શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. નાતાલ (મેરી ક્રિસમસ)
Written By

...વાત માની લો, સાંતાક્લોઝ કદાચ ગુજરાતી જ હતો...

જાણો એક ગુજરાતીની ઓળખ વિશે

જે આપણા માટે દર વર્ષે ગિફ્ટ લઈ આવે છે! બાળકમાંથી મોટા થઈ ગયા પણ પેલા અદૃશ્ય નગરમાંથી આવતા અદૃશ્ય ફરિશ્તાની વાટ આપણે હજુય ચોરીછૂપી જોઈએ છીએ. કોઈક આવે અને કશુંક આપી જાય. આપણું મન વાંચી જાય. આપણી ઝોળી છલકાવી જાય. આમ તો આ રોલીપોલી કલરફુલ કેરેકટર પશ્ર્ચિમના દેશની ગિફ્ટ છે પણ ક્રિશ્ર્ચિયાનિટીનાં પુરાણોમાં પણ ક્યાંય સાંતાક્લોઝનો ઉલ્લેખ નથી. છેલ્લાં ૭૦-૮૦ વર્ષમાં આ પાત્ર પોપ્યુલર બન્યું છે. જેમ આપણાં શાસ્ત્રોમાં સંતોષી માતા જેવી અનેક માતાઓનો ઉલ્લેખ નથી પણ લોકોને અમાપ શ્રદ્ધા છે એવું જ સાંતાક્લોઝનું છે. પણ કોણ જાણે અમને અંદર અંદર એવી શ્રદ્ધા છે કે સાંતાક્લોઝ કદાચ ગુજરાતી પાત્ર જ છે. (જોકે સાંતાક્લોઝને ગુજરાતી માનવા માટે અમારી પાસે એટલાં જ કારણો છે, એટલાં જ તર્ક છે જેટલાં નરેન્દ્ર મોદી પાસે તક્ષશિલાને બિહારમાં હોવા માટે દેખાય છે!) તમે પૂછશો ક્રિસમસમાં આવતો સાંતાક્લોઝ ગુજરાતી કઈ રીતે હોઈ શકે? અમે સમજાવીશું-

સૌથી પહેલાં તો સાંતાક્લોઝની ડ્રેસિંગ સેન્સ. લાલ ચટ્ટક ટોપ ઉપર સફેદ પટ્ટાઓવાળી ડિઝાઈન. એક આમ ગુજરાતી આવાં રંગબેરંગી કપડાંને જ પોતાની સ્ટાઈલ ગણે છે. સાંતાક્લોઝ કદાચ રોજ નોર્મલ સાદાં કપડાં પહેરતો હશે પણ ક્રિસમસમાં આવાં લાલ લૂગડાં પહેરીને નીકળતો હશે. ગુજરાતી પુરુષો પણ પાર્ટીમાં, દિવાળીમાં, લગ્નોમાં આવા જ લીલાં-પીળાં લાલ વાઘા પહેરે છે. સહેજ પૈસો આવે તો કપડાં પર ફૂલડાં ફૂલડાંની પ્રિંટ, ડાયમન્ડવાળાં બટન, સિલ્કના શર્ટ પર ચટ્ટાપટ્ટાની પ્રિંટ! આખું બૅંક બેલેંસ જાણે ચમકતાં કપડાંઓમાં રિફ્લેક્ટ થતું હોય છે. આપણે અંદરખાને એ વાત કબૂલવી જોઈએ કે આપણી સમૃદ્ધિ છે, સ્ટાઈલ નથી. અમીરી છે, એસ્થેટિક સેંસ નથી જ નથી. ડિટ્ટો, ગુજરાતી બૈરાંઓનું છે. એમણે લગ્નમાં પહેરેલી સાડીઓ-દાગીના જોઈને આંખો આંધળી થઈ જાય છે, પણ આંખોને ઠંડક ભાગ્યે જ મળે છે! માટે ડ્રેસિંગ સેંસ પરથી સાંતાક્લોઝ કાઠિયાવાડી, ડાયમંડ બજારનો વેપારી લાગે છે અથવા તો નાના શહેરમાં નવું નવું ફેશનેબલ થતાં શીખેલો કોઈ હરખપદૂડો યુવાન!

સાંતાક્લોઝ ગુજ્જુભાઈ હશે એનો બીજો પુરાવો છે એની ફાંદ! આમ ગુજરાતી પુરુષોની જો ફાંદ ન હોય અને આમ ગુજરાતી સ્ત્રીની બેઠી દડીનું ફિગર ન હોય તો ચોક્કસ એમના ડી.એન.એ. ચેક કરાવવાનું મન થાય. પરણીને બરણી થઈ જતી સ્ત્રીઓ અને પૈસો કમાઈને પેટથી ફુલાતા પુરુષો આપણી ખાસિયત છે. આપણે ખાધેપીધે સુખી રહ્યા એટલે એ સુખની ઝલક પેટ પર છલક છલક થતી હોય છે. માટે મોટી ફાંદવાળો સાંતાક્લોઝ લગભગ ગુજ્જુ જ હશે!

