શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 4 એપ્રિલ 2021 (21:01 IST)

વેક્સીન લીધાના 12 કલાક બાદ શ્વાસ લેવામાં તકલીફ થઇ અને પછી થયું મોત

રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસે ને દિવસે વધતું જાય છે. લોકોને ઘરની બહાર ન નિકળવા અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સ જેવા તમામ નિયમોનું પાલન કરવાની પણ સૂચના આપવામાં આવી રહી છે. જે લોકો નિયમોનું પાલન કરી રહ્યા નથી તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કોરોનાનો જલદી જ ખાતમો થાય તે માટે રસીકરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. લોકોને વધુમાં વધુ રસીકરણ કરાવવાની સલાહ આપવામાં આવી રહી છે.  
 
જોકે રસી લગાવ્યા બાદ ઘણા લોકોની તબિયત ખરાબ થવાના પણ સમાચાર સામે આવ્યા છે. કંઇક એવો જ કિસ્સો કોરોનાની રસી લગાવ્યાના 12 કલાકની અંદર જ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. મૃત વ્યક્તિના પરિવારે જણાવ્યું કે રસી લગાવ્યા બાદ જ્યારે બધા રાત્રે સુઇ રહ્યા હતા, ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ થોડીવારમાં વ્યક્તિનું મોત થયું હતું. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ઠક્કરબાપા વિસ્તારમાં મનસુખ ગેડિયા તેમના સંતાનો સાથે રહે છે. રાજ્યમાં કોરોનાના વધતા જતા પ્રભાવને જોતાં તેમણે પરિવાર સહિત રસી લગાવવાનો નિર્ણય લીધો. ત્યારબાદ મનસુખભાઇ પોતાની પત્ની સાથે રસી લેવા માટે વિરાટનગર અર્બન સેંટર પહોંચ્યા. 
 
મૃતકના પુત્રએ જણાવ્યું હતું કે રસી લગાવતાં પહેલાં ફાઇલ સાથે લઇ ગયા હતા. વેક્સીન આપતા તબીબોએ પિતાની ફાઇલ જોઇ પણ ન હતી. પિતાના રોગ વિશે જાણ્યા વગર વેક્સીન આપી દીધી હતી. અને રસી લીધા બાદ તે પોતાના કામ પર પણ ગયા હતા. 
 
રાત્રે કામ પરથી પરત ફર્યા બાદ મનસુખભાઇ અને તેમની પત્નીને તાવ આવવા લાગ્યો હતો. જોકે મનસુખભાઇની તબિયત વધુ ખરાબ થઇ રહી હતી. મોડી રાત્રે મનસુખભાઇને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી, ત્યારબાદ બે મિનિટ બાદ જ તેમનું મોત નિપજ્યું હતું.