સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 26 સપ્ટેમ્બર 2021 (18:17 IST)

અમૂલના મેનેજીંગ ડિરેક્ટર ડો. આર.એસ સોઢીને 'બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ' કરાયો એનાયત

ભારતની સૌથી મોટી ફૂડ માર્કેટીંગ સંસ્થા, ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ કે જે લોકપ્રિય બ્રાન્ડ “અમૂલ” ના નેજા હેઠળ દૂધ અને દૂધના ઉત્પાદનોનું વેચાણ કરે છે તે ભારતની સૌથી મોટી એફએમસીજી કંપનીઓમાં સમાવેશનું ગૌરવ ધરાવે છે. હાલમાં તે રૂ. ૫૩,૦૦૦ કરોડના ઉત્પાદનોનું વાર્ષિક વેચાણ કરે છે અને તે ગુજરાતના ૩૬ લાખ ખેડૂતોની માલિકીની સૌથી મોટી સહકારી સંસ્થા છે.
 
અમૂલ એ માત્ર ઉત્તમ સહકારી મોડેલનો પર્યાય છે એટલું જ નહીં, પણ તે સહકારી માળખામાં ખેડૂતોનો વિશ્વાસનું પ્રતિક છે. સાથે સાથે, માર્કેટીંગ અને વિજ્ઞાપનની એવી વ્યૂહરચના અપનાવે છે કે જેનાથી તે ડેરી પ્રોડક્ટસની અત્યંત પસંદગીની બ્રાન્ડ બની રહી છે. અમૂલના નામે વધુ એક સિધ્ધિ નોંધાઈ છે કે તેને  ઈન્ટરનેશનલ એડવર્ટાઈઝીંગ એસોસિએશને (IAA) દ્વારા તારીખ ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ મુંબઈમાં યોજાયેલ એક સમારંભમાં સંસ્થાના વડા અને જીસીએમએમએફ (અમૂલ) ના મેનેજીંગ ડિરેક્ટર- ડો. આર એસ સોઢીને ' બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ' એનાયત કર્યો. આ ઉપરાંત, જયેન મહેતા, સિનિયર જનરલ મેનેજર (પ્લાનીંગ અને માર્કેટીંગ), જીસીએમએમએફ (અમૂલ) ને 'માર્કેટીયર ઓફ ધ યર-એફએમસીજી-ફૂડ' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
 
એવોર્ડ એનાયત થયા પછી ડૉ. સોઢીએ ખેડૂતોની સંસ્થાના પ્રયાસોને ધ્યાનમાં લઈ તેની કદર કરવા બદલ ઈન્ટરનેશનલ એડવર્ટાઈઝીંગ એસોસિએશનનો આભાર માન્યો હતો.
 
એવાર્ડ સ્વીકારતાં સોઢી એ અમૂલની પ્રોડકટસના કેમ્પેઈન અંગે સમજ આપતાં જણાવ્યું હતું કે - આ કેમ્પેઈન 4 “P” ઉપર આધારિત છે. પ્રથમ “P” એટલે એવી પ્રોડકટ છે કે જેને કારણે ગ્રાહકો ચોકકસ પણે કહે કે તે તેમની અપેક્ષા કરતાં બહેતર છે. એ અમારા બટરની જેમ શુધ્ધ અને ફેરફાર થઈ શકે નહી તેવુ હોવું જોઈએ. બીજો “P” એટલે “પ્રાઇસ” એટલે કે “કીંમત” જે પોસાય તેવી હોવી જોઈએ અને ખેડૂતોને પણ ઉત્તમ ભાવ મળવા જોઈએ. ત્રીજો “P” એટલે “પ્રમોશન” એટલે કે “પ્રચાર” માટે અમે એક કોમન બ્રાન્ડીંગનો ઉપયોગ કરીએ છીએ કારણ કે તેનાથી ખર્ચ ઘટે છે અને પ્રમોશન સાતત્ય એ અમૂલની વિજ્ઞાપન અને માર્કેટીંગ વ્યુહરચનાનો એક મુખ્ય સ્થંભ છે. ચોથા “P” એટલે “પ્લેસમેન્ટ”.
 
અમૂલ એ પ્રથમ બ્રાન્ડ છે કે જેણે બ્રાન્ડીંગ અને માર્કેટીંગનું મહત્વ સમજીને વર્ષ ૧૯૫૦થી ઉત્તમ વિજ્ઞાપન ઝૂંબેશ હાથ ધરીને અમૂલ બટર ગર્લ અને તેના આદર્શ પોઝીશનીંગથી ''અટર્લી બટર્લી ડેલિશ્યસ અમૂલ'' ઝૂંબેશની શરૂઆત કરી હતી. ''અમૂલ ધ ટેસ્ટ ઓફ ઈન્ડિયા, “અમૂલ દૂધ પીતા હૈ ઈન્ડિયા'' અને તેના આઈકોનિક ''અટર્લી બટર્લી ડેલિશ્યસ'' પ્રચાર ઝૂંબેશથી ૭૫ વર્ષ જૂની બ્રાન્ડને બનાવીને દરેક ભારતીય પરિવારના તમામ સભ્યોમાં જાણીતી બનાવી છે. આટલા વર્ષો પછી પણ અમૂલ દ્વારા સંવાદમાં સતત સાતત્ય દેખાઈ રહ્યું છે. હજુ આજે પણ અમૂલ તેના કુલ બજેટના એક ટકા કરતાં ઓછી રકમનો વિજ્ઞાપન માટે ખર્ચ કરે છે, તો પણ તે એક પછી એક વર્ષે ભારતની અત્યંત લોકપ્રિય બ્રાન્ડ બની રહી છે.
 
આઈએએ (ઈન્ટરનેશનલ એડવર્ટાઈઝીંગ એસોસિએશન ઓફ ઈન્ડિયા) લીડરશીપ એવોર્ડ, માર્કેટીંગ, એડવર્ટાઈઝીંગ અને મિડીયા ક્ષેત્રના વ્યક્તિઓનું સન્માન કરે છે. આ એવોર્ડ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંઘ કોશિયારીના મુખ્ય મહેમાનપદે યોજાયેલ સમારંભમાં એનાયત કરવામાં આવ્યો હતો.
 
આઈએએના પ્રેસિડેન્ટ મેઘા ટાટાએ જણાવ્યું કે ''બિઝનેસ જગતના ઉત્તમ લોકોએ આજે અહીં સ્વયં હાજર રહીને એવોર્ડ સ્વિકાર્યા છે તે ઘણી સારી  બાબત છે. હું આજે મહેમાનોનું અનેક પ્રકારે વર્ણન કરી શકું છું, પરંતુ હું કહેવા માંગીશ કે હાલના અભૂતપૂર્વ સમયમાં વિશિષ્ઠ નેતૃત્વ આવશ્યક બની રહે છે. આપણાં આગેવાનોએ આજે ચોક્કસપણે નેતૃત્વ પૂરૂ પાડ્યું છે.''