શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ટારગેટ મુંબઇ
Written By હરેશ સુથાર|

આતંકીઓની ભારતને જોરદાર લપડાક

અમેરિકાએ આ હુમલામાં મદદ માટે પોતાની સ્પેશિયલ ટીમ એફ.બી.આઇની એક ટુકડી રવાના કરી છે. આ ઘટના ઘણું બધુ કહી જાય છે...શુ આતંકવાદને નાથવામાં વિશ્વની નજરોમાં આપણે વામણા પુરવાર થઇ રહ્યા છીએ....      

આતંકવાદીઓ પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે આસાનીથી દેશમાં ઘુસી આવે છે ત્યાં સુધી સેના કે સુરક્ષા એજન્સીઓને કોઇ ભણક પડતી નથી. આતંકીઓ પોતાના મિશનમાં સફળ થાય છે અને નિર્દોષ લોકોના લોહીથી હોળી ખેલે છે ત્યારે જ સૌના કાન સરવા થાય છે અને બધા પહોંચે છે રણમેદાનમાં. પરંતુ વાત અહી અટકતી નથી. છુટક બોમ્બ બ્લાસ્ટ કરી ડરાવવાનો પ્રયાસ કરતા આતંકીઓ હવે ખુલ્લેઆમ મોતનો સામાન લઇ શહેરમાં ભમી રહ્યા છે.

હોટલ તાજની વાત કરીએ તો અહીં સહેલાણીઓને બાનમાં લઇ ગોળીબારી કરી રહેલા આતંકીઓ છેલ્લા 40 કલાકથી પોલીસ, સેના સહિતને હંફાવી રહ્યા છે. હજુ આતંકીઓ કાબુમાં આવતા નથી. હોટલમાં બંધક બનાવેલા વિદેશી સહિત કેટલાય સહેલાણીઓને આ નરાધમોએ મોતને ઘાટ ઉતારી દીધા છે. હજુ કેટલાય બંધકો આતંકીઓના સકંજામાં છે. દેશની આર્થિક પાટનગરીમાં કારગિલના દ્રશ્યો સર્જાયા છે. ગંજીફાના તમામ પાના આતંકીઓના હાથમાં છે. માનવતાના આ દુશ્મનો કેવો ગંજીફો ચીપે છે એની સૌ રાહ જોતા બહાર ઉભા છે. આ આપણી લાચારી નહી તો બીજુ શુ છે? આતંકવાદને નાથવાની પોકળ વાતો કરનારાઓને આતંકીઓએ એમને પોતાની જગ્યા બતાવી દીધી છે.

આતંકીઓએ દેશને એવી લપડાક મારી છે કે વિદેશમાં પણ આપણે લાચાર સાબિત થયા છીએ. હોટલ તાજ, હોટલ ઓબેરોય તથા નરિમાન હાઉસમાં છુપાયેવા આતંકીઓને ઠારવા માટે સેનાનું બ્લેક ટોરનોડે ઓપરેશન ચાલુ છે ત્યારે અમેરિકાએ આ હુમલામાં મદદ માટે પોતાની સ્પેશિયલ ટીમ એફ.બી.આઇની એક ટુકડી રવાના કરી છે. આ ઘટના ઘણું બધુ કહી જાય છે...શુ આતંકવાદને નાથવામાં વિશ્વની નજરોમાં આપણે વામણા પુરવાર થઇ રહ્યા છીએ....