શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ટારગેટ મુંબઇ
Written By હરેશ સુથાર|

આતંકે ઓળંગી સરહદો...

આતંકવાદની હિંમત ખુલી રહી છે.....

P.R

દેશની સરહદ ઉપર જોવા મળતા દ્રશ્યો આજે દેશના આર્થિક પાટનગરમાં જોવા મળી રહ્યા છે. ગણ્યા ગાંઠ્યા દહેશતગરોએ દિલ્હી બાદ બુધવારે રાતે મુંબઇમાં ધમાકાઓ કરી જાણે કે આ માયાનગરીની સાથોસાથ સમગ્ર દેશને બાનમાં લીધો છે.

રાત દિવસ જોયા વગર ચોવીસે કલાક સતત દોડતું રહેતું આ મહાનગર આતંકીઓની ચુંગાલમાં આવી બેભાન પડ્યું છે. દેશની અંદર જાણે કે સીમાવર્તી યુધ્ધ ખેલાઇ રહ્યું છે. તાજ, ઓબેરોય નામની ફાઇવ સ્ટાર હોટલને ઘેરી પોલીસ તથા સુરક્ષાબળના જવાનોએ પોતાનું ટારગેટ બનાવ્યું છે. શુ બતાવી રહ્યા છે આ દ્રશ્યો?

એક સમયે દેશની સીમાએ ખેલાતા આવા દ્રશ્યો આજે દેશના નાના મોટા શહેરોમાં છાશવારે જોવા મળે છે. કોણ છે આના માટે જવાબદાર ? સરકાર કે સેના ? પોલીસ કે પ્રજા ? પોલિટીશિયનો કે પાકિસ્તાન ?

દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં 18 જેટલા બોમ્બ વિસ્ફોટના બનાવો બન્યા છે. જેમાં હજારો લોકો અસરગ્રસ્ત થયા છે. માત્ર વોટ સાચવવામાં પડેલા પ્રજાના નેતાઓ આતંકવાદ નાથવામાં સ્વાર્થી સાબિત થઇ રહ્યા છે તો પોલીસ સહિતની સુરક્ષા ટીમો વામણી પુરવાર થઇ રહી છે.

P.R
દેશની અંદર આવતી આતંકી ટોળકી કરતાં સીમા બહારની દુશ્મન કુમક ઉપર જીત મેળવવી આસાન છે. સામી છાતીના યુધ્ધમાં આપણી સેના તથા ભારતીય પ્રજાને કોઇ પડકારી શકે તેમ નથી માટે જ દેશના દુશ્મનો સંતાકુકડી રમી દેશને બાનમાં લઇ રહ્યા છે. હજું પણ સમય છે દેશને આવા તત્વોની ચુંગાલમાં જતો બચાવવાનો.

સરહદ ઓળંગી આવી રહેલા આતંકવાદીઓની હિંમત વધુને વધુ ખુલી રહી છે. ક્યાંક એવું ના થાય કે આપણી સરહદો મજબૂત હોય અને દુશ્મન અંદરથી હલ્લો બોલી દે. અખંડ ભારતના નિર્માણ માટે ગમે તે ભોગે આંતકને સરહદ ઓળંગતા રોકવો જ પડશે...સાથોસાથ દેશની અંદર દેશના જ કોઇ ઘરમાં, કોઇ દેશવાસીના દિલમાં પાંગરી રહેલા આંતકને પણ ડામવો જ પડશે....ડામવો જ પડશે.....નહિતર આજે મુંબઇ...કાલે ઇન્દોર....આવતી કાલે દિલ્હી....

આતંકે ઓળંગી સરહદો,
નથી કોઇ સૈનિક કે નથી કોઇ સીમા,

પ્રજાની વચ્ચે, પ્રજાને બાનમાં લઇ,
ખેલાઇ રહ્યો છે આતંકવાદ,

સેના પણ બની રહી છે લાચાર,
દુશ્મન છુપાયો છે પ્રજા પછવાડે,

પ્રાંતવાદને ભુલી દેશને બચાવીએ....
આતંકે ઓળંગી સરહદો....