ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 12 જાન્યુઆરી 2024 (21:07 IST)

અટલ સેતુ-મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક: દેશના સૌથી લાંબા દરિયાઈ પુલની વિશેષતાઓ શું છે?

atal setu social media
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું છે.
 
મુંબઈથી નવી મુંબઈને જોડતો આ શિવડી-ન્હાવા શેવા સમુદ્રી પુલ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. આ પુલ કેવો છે, તેની વિશેષતાઓ શું છે અને પર્યાવરણ પર તેની કોઈ અસર થાય છે કે કેમ તે આ આહેવાલમાં જાણો.
 
મુંબઈ પારબંદર પ્રોજેક્ટના આ પુલને 'અટલ બિહારી વાજપેયી સ્મૃતિ શિવડી-ન્હાવાશેવા અટલ સેતુ' નામ આપવામાં આવ્યું છે અને કહેવાય છે કે આ નવા માર્ગને કારણે મુંબઈથી નવી મુંબઈનું અંતર માત્ર 20 થી 22 મિનિટમાં પાર કરી શકાશે.
 
અટલ સેતુ 22 કિલોમીટર લાંબો છે, જેમાંથી 16.5 કિલોમીટરનો પુલ દરિયા પર બનાવવામાં આવ્યો છે અને પુલનો બાકીનો 5.5 કિલોમીટર હિસ્સો જમીન પર છે.
 
આ સેતુ છ લેનનો રસ્તો ધરાવે છે તેમજ મુંબઈ શહેરમાં શિવડી અને શિવાજી નગર ખાતે અને નેશનલ હાઈવે-4B પર ચિરલે ગામ નજીક ઇન્ટરચેન્જ ધરાવે છે.
 
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ આ પ્રોજેકટની 24 મે, 2023નાં રોજ ચકાસણી પછી કહ્યું, "આ સેતુ ઈંધણ અને સમય બચાવશે. અમે આ પ્રોજેક્ટને મુંબઈ-પુણે હાઈવે સાથે જોડીશું, નજીકમાં એક લૉજિસ્ટિક્સ પાર્ક હશે જ્યાં લોકો આવશે અને રહેશે. આ એક ગેમ ચેન્જિંગ પ્રોજેક્ટ છે જેનો લોકોને ફાયદો થશે. અમને આ પ્રોજેક્ટ પર ખૂબ ગર્વ છે."
 
મુંબઈ મેટ્રોપૉલિટન ડેવલોપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ) દ્વારા આ સેતુનું નિર્માણ કરવામાં આવ્યું છે.
 
ગુજરાતમાં વધુ દૂધ મેળવવા 'સરોગેટ ગાય' બનાવવાનો પ્રોજેક્ટ શું છે?
અટલ સેતુ પ્રોજેક્ટના ફાયદાઓ
 
સરકારનું કહેવું છે કે આ પ્રોજેક્ટથી મુંબઈવાસીઓ નવી મુંબઈમાં પ્રસ્તાવિત નવા ઍરપોર્ટ પર ઝડપથી પહોંચી શકશે અને તે મુંબઈ પોર્ટ અને જવાહરલાલ નહેરુ બંદર વચ્ચે ઝડપી સંચારને પણ સક્ષમ બનાવશે.
 
આ પ્રોજેક્ટ થકી નવી મુંબઈ અને રાયગઢના વિસ્તારોના આર્થિક વિકાસમાં પણ વધારો થવાની શક્યતાઓ છે. આ સેતુ મુંબઈ અને નવી મુંબઈ, રાયગઢ, મુંબઈ-પુણે ઍક્સપ્રેસ-વે અને મુંબઈ-ગોવા હાઇ-વે વચ્ચેનું અંતર લગભગ 15 કિલોમીટર જેટલું ઘટશે.
 
આ પ્રોજેકટથી ઈંધણ, પરિવહન ખર્ચમાં બચતની સાથે-સાથે સમયની લગભગ એક કલાકની બચત થઈ શકે છે. એવો દાવો કરવામાં આવે છે કે મુંબઈ શહેરમાં ટ્રાફિક ઓછો થઈ શકે છે.
 
મુંબઈ પારબંદર પ્રોજેક્ટ એ ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ છે અને પાણી પર બનેલો વિશ્વનો દસમો સૌથી લાંબો પુલ છે.
 
આ સેતુનું નિર્માણ કરતી વખતે ભારતમાં પ્રથમ વખત ઑર્થોટ્રૉપિક સ્ટીલ ડેસ્ક ટેકનૉલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એમએમઆરડીએ અનુસાર, આ સેતુના નિર્માણમાં 85,000 મેટ્રિક ટન ઑર્થોટ્રૉપિક સ્ટીલનો ઉપયોગ કરાવામાં આવ્યો છે, જે લગભગ 500 બોઇંગ વિમાનના વજન જેટલું છે.
 
