શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 26 એપ્રિલ 2022 (17:18 IST)

પ્રશાંત કિશોરે કૉંગ્રેસમાં જોડાવાનો ના પાડી જાણો શુ છે કારણ

prashant kishore
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કૉંગ્રેસમાં સામેલ થવાનો ઇનકાર કર્યો છે.
 
કૉંગ્રેસના મહાસચિવ રણદીપસિંહ સુરજેવાલાએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.
 
તેમણે લખ્યું કે, પ્રશાંત કિશોરના પ્રેઝન્ટેશન અને તેમની સાથે ચર્ચા પછી કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક ઍક્શન ગ્રૂપ 2024 બનાવ્યું છે.
સુરજેવાલા અનસાર, સોનિયા ગાંધીએ પ્રશાંત કિશોરને આ ગ્રૂપના સભ્ય તરીકે પાર્ટીમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું, જેમાં અમુક જવાબદારીઓ નક્કી કરવામાં આવી હતી.
 
કૉંગ્રેસ મહાસચિવ સુરજેવાલાએ કહ્યું કે, પ્રશાંત કિશોરે આ ઍક્શન ગ્રૂપમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે લખ્યું કે, અમે પ્રશાંત કિશોરના પ્રયત્નો અને પાર્ટીને આપવામાં આવેલા તેમનાં સલાહ-સૂચનોનું સન્માન કરીએ છીએ.
અગાઉ પ્રશાંત કિશોરે સોનિયા ગાંધીની સામે એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. સોનિયા ગાંધીએ પ્રશાંત કિશોરને સમાવી લેવા માટે એક સમિતિની સ્થાપના કરી હતી.
 
માનવામાં આવી રહ્યું હતું કે સમિતિના કેટલાક સભ્યોએ પ્રશાંત કિશોરની અલગ-અલગ પાર્ટી સાથે જોડાવા અને તેમની વિચારધારા પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. પરંતુ રણદીપ સુરજેવાલાના ટ્વીટ અનુસાર પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને નિમંત્રણ આપ્યું હતું.
 
પ્રશાંત કિશોરે શું કહ્યું?
પ્રશાંત કિશોરે ટ્વીટ કરીને જણાવ્યું કે, મેં કૉંગ્રેસ તરફથી આપવામાં આવેલી ઑફરને સ્વીકારી નથી.
 
તેમણે લખ્યું કે, મેં ઈએજી (ઇલેકશન ઍક્શન ગ્રૂપ)ના ભાગરૂપે પાર્ટીમાં જોડાવાની અને ચૂંટણીની જવાબદારી લેવાની ઑફરનો અસ્વીકાર કર્યો છે. મારા મતે, મારા કરતાં પાર્ટીને નેતૃત્વ અને સંસ્થાના માળખામાં ઊંડે રહેલી સમસ્યાઓના સમધાન માટે સર્વાંગી પરિવર્તનની સામૂહિક ઇચ્છાની વધારે જરૂર છે.
 
પ્રશાંત કિશોર રાજકારણમાં છે કે નહીં?
ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકે પ્રશાંત કિશોર અન્યથી એક બાબતમાં અલગ છે, તે બાબત એ છે કે તેઓ એક પેઇડ પ્રૉફેશનલ કન્સલ્ટન્ટ તરીકે સેવા આપે છે. તેમની પાસે મોટી રિસર્ચ ટીમ છે અને તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીને ચૂંટણીમાં જીત મળી પછી પ્રશાંત કિશોરનો દબદબો વધ્યો છે, કારણ કે ભાજપના પડકારનો સામનો કઈ રીતે કરવો એ બાબતે તેઓ તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ને સતત સલાહ આપી રહ્યા હતા. કેટલાક લોકો માને છે કે તેમની સલાહથી મમતા બેનરજીને ફાયદો થયો છે.
 
તેઓ આ અગાઉ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા અને ત્યારે તેમને 'વિપક્ષી એકતાના સૂત્રધાર' ગણાવવામાં આવ્યા હતા.
 
તેમની શરદ પવાર સાથેની મુલાકાત બાબતે અનેક અનુમાનો કરવામાં આવતાં હતાં.
 
બિહારના સાથે સંબંધ ધરાવતા 44 વર્ષીય પ્રશાંત કિશોર અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદી, નીતીશ કુમાર, મમતા બેનરજી, પંજાબમાં કૅપ્ટન અમરિંદર સિંહ, આંધ્ર પ્રદેશમાં જગન રેડ્ડી અને તામિલનાડુમાં ડીએમકેના નેતા એમ. કે. સ્ટાલિનને પ્રોફેશનલ સેવા આપી ચૂક્યા છે.
 
2021ની બીજી મેએ એક ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં તેમણે એક નિવેદન કરીને બધાને ચોંકાવી દીધા હતા.
 
તેમણે જણાવ્યું હતું કે તેઓ પ્રોફેશનલ રાજકીય સલાહકાર તરીકે સેવા આપવાનું બંધ કરવાના છે. એ પછી એવું વ્યાપક અનુમાન થવા લાગ્યું હતું કે કદાચ તેઓ રાજકારણમાં આવવા ઇચ્છે છે.
 
આમ પણ પ્રશાંત કિશોર રાજકારણમાં છે કે નહીં એ વિશે હંમેશાં શંકા સેવાતી રહી છે.
 
કોઈ માણસ કોઈ પક્ષના ઉપાધ્યક્ષ તરીકે કામ કરી ચૂક્યો હોય પછી તેના રાજકારણમાં હોવા બાબતે શંકાનું કોઈ કારણ હોવું ન જોઈએ, પણ પ્રશાંત કિશોર રાજકારણના કોચ છે કે ખેલાડી એ બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.