વળી સાંતાક્લોઝ વૃદ્ધ પુરુષ છે. આખી જિંદગી નફો તોટો પૈસા આના રૂપિયા પાઈ ગણી ગણીને એક સરેરાશ ગુજરાતી અકાળે વૃદ્ધ થઈ જતો હોય છે. કૉલેજથી નીકળીને તરત નોકરીધંધે લાગી જઈને થોડાંક જ વર્ષમાં વૃદ્ધ દેખાવા માંડે છે. શારીરિક રીતે નહીં તો માનસિક રીતે તો ખરો જ. ટેક્સ બચાવવામાં, ધાર્યું ઈન્વેસ્ટમેન્ટ કરવામાં, પ્રોપર્ટી બનાવવામાં ૨૪  ૭ લાગી જાય છે. બીજા પ્રદેશના યુવાનો કળામાં, વિજ્ઞાનમાં, સાહસમાં જેટલા પ્રમાણમાં જાય છે એટલા પ્રમાણમાં આપણા શાણા યુવાનો કદી રિસ્ક નથી લેતા. ડાહ્યાડમરા થઈને નોકરીધંધે કે શેરબજાર-વ્યાજવટાવમાં લાગી જાય છે અને વૃદ્ધોને શરમાવે એવી ઠાવકાઈ એમનામાં આવી જાય છે. માટે સાંતાક્લોઝનું વૃદ્ધ હોવું પણ ગુજરાતી હોવાની નિશાની છે-કદાચ! વળી સાંતાક્લોઝ ગુજરાતી પુરુષ હોવા માટે એક સ્વીટ કારણ પણ છે - સાંતાક્લોઝ ચોરીછૂપી બાળકોને મધરાતે ગિફ્ટ આપી જાય છે. આપણા ગુજરાતી ગૃહસ્થ પુરુષો આખી જિંદગી બાળકો માટે જે ઢસરડા કરે છે, નોકરીમાં-ધંધામાં કે પછી બચત કરવામાં. બાળકોને બેસ્ટ લાઈફ આપવા માટે જીવન ઘસી નાખે છે. જુવાની નિચોવી નાખે છે. સંતાનોને પ્રોપર્ટી આપવા માટે, શિક્ષણ આપવા માટે કે પછી ધામધૂમથી એમનાં લગ્નો કરવા માટે એક સાંતાક્લોઝની અદામાં સતત આપ્યા જ કરે છે! એટલે જ સાંતાક્લોઝ ગુજરાતી હોઈ શકેને?

વળી સાંતાક્લોઝ ચોરીછૂપીથી આવે છે ને જાય છે. એ પણ મધરાતે. ગુજરાતીઓ સૌથી વધુ ટેક્સ ભરે છે અને થોડી ટેક્સની ચોરી પણ કરી લે છે. એક ગુજરાતી વેપારીને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ટેક્સ રિફંડમાં ધાર્યા કરતાં વધારે પૈસા મોકલ્યા. ગુજરાતીભાઈને એમ હતું કે લાખ રૂપિયા પાછા આવશે પણ ટેક્સ રિફંડમાં બે લાખ આવ્યા! ત્યારે એણે ઈન્કમટેક્સ ડિપ.ને પત્ર લખ્યો: હું આજે સાઠ વર્ષનો થયો પણ તમે જે અચાનક મને આ ગિફ્ટ મોકલી છે એના પરથી લાગે છે કે સાંતાક્લોઝ જેવું કંઈક છે. બાળપણથી સાંતાક્લોઝ વિશે શંકા હતી, પણ હવે નથી રહી! થેન્ક યુ! દર વર્ષે આવી ગિફ્ટ મોકલજો, હોં! -પણ ધારો કે સાંતાક્લોઝ ગુજરાતી હોય તો પાવાગઢ કે ગિરનાર જેવી જગ્યાએથી એને અવતરતો જોવા મળત. "બાપુ ફલાણા ગઢથી ઊતર્યા આવો સાંતાક્લોઝ રે... જેવાં ગીતો બન્યાં હોત! સાંતાક્લોઝ કાઠિયાવાડી ફરિયો હોત તો મૂછો ફરફરાવતો, ઘોડા પર સવાર થઈને બહારવટિયાની જેમ આવતો હોત અને એની જીવની પર "વીર ક્રિસમસવાળો એવી ગુજરાતી રંગીન ફિલ્મ પણ બની હોત! એ ગુજરાતી સાંતાક્લોઝે, ગુજરાતી ભક્તોને ત્યાં સારી કંપનીનાં શેર સર્ટિફિકેટો મૂક્યાં હોત. ગુજરાતી ગૃહિણીઓને માટે બારે માસ ભરવાલાયક અથાણાં કે મસાલા કે ઘઉં-ચોખા ભરી દીધાં હોત. ગુજરાતી સાંતાક્લોઝે, સદાયે અભાવગ્રસ્ત એવા કવિઓની ઝોળીમાં તગડો પુરસ્કાર મૂક્યો હોત. ગુજરાતી પરણું પરણું થતી ક્ધયાઓ માટે અમેરિકા રિટર્ન્ડ યુવાનોનાં સરનામાં મૂક્યાં હોત અથવા તો ગુજરાતી યુવાનોને ગોરી ઊંચી પાતળી ઘરરખ્ખુ રસોઈની જાણકાર સંસ્કારી ક્ધયાઓના બાયોડેટા આપ્યા હોત... ગુજરાતીઓએ આ દેશને ગાંધીથી માંડીને પટેલ, મહેબૂબ ખાન જેવા ફિલ્મકારથી માંડીને ભૂપેન ખખ્ખર જેવા કલાકાર, જામ રણજી જેવા ક્રિકેટરથી લઈને સામ માણેકશા જેવા યોદ્ધાઓ આપ્યા છે. દેશને ખૂબ પૈસો કમાવી આપ્યો છે, ઈકોનોમી ચલાવી છે અને ચૂપચાપ પ્રદાન કર્યા કર્યું છે. આવી ચૂપચાપ ગિફ્ટ આપનારો ફરિશ્તો તો ગુજરાતી જ હોયને? તો અમારી વાત માની લો, સાંતાક્લોઝ કદાચ ગુજરાતી જ હતો - એને આ વર્ષે ગુજરાતીમાં ચિઠ્ઠી લખશો તો કમાલની ગિફ્ટ આપશે. જય સાંતાક્લોઝ