આ ઉપરાંત આ પ્રોજેક્ટમાં લગભગ 1.70 હજાર મેટ્રિક ટન (આઇફિલ ટાવરના વજનનું 17 ગણું) જેટલા સ્ટીલ બારનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
 
આ સેતુ બનાવવામાં પૃથ્વીના વ્યાસ કરતા ચાર ગણા એટલે કે લગભગ 48,000 કિમી લાંબા પ્રેસ્ટ્રેસિંગ વાયરનો ઉપયોગ કર્યો છે.
 
અમેરિકામાં સ્ટેચ્યુ ઑફ લિબર્ટી બનાવવા માટે લગભગ 9,75,000 ક્યુબિક મીટર કૉન્ક્રીટ વપરાયો હતો જ્યારે આ સેતુ માટે તેના કરતાં છ ગણા વધારે કૉન્ક્રીટના જથ્થાની જરૂર પડી હતી.
 
દુબઈનાં બુર્જ ખલીફાથી 35 ગણી ઊંચાઈ એટલે કે લગભગ 35 કિલોમીટર લાંબી પાઇલ લાઇનરનો આમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.
 
ચૂંટણીને ધ્યાને રાખીને આ સેતુનું ઉદ્ધાટન કરવામાં આવી રહ્યું છે?
 
રાજકીય વિષ્લેશક અભય દેશપાંડેએ કહ્યું, "આપણે જોયું છે કે સત્તાધીશો ચૂંટણી પહેલાં મોટા પ્રોજેક્ટોનું ઉદ્ધાટન કરતા હોય છે."
 
તેમને ઉમેર્યું, "આ પ્રોજેક્ટથી માત્ર મુંબઈવાસીઓને જ નહીં પરંતુ નવી મુંબઈ, પુણે, અને રાયગઢના લોકોને પણ ફાયદો થશે. આ સેતુને પુણે સાથે પણ જોડવામાં આવશે જેથી આ પ્રોજેકટનું મહત્ત્વ મુંબઈ અને અન્ય જિલ્લાના મતદારોને બતાવવામાં આવશે."
 
એમએમઆરડીએ દાવો કર્યો છે કે આ બ્રિજના નિર્માણ દરમિયાન પ્રોજેક્ટથી અસરગ્રસ્ત લોકોનું પુનર્વસન કરવામાં આવ્યું છે અને પ્રોજેક્ટથી અસરગ્રસ્ત અમુક માછીમારોને સરકારની નીતિ મુજબ વળતર મળી ગયું છે અને બાકીના માછીમારોને આપવામાં આવી રહ્યું છે.
 
અટલ સેતુના કારણે સુરખાબ પર શું અસર થશે?
 
બૉમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી (બીએચએનએસ) દર વર્ષે ફલેમિંગો મહોત્સવનું આયોજન શિવડી જેટ્ટી પર કરે છે જ્યાંથી સેતુની શરૂઆત થાય છે.
 
બીએચએનએસના ડેપ્યુટી ડિરેક્ટર રાહુલ ખોટેએ 2023 માં બીબીસી મરાઠીને જણાવ્યું હતું કે આ બ્રિજના નિર્માણને કારણે 2016થી આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું નથી.
 
તેમણે કહ્યું હતું કે, "અમે એમએમઆરડીએને સતત સૂચના આપી રહ્યા છીએ કે સી લિંક બનાવતી વખતે ક્યાંય ડમ્પિંગ ન થાય, પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન ન થાય. અમે એ પણ સલાહ આપી છે કે કેવા પ્રકારની લાઇટનો ઉપયોગ કરવો જોઈએ."
 
બીએચએનએસ જ્યારથી સી-લિન્કનું બાંધકામ શરૂ થયું ત્યારથી શિવડી જેટ્ટી, થાણે ખાડી, ભાંડુપ પમ્પિંગ સ્ટેશનના વિસ્તારોમાં સુરખાબ અને અન્ય પક્ષીઓનો અભ્યાસ કરી રહ્યું છે.
 
રાહુલ ખોટેએ કહ્યું, "અત્યાર સુધી કરેલા સર્વેક્ષણ અનુસાર, 150,000થી વધારે સુરખાબ શિવડી જેટ્ટી વિસ્તારમાં નોંધાયાં છે. આ ઉપરાંત એક લાખથી વધારે અન્ય પક્ષીઓ નોંધાયાં છે. વર્ષ 2017 પહેલાં આ વિશે કોઈ યોગ્ય અનુમાન ન હતું. એક અંદાજ પ્રમાણે તે સમયે 40,000થી 60,000 સુરખાબ હતાં."
 
તેમણે ઉમેર્યું, "સી-લિન્કનાં બાંધકામ દરમિયાન સુરખાબ અને અન્ય પક્ષીઓએ સ્થળાંતર કર્યું છે. અમે દર મહિને સર્વેક્ષણ કરી રહ્યા છીએ. સુરખાબ અને પક્ષીઓને ટ્રેક કરવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટના અંતે તેની અસર વિશે અપણને જાણવા મળશે."