સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 27 જૂન 2022 (23:26 IST)

પત્રકાર મોહમ્મદ ઝુબૈરની ધરપકડ, ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આરોપ

Journalist Mohammad Zubair
પત્રકાર મોહમ્મદ ઝુબૈર ભાજપના પૂર્વ નેતા નૂપુર શર્મા અને સાધુઓને 'નફરત ફેલાવનારા' કહ્યા બાદ ચર્ચામાં આવ્યા હતા.
 
મોહમ્મદ ઝુબૈર પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અને નફરત ફેલાવવાનો આરોપ છે.
 
ન્યૂઝ એજન્સી એએનઆઈએ ટ્વીટ કર્યું છે, "ઑલ્ટ ન્યૂઝ (Alt News)ના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરની દિલ્હી પોલીસે કલમ 153/295 IPC હેઠળ ધરપકડ કરી છે."

 
ઑલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક પ્રતીક સિન્હાએ ટ્વીટ કર્યું છે કે "ઝુબૈરને આજે સ્પેશિયલ સેલ દિલ્હી દ્વારા 2020ના કેસમાં બોલાવવામાં આવ્યા હતા. જે કેસ સંદર્ભે તેમણે હાઈકોર્ટમાંથી ધરપકડ ટાળવા માટે આગોતરું રક્ષણ મેળવ્યું હતું. જોકે આજે સાંજે 6:45 કલાકે અમને કહેવામાં આવ્યું છે કે તેમની કોઈ અન્ય એફઆઈઆર સંદર્ભે ધરપકડ કરવામાં આવી છે, જે કેસની નોટિસ આપવામાં આવી નથી. જે કાયદા મુજબ તેમની કઈ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે તેની સાથે આપવી ફરજિયાત છે. અમારી વારંવારની વિનંતી છતાં એફઆઈઆરની નકલ આપવામાં આવી નથી. "
 

 
દિલ્હી પોલીસ ડીસીપી કેપીએસ મલ્હોત્રા અનુસાર, આજે પીએસ-સ્પેશિયલ સેલમાં આઈપીસી 153A/295A હેઠળ નોંધાયેલી ફરિયાદની તપાસ દરમિયાન કથિત આરોપી મોહમ્મદ ઝુબૈરની તપાસ દરમિયાન રેકોર્ડ પર પૂરતા પુરાવાઓ હોવાના કારણે આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. કેસની તપાસના હેતુસર વધુ પોલીસ રિમાન્ડ મેળવવા માટે તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે.
 
રવિવારે મોહમ્મદ ઝુબૈરે એક ટ્વીટ કર્યું હતું જેમાં લખ્યું હતું, "ટ્વિટર પરથી એક ઇમેલ મળ્યો જેમાં લખ્યું હતું કે,
 
ભારતીય કાયદાઓ હેઠળ ટ્વિટરની જવાબદારીઓના અનુપાલન સબબ, તેમણે આઈટી ઍક્ટ હેઠળ ભારતમાં આ ટ્વીટ અટકાવી દીધી છે.
 
હેટ સ્પિચ આપતા વ્યક્તિ સામે કોઈ કાર્યવાહી થતી નથી પરંતુ સરકાર નથી ઇચ્છતી કે લોકો આ વીડિયો ભારતમાં જુએ.
 
કોણ છે મોહમ્મદ ઝુબૈર?
મોહમ્મદ ઝુબૈર ઑલ્ટ ન્યૂઝના સહસંસ્થાપક છે. ઝુબૈર આની પહેલાં ટેલીકૉમ ઇન્ટસ્ટ્રીમાં કામ કરતા હતા. તેમણે લગભગ 13 વર્ષ સુધી ટેલીકૉમ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું.
 
ઑલ્ટ ન્યૂઝની વેબસાઇટ પર સંસ્થા વિશે માહિતી આપવામાં આવી છે તે મુજબ, "સ્વતંત્ર અને સાચા પત્રકારત્વ માટે જરૂરી છે કે તે કૉરપોરેટ અને રાજકીય નિયંત્રણથી મુક્ત રહે. આવું ત્યારે જ શક્ય છે જ્યારે જનતા આગળ આવે અને સહયોગ કરે. ઑલ્ટ ન્યૂઝ 2017થી કામ કરી રહ્યું છે અને આ એક પૂર્ણ સ્વૈચ્છિત પ્રયાસથી સંભવ થયું છે."
 
નુપૂર શર્મા કેસ શું છે?
આ વર્ષ મે મહિનામાં ઝુબૈરે ટ્વિટર પર ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના નિવેદનની વીડિયો ક્લિપ શૅર કરી હતી. આ ક્લિપમાં પયગંબર મહમદને લઈને ટિપ્પણી કરવામાં આવી હતી.
 
આ મુદ્દાને લઈને નૂપુરે "ઝુબૈર પર માહોલ ખરાબ કરવા, સાંપ્રદાયિક વૈમનસ્ય પેદા કરવા અને તેમના તથા તેમના પરિવાર વિરુદ્ધ સાંપ્રદાયિક નફરત ઉપજાવનારા ખોટા સમાચાર ફેલાવવા"નો આક્ષેપ કર્યો હતો.
 
તેમણે દિલ્હી પોલીસમાં તેની ફરિયાદ કરી હતી કે "તેમને અને તેમનાં બહેન તથા માતાપિતાને બળાત્કાર, હત્યા અને માથું કાપી નાખવાની ધમકી મળી રહી છે."
 
આ મામલામાં મુશ્કેલીઓ ત્યારે શરૂ થઈ જ્યારે યુપીનાં કેટલાંક શહેરોમાં તેમની વિરુદ્ધ મુસ્લિમોએ પ્રદર્શન કર્યા. આ નિવેદનને લઈને એક પછી એક કેટલાક દેશોએ ભારત સરકારની ટીકા કરી હતી.
 
યતિ નરસિમ્હાનંદ સરસ્વતી મામલો
 
આની પહેલાં પોતાના એક ટ્વીટમાં મોહમ્મદ ઝુબૈરે યતિ નરસિમ્હાનંદર સરસ્વતી, બજરંગ મુનિ અને આનંદ સ્વરૂપને 'હેટ મૉંગર' એટલે નફરત ફેલવનારા કહ્યા હતા
 
ત્યાર બાદ રાષ્ટ્રીય હિંદુ શેર સેનાના એક સભ્યની ફરિયાદ પર ઝુબૈર વિરુદ્ધ કલમ 295 એ હેઠળ યુપીના ખૈરાબાદ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો.
 
યતિ નરસિમ્હાનંદ, બજરંગ મુનિ અને આનંદ સ્વરૂપ વિરુદ્ધ ગત વર્ષે ડિસેમ્બરમાં હરિદ્વારમાં આયોજિત 'ધર્મસંસદ'માં નફરત ફેલાવનારા ભાષણો સાથે જોડાયેલો એક કેસ દાખલ કરાયેલો હતો.