બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 12 ડિસેમ્બર 2020 (09:04 IST)

Kisan Andolan : દિલ્હી તરફ ખેડૂતોની મોટી કૂચ, દિલ્હી-જયપુર હાઈવે બંધ કરવાનો કાર્યક્રમ

કૃષિકાયદા વિરુદ્ધ ખેડૂતોનું વિરોધપ્રદર્શન વધુ ઉગ્ર થવા જઈ રહ્યું છે. અલગઅલગ જગ્યાએથી મોટી સંખ્યામાં ખેડૂતોએ શુક્રવારે રાજધાની દિલ્હી તરફ નીકળી ચૂક્યા છે.કેન્દ્ર સરકારના પ્રસ્તાવને ફગાવી દીધા બાદ ખેડૂતસંગઠનોના નેતાઓએ આંદોલનને વધુ ઉગ્ર કરવા માટે દિલ્હી-જયપુર ધોરીમાર્ગને બંધ કરવા અને તમામ ટોલપ્લાઝાને ટોલ ફ્રી કરવાની જાહેરાત કરી છે.
 
પરિસ્થિતિને સંભાળવા માટે આવવા-જવાના વૈકલ્પિક રસ્તાઓ ઉપલબ્ધ કરાવવા માટે પોલીસની તહેનાતી કરી દેવાઈ છે.
 
ગત લગભગ બે અઠવાડિયાંથી કૃષિકાયદાના વિરોધમાં હજારો ખેડૂતો દિલ્હીની હરિયાણા અને ઉત્તર પ્રદેશને અડીને આવેલી સરહદો પર વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.
 
તેમની માગ છે કે સરકાર ત્રણેય કૃષિકાયદા પરત લે.
 
અખિલ ભારતીય કિસન સંઘર્ષ સમન્વય સમિતિએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે, "સિંઘુ, ટિકરી, ગાઝીપુર અને પલવલમાં ખેડૂતો ધરણાંમાં સામેલ થશે. તામિલનાડુના ખેડૂતો પહોંચી ચૂક્યા છે અને આખા ભારતના ખેડૂતો વિરોધપ્રદર્શન માટે દિલ્હી પહોંચી રહ્યા છે."
 
કૃષિકાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનાં સગઠનોએ કાયદામાં સંશોધનના સરકારના પ્રસ્તાવ પર લેખિતમાં પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરી દીધો છે.
 
તેમનું કહેવું છે કે તેઓ પહેલાંથી જ આ સંશોધનો ખારિજ કરી ચૂક્યાં છે.
 
ખેડૂતસંગઠનોએ એક પત્રકારપરિષદ યોજીને કહ્યું હતું કે આ જ સંશોધનોની વાત પાંચમી ડિસેમ્બરની બેઠકમાં પણ કરવામાં આવી હતી. જોકે, તેમણે એ ફગાવી દીધી હતી.
 
શુક્રવારે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે સરકારને પોતાના પ્રસ્તાવ પર ખેડૂતોની પ્રતિક્રિયાનો ઇન્તેજાર છે. આ પ્રસ્તાવ મંગળવારે મોકલવામાં આવ્યા હતા.
 
તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે આ મામલે વહેલી તકે ઉકેલ આવશે.
 
કૃષિમંત્રીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, "મને લાગે છે કે અમે સમાધાન શોધી લઈશું. મને આશા છે. હું ખેડૂતસંગઠનોને વિનંતી કરીશ કે તેઓ આનો ઉકેલ લાવે. સરકારે તેમને પ્રસ્તાવ મોકલ્યો છે. જો તેમને કાયદાની કોઈ જોગવાઈ સામે વાંધો હોય તો તેમના પર ચર્ચા કરાશે."
 
ક્રાંતિકારી કિસાન યુનિયનના અધ્યક્ષ દર્શન પાલે કહ્યું છે, "અમે કોઈ પત્ર નથી મોકલ્યો. આ પ્રસ્તાવ અમે પાંચ ડિસેમ્બરની બેઠકમાં જ ખારિજ કરી દીધો હતો. અમે કહ્યું હતું કે અમે સંશોધન પર કોઈ ચર્ચા નહીં કરીએ. અમે કૃષિકાયદાને રદ કરવા હા કે નામાં જવાબ આપવાની માગ કરી હતી."