મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 11 ડિસેમ્બર 2020 (11:18 IST)

ભાજપ-કૉંગ્રેસે 2019માં ખેડૂતોને શું વચન આપ્યાં હતાં અને અત્યારે શું કહી રહ્યા છે?

હાલ દેશના પાટનગરની સીમાઓ પર મોટી સંખ્યામાં ખેડૂત સંગઠનો એકઠાં થઈ કેન્દ્ર સરકાર દ્વારા લવાયેલા નવા કૃષિ કાયદાઓ પાછા ખેંચવા માટે વિરોધપ્રદર્શન કરી રહ્યાં છે.
 
ખેડૂતોએ સરકારે કાયદામાં સુધારા અંગેનો રજૂ કરેલો પ્રસ્તાવ બુધવારે ફગાવી દીધો અને કાયદાઓ રદ ન થાય ત્યાં સુધી આંદોલનને આક્રમક બનાવવાની જાહેરાત કરી.
 
મંગળવારે ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન પણ કરવામાં આવ્યું હતું.
 
અત્યાર સુધી આંદોલનકારી ખેડૂત સંગઠનોની કેન્દ્ર સરકાર સાથે પાંચ તબક્કાની ઔપચારિક અને એક અનૌપચારિક વાતચીત થઈ ચૂકી છે. ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠકમાં પણ કોઈ પરિણામ આવ્યું નથી.
 
તેમ છતાં હજુ સુધી આ વાતચીતોનું કોઈ નક્કર પરિણામ આવી શક્યું નથી.
 
એક તરફ ખેડૂત સંગઠનો દ્વારા સરકારના નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરાઈ રહ્યો છે, જેમાં કૉંગ્રેસ સહિત ઘણાં રાજકીય દળોનું તેમને સમર્થન મળી રહ્યું. તો બીજી તરફ ભાજપના નેતાઓ દ્વારા કૉંગ્રેસ સહિત વિપક્ષો પર એ વાતે પ્રહાર કરાઈ રહ્યો છે કે જ્યારે તેઓ સત્તામાં હતા ત્યારે તેમણે પણ કૃષિ ક્ષેત્રે આવા જ સુધારાની વકીલાત કરી હતી.
 
નોંધનીય છે કે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, "કૉંગ્રેસ, NCP અને SPએ પોતપોતાના ઘોષણાપત્રોમાં APMC ઍક્ટમાં સુધારાની વાત કરી હતી. અને અત્યારે તેઓ આ સુધારાઓનો વિરોધ કરી રહ્યા છે."
 
વિજય રૂપાણી સહિત મધ્ય પ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણ, ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ સહિત ભાજપના ઘણા નેતાઓ અવારનવાર કૉંગ્રેસ સહિત વિપક્ષ પર નવા કૃષિ કાયદાઓની જોગવાઈને લઈને બેવડાં વલણ ધરાવવાની વાત કરી ચૂક્યા છે.
 
જ્યારે બીજી તરફ કૉંગ્રેસ અને અન્ય વિપક્ષના પ્રતિનિધિઓ અવારનવાર નવા કાયદાઓને ખેડૂતવિરોધી કાળા કાયદા ગણાવી ચૂક્યા છે.
 
હવે અહીં મુદ્દો એ ઊઠે છે કે કૉંગ્રેસ અને ભાજપે વર્ષ 2019ના પોતાના ઘોષણાપત્રોમાં ખેડૂતોને ખરેખર કયા વાયદા કર્યા હતા? અને શું નવા કૃષિ કાયદાની જોગવાઈઓ અને આ બંને પક્ષોના ઘોષણાપત્રોમાં કઈ સમાનતા છે ખરી?
 
એ પહેલાં જાણીએ કે નવા કાયદાઓમાં શી જોગવાઈઓ છે અને કૉંગ્રેસ સહિતના વિપક્ષને આ કાયદાઓ સામે શો વાંધો પડ્યો છે?
 
ભાજપના વર્ષ 2019ના 'સંકલ્પ પત્ર'માં ખેડૂતો માટે શું હતું?
 
ભાજપના વર્ષ 2019ના સંકલ્પ પત્રમાં વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર દ્વારા પગલાં લેવાશે તે વાત પર ભાર મુકાયો હતો.
 
જોકે, નવા કાયદાઓની જોગવાઈઓ મુજબ APMC ઍક્ટમાં સુધારો, ખેતી ક્ષેત્રે કૉન્ટેક્ટ ફાર્મિંગની વ્યવસ્થા ઊભી કરવાની વાત અને ખેતી ક્ષેત્રે ખાનગી ક્ષેત્રને પ્રવેશ માટેની તક વિશે કોઈ વાત કરાઈ નહોતી.
 
ભાજપના સંકલ્પ પત્રમાં મુખ્યત્વે કિસાન સન્માન નિધિ યોજનાનો વ્યાપ વધારી તમામ ખેડૂતોને તેનો લાભ મળે તે સુનિશ્ચિત કરવાનો સંકલ્પ કરાયો હતો.
 
