તો આપણા સૌમાં સત્ય માટેનો આદર અને પ્રેમ ક્યાંક પડેલો છે એ જોઇને ગાંધી આજે પણ ખુશ થતા હશે! ક્દાચ!


આ પણ વાંચો :