ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. મંથન
Written By
Last Modified: સોમવાર, 21 સપ્ટેમ્બર 2015 (17:59 IST)

જિંદગીમાં 'બે'ની બબાલ

જીવનમાં અમુક વસ્તુઓ માટે બેનું હોવું અનિવાર્ય છે, જેમ કે બે જણ વગર ઝઘડો શક્ય નથી. તાળી બે હાથે વાગે છે. તબલા જોડીમાં જ વગાડાય છે. સિક્કાને બે બાજુ હોય છે એટલે ટોસ કરવામાં વાપરી શકાય છે. અહીં બે અનિવાર્ય છે, પણ તકલીફ ત્યારે થાય છે જયારે જીવનમાં આપણી પાસે બે જ વિકલ્પો હોય, ક્યાં આ પાર કે પેલે પાર. પ્રમાણિકતા કે અપ્રમાણિકતા. નોકરી કે ધંધો. પત્ની કે મા-બાપ. રૂપ કે દોલત. ઓફિસમાં ઓવરટાઈમ કરી બોસના હાથે બોર થવું કે ઘેર જઈ પત્નીના હાથે. પુરુષોને વાસણ કરવા કે કપડાં ધોવા એ વિકલ્પ મળે ત્યારે ગૂંચવાઈ જાય છે. અહીં જણાવેલાં બંને વિકલ્પોમાંથી પસંદગી કરવી ઘણી અઘરી છે, પણ આવા તો નાનામોટાં કૈંક અઘરા વિકલ્પો આવે છે જિંદગીમાં.

મહેમાન તરીકે કોઈના ઘેર જાવ તો તમને બે જ વિકલ્પ મળે છે, ચા કે કોફી, પણ આવા બે વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરવો જયારે અઘરો લાગે ત્યારે આપણા દરેક બાબભઇઓ અને બચુભઇઓ તાત્કાલિક શેક્સપિયરના હેમ્લેટનો દાખલો ટાંકતા હોય છે. એ ખોટું પણ નથી, હેમ્લેટ પાસે ઝજ્ઞ બય અને ગજ્ઞિં જ્ઞિં બય એમ બે ચોઇસ હતી જ, અને એ ભેખડે ભરાયેલો જ હતો, પણ એની વાતમાં લોચો શું હતો એ જાણવાની ભોજીયો ભાઇ પણ કોશિશ કરતો નથી એ ખોટું છે.

સરકારે કુટુંબ નિયોજન માટે વર્ષો પહેલા બે (બાળકો) બસ, સૂત્ર આપ્યું હતું. હજુ પણ એ સૂત્ર અમલમાં છે. ચાઈનામાં એક બાળકથી વધારે પેદા કરી શકાતું નથી, પણ બિહારના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કમ કોમેડિયન લાલુપ્રસાદ યાદવને સાત છોકરી અને બે છોકરા એમ અંકે નવ પૂરા બાળકો છે. આ બહુ ફેમસ પ્રસંગ છે. લાલુને પૂછવામાં આવ્યું કે તમે સરકારની કુટુંબ નિયોજનની નીતિનું કેમ પાલન ન કર્યું તો લાલુ એ જણાવ્યું કે અમે ત્યારે વિરોધ પક્ષમાં હતા અને અમારો રોલ ત્યારે સરકારની દરેક નીતિનો વિરોધ કરવાનો હતો.

એવું કહેવાય છે કે અમેરિકામાં લગભગ ૪૧% પ્રથમવારનાં લગ્નો છૂટાછેડામાં પરિણમે છે. ટૂંકમાં આ બધા ક્યારેકને ક્યારેક બીજા લગ્ન કરે છે. બીજી વારનાં લગ્નો પૈકી ૬૦% લગ્નો છૂટાછેડામાં પરિણમે છે. આપણે ત્યાં છૂટાછેડા થાય તો બીજા નંબરની સ્ત્રી કે પુરુષને દોષ દેવાની પ્રણાલી છે, પરંતુ જો પહેલા લગ્ન થયાં જ ન હોત તો છૂટાછેડાનો સવાલ જ ઊભો ન થાય, આમ એકંદરે બીજા લગ્નમાં ઊંચા છૂટાછેડાના દર માટે પહેલું લગ્ન જવાબદાર ઠેરવી શકાય. આપણે અમેરિકા પાસેથી ઘણું શીખીએ છીએ, પણ હજુ લગ્નમાં આપણે ઘણા પાછળ છીએ. આપણા લગ્નો ટકાઉ છે, અને પડ્યું પાનું નિભાવી લેવાની વૃત્તિથી સુખેદુખે લાંબા પણ ચાલે છે. બીજા લગ્ન થાય તો પણ એનો ઉત્સાહ લગ્ન કરનાર જેટલો બીજાં કોઈને ભાગ્યે જ હોય છે.

