શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By વેબ દુનિયા|

વરસાદી મોસમમાં શું ગમે ?

કોઇને લોન્ગ ડ્રાઇવ પર જવું છે તો કોઇને મનપસંદ વાનગીઓ ખાવી છે

P.R
આ વખતે કોલેજ શરૂ થતા પહેલા વરસાદ આવી જતા કેટલાક કોલેજીયનો ઉદાસ થઇ ગયા છે. અને કેમ ન થાય વરસાદ આવે તો તરત જ કલાસ બંક કરી ફરવા નીકળી જવાની અનેરી મજા તો હાલમાં કયાં આવે? પરંતુ તેમ છતાંય કોલેજીયનો અને તેમાંય ખાસ પોસ્ટ ગ્રેજ્યુએટ વિઘાર્થીઓ તો વરસાદની મજા માણવાની શરૂઆત કરી દીધી છે. વરસાદ પડે તો બીજું કરવાનું શું હોય? ફરવાનું, લોંગ ડ્રાઇવ પર જવાનું, દોસ્તો સાથે અવનવી વાનગીઓની મજા માણવાની અને હા, કોલેજીયન પ્રેમી પંખીડાઓ માટે આ સમયની જુદાઇ સહન ન થાય તેવી હોય છે. માટે ઘણાં પ્રેમીપંખીડાઓ આજકાલ અનેક બહાનાઓ બનાવીને ઘરથી નીકળી કોલેજ આસપાસ અચુક જોવા મળી રહ્યાં છે. પોસ્ટ ગ્રેજુએશનના વિઘાર્થીઓના તો લેકચર શરૂ થઇ ગયા છે, કોઇનું માનવું છે કે કોલેજની શરૂઆતમાં વધુ લેકચર મિસ ન કરી શકાય, તો કોઇનું માનવું છે કે ઝરમર વરસાદ પડતો હોય ત્યારે તો બહાર ફરવું ગમે પણ ધોધમાર વરસાદ પડે ત્યારે તો લેકચરમાં જ બેસવું પડે છે.

જો કે કોલેજીયનો ધોધમાર વરસાદની જગ્યાએ સામાન્ય વરસાદમાં વધુ મજા કરતા હોય છે. છેલ્લા બે દિવસના વરસાદમાં અનેક યંગસ્ટર્સએ ભીંજાવવાની મજા તો માણી જ હતી પરંતુ તેની સાથે સાથે મિત્રો સાથે ફરવાનું અને ખાવાનું પણ ભુલ્યા નથી. આ વિષે એમ.બી.એનો એક વિઘાર્થી પ્રઘુમન કાપડીયા કહે છે કે,''વરસાદનો પહેલો રાઉન્ડ શરૂ થતાની સાથે જ અમે સૌએ મળવાનું પ્લાન બનાવી લીધું હતું. અમે બધા કોલેજ પાસેની અમારી બેઠક પર મળ્યા પછી એક લોન્ગ ડ્રાઇવ પર નીકળી ગયા હતા.'' જો કે ૮૦ ટકાથી વધુ યુવાનો તો વરસાદ પડતાની સાથે જ એક લોન્ગ ડ્રાઇવ પર જવાનું વધારે પસંદ કરે છે. આ વિષે એક બીજો વિઘાર્થી હિતેશ બારોટ કહે છે કે,''વરસાદ પડતાની સાથે જ અમે બધા બાઇક લઇ હાઇ-વે તરફ નીકળી પડયા હતા. અમે લગભગ દરેક વરસાદમાં આવી રીતે જ એક લોન્ગ ડ્રાઇવ પર જઇએ છીએ. આવા વરસાદમાં ઘરમાં બેસી રહેવાનું અમારા ગ્રુપમાં કોઇને ગમતું નથી.''

આટલું જ નહીં! ઘણાં યંગસ્ટર્સ તો વરસાદની ભીની મોસમમાં હાઇ-વેની કોઇ રેસ્ટોરન્ટ કે પછી હોટલમાં દાળવડા કે ભજીયાની જગ્યાએ ચાઇનીઝ આઇટમ આરોગતા નજરે પડી જાય છે. આ વિષે એસ.વાય.બી.એની એક સ્ટુડન્ટ ચેતના રાઠોડ કહે છે કે,''મારા ગ્રુપમાં બધાને ખાવાનું બહું શોખ છે. અમે દર વર્ષે આવી રીતે જ વરસાદ પડવાનો ઉત્સવ બનાવીએ છીએ. વરસાદ પડતાની સાથે જ અમે હાઇ-વે પરની અમારી મનપસંદ રેસ્ટોરન્ટમાં આવી ચાઇનીઝ વેરાઇટીઝ અચુક ખઇએ છીએ.'' પરંતુ ઘણા એવા પણ યુવાનો છે જેઓ વરસાદ પડતા જ ગરમા ગરમ દાળવડા અને ભજીયાનો સ્વાદ લેવાનુ નથી ચુકતા. આ વિષે એક યુવાન રોહન કહે છે કે,''મને ખબર નથી કેમ પરંતુ વરસાદ પડે એટલે આવી બધી વાનગીઓ ખાવની બહું ઇચ્છા થાય, માટે અમે આ પ્રકારની આઇટમ ખાવનું નથી ચુકતા.'' અરે બોસ! વરસાદની ભીની મોસમ હોય તો પલળવાની સાથે સાથે આટલું તો કરવું જ પડે ને.

સેકન્ડયર બી.કોમની વિઘાર્થીની નોમીતા પટેલને વરસાદના મોસમમાં પલળવું તો ગમે છે પણ ભારે વરસાદ તેને નથી ગમતો. તે કહે છે કે,''વરસાદ મને ગમે છે, પણ હળવો હોય ત્યાં સુધી જ. જો આવો વરસાદ પડતો હોય તો હું લેકચર ભરવાની જગ્યાએ મારી ફ્રેન્ડઝ સાથે બહાર ફરવાનું વધારે પસંદ કરૂં છું. પરંતુ વધુ વરસાદ હોય, ત્યારે મને બહાર નીકળવાનું બીલકુલ ગમતું નથી. એ સમયે તો હું લેકચરમાં જ બેસતી હોઉં છું.'' કેટલાક પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ તો એવા પણ હોય છે, જેમને વરસાદના મોસમ કરતા અગત્યના લેકચર્સ વધારે પ્રિય હોય છે. સેકન્ડયરની વિઘાર્થીની નેહા શાહ કહે છે કે,''અગત્યના લેકચર્સ તો કોઇ પણ ભોગે મિસ ન કરી શકાય. જોકે બહાર વરસાદ પડતો હોય, ત્યારે મોટેભાગે ધ્યાન એમાં જ લાગેલુ હોય છે.''