ગુજરાતીમાં એકથી ભલા બે કહ્યું છે. આ સુમસામ રસ્તે જતા, ખાસ કરીને કૂતરા પાછળ પડતા હોય તેવા રસ્તે આપણને આ સાચું લાગે, પણ આવા સંજોગોમાં કૂતરાને બે વિકલ્પો મળી રહે છે. કૂતરા જેવા કૂતરાને પણ કરડવામાં બે ચોઇસ મળી રહેતી હોય તો એ શ્ર્વાન સમાજ માટે ગૌરવની વાત કહેવાય. બોબી ફિલ્મમાં ભલે ‘શેર કો મેં કહું તુમ્હે છોડ દે, મુઝે ખા જાય’ એવું ગુજરાતણ ડિમ્પલ ભલે ગાતી હોય, પણ કૂતરું સામે મળે એ જુદી વાત છે. આપણામાં તો પુરુષ અને સ્ત્રી સાથે ફરવા જતાં હોય અને સામેથી કૂતરું આવે તો સ્ત્રી સામાન્ય રીતે પુરુષને આગળ કરે કે ધરે છે. કૂતરું ભસે કે જરાક અમથું દોડે એટલામાં સાત જનમ સાથ આપવાનો વાયદો હવાઈ જાય છે. પુરુષ પણ સાત જનમ (કૂતરાથી) રક્ષણ કરવાનો વાયદો કર્યો હોય એમ

બોસ ખીજાયા હોય ત્યારે પણ એકથી ભલા બેના હિસાબે બીજા કોઈને સાથે લઈને એમની કેબિનમાં જવામાં સાર છે, કારણ કે બોસનો ગુસ્સો સરખા હિસ્સે વહેંચાઇ જાય. લગ્ન કરવામાં પણ અમુક અપવાદ સિવાય બે જણની જરૂર પડે જ છે. લશ્કરમાં બડી સિસ્ટમ હોય છે જેમાં સોલ્જરોને બબ્બેની જોડીમાં મોકલવામાં આવે છે. આમાંના એક સોલ્જર તમે હોવ તો દુશ્મનના ફાયરિંગ વચ્ચે તમારા બચવાના ચાન્સ બમણા થઇ જાય છે.

વક્તાઓ જયારે પોતાનું વક્તવ્ય આપે ત્યારે તમે નોંધજો કે એ લોકો કાયમ બે વાત કરતાં હોય છે. એમના સંભાષણમાં પહેલું અને બીજું અથવા એક અને બે આવે જ છે, જેમ કે ‘જીવનમાં બે વાત યાદ રાખજો, બીજાની ભૂલ કાઢવા માટે ભેજું જોઈએ અને પોતાની ભૂલ સ્વીકારવા કલેજું જોઈએ’. કોઈ વક્તા ભૂલેચૂકે ત્રણ વાત નહિ કહે, અને કહે તો પેન કાઢીને નોંધ કરજો, બે વાત કરીને એ ભૂલી જશે કે એમણે ત્રણ વાત કરવાનું વચન હમણાં જ ‘બે’ મિનિટ પહેલા જ આપ્યું હતું!

બે વિકલ્પો હોય ત્યારે જ દ્વિધા થાય છે. ઘણીવાર બે વિકલ્પો મળે તો તમે નસીબદાર કહેવાવ. ખિસ્સામાં દસની નોટ હોય તો એ નોટમાંથી પેટ જ ભરશે, પણ જેની પાસે ૧૦૦ રૂપિયા હોય એ કાયદેસર દ્વિધાગ્રસ્ત થઈ શકે છે. જિંદગીમાં તમે એવા મુકામે જઈ પહોંચો કે જ્યાંથી રસ્તાનાં બે ફાંટા પડતાં હોય, તો આજુબાજુ પાનના ગલ્લા પર પૂછી સાચો રસ્તો કયો છે તે નક્કી કરી આગળ વધવું હિતાવહ છે.

આલ્બર્ટ આઇન્સ્ટાઇન કહી ગયા છે કે જીવનમાં બે વસ્તુ અગાધ છે, બ્રહ્માંડ અને મૂર્ખતા. માર્ક ટ્વેઈને કહ્યું છે કે જીવનમાં બે દિવસો સૌથી મહત્ત્વના છે, પહેલો જયારે તમે જન્મ્યા અને બીજો તમે કેમ જનમ્યા એ હેતુ ખબર પડે તે દિવસ. અને તમે લેખના અંત સુધી આવ્યા એટલે બે વાત નક્કી થઈ, એક કે આ લેખ ઓછામાં ઓછા બે જણાએ તો વાંચ્યો જ છે, એક અમે અને બીજા તમે! અને બીજી વાત? ફરી ક્યારેક!