આ ઉપરાંત નાના અને સીમાંત ખેડૂતો માટે પેન્શન યોજના શરૂ કરવાની વાત કરાઈ હતી. તેમજ કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે 25 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની વાત કરી હતી.
 
આ સિવાય વડા પ્રધાન કૃષિ સંપદા યોજના થકી દેશમાં માળખાગત સુવિધાઓને વિસ્તૃત કરવા માટે રાષ્ટ્રીય રાજમાર્ગોના કિનારે રાષ્ટ્રીય વેરહાઉસિંગ ગ્રિડ સ્થાપિત કરવાની વાત કરાઈ છે. આ મુદ્દાના હેતુ સ્વરૂપે ઘોષણાપત્રમાં ખેડૂતોની આવક વધારવાને દર્શાવવામાં આવ્યો છે.
 
વર્ષ 2019ના કૉંગ્રેસના ઘોષણાપત્રમાં પક્ષે પોતાનાં ખેડૂત અને ખેતીલક્ષી વચનોમાં એગ્રિકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ કમિટીસ ઍક્ટ નાબૂદ કરવાની વાત કરી હતી. જેથી ખેતપેદાશોની નિકાસ અને આંતરરાજ્ય વેપાર પરનાં નિયંત્રણો દૂર કરી શકાય.
 
આ વચન પછીના મુદ્દામાં કૉંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં વચન આપ્યું હતું કે જો તેઓ સરકાર બનાવશે તો તેઓ ખેડૂતો માટે પૂરતી માળખાકીય સુવિધાઓ અને સહાયથી 'ખેડૂતોના બજાર'નું નિર્માણ કરશે. આના થકી ખેડૂતોને પોતાની પેદાશોનું બજારમાં વેચાણ અને તેની માર્કેટિંગ માટે સક્ષમ બનાવશે.
 
નોંધનીય છે કે નવા કૃષિ કાયદા પૈકી કૃષિક ઊપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) કાયદા, 2020ની જોગવાઈ પ્રમાણે પણ ખેડૂતોને APMC બહાર મુક્ત બજારમાં પોતાની પેદાશો વેચવાની છૂટ અંગેની જોગવાઈ છે. તેમજ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પોતાની પેદાશ વેચવાની છૂટ અંગેની જોગવાઈઓ છે.
 
આ જોગવાઈઓમાં ક્યાંય સરકારે APMCને ખતમ કરી દેવાની વાત કરી નથી. તેમ છતાં ઘણા નિષ્ણાતો અને ખેડૂતોનું અનુમાન છે કે આ પ્રકારની જોગવાઈઓને કારણે APMCનું મહત્ત્વ ઘટશે અને ધીરે ધીરે તે ખતમ થઈ જશે.
 
ખેડૂત સંગઠનોનો આરોપ છે કે નવા કાયદાના કારણે કૃષિ ક્ષેત્ર પણ મૂડીપતિઓ અને કૉર્પોરેટ હાઉસીસના હાથમાં જતું રહેશે અને તેનું નુકસાન ખેડૂતોએ ભોગવવું પડશે.
 
કૃષિ મામલાના જાણકાર દેવેન્દ્ર શર્મા પ્રમાણે ખેડૂતોની ચિંતા યોગ્ય છે. બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, "જો ખેડૂતોને બજારમાં સારી કિંમતો મળી રહી હોત તો તેઓ બહાર કેમ જતા."
 
તેમનું કહેવું છે કે જે પેદાશો પર ખેડૂતોને MSP નથી મળતી, તેને તેઓ ઓછી કિંમતે વેચવા પર મજબૂર બની જતા હોય છે.
 
પંજાબમાં થતા ઘઉં અને ચોખાનો મોટો ભાગ કાં તો FCI દ્વારા પેદા કરવામાં આવે છે કાં તો FCI જ તેની ખરીદી કરે છે. વર્ષ 2019-20 દરમિયાન રબીના માર્કેટિંગ સિઝનમાં, કેન્દ્ર દ્વારા ખરીદાયેલા લગભગ 341 લાખ મેટ્રિક ટન ઘઉંમાંથી 130 લાખ મેટ્રિક ટન ઘઉંનો પુરવઠો પંજાબે પૂરો પાડ્યો હતો.
 
પ્રદર્શનકારીઓને એ ડર છે કે FCI હવે રાજ્યની મંડીઓ પાસેથી ખરીદી નહીં કરી શકે, જેથી એજન્ટો અને આડતિયાઓને લગભગ 2.5 ટકા કમિશનનું નુકસાન થશે. સાથે જ રાજ્યોને પણ છ ટકા કમિશનનું નુકસાન થશે. જે તેઓ એજન્સીની ખરીદી પર મેળવે છે.
 
દેવેન્દ્ર કહે છે કે આનું સૌથી વધુ નુકસાન એ થશે કે ધીરે ધીરે મંડીઓ ખતમ થવા લાગશે.
 
પ્રદર્શનકારીઓનું માનવું છે કે કાયદો જે ખેડૂતોને પોતાની ઊપજ ખુલ્લા બજારમાં વેચવાની અનુમતિ આપે છે, તે લગભગ 20 લાખ ખેડૂતો, ખાસ કરીને જાટ લોકો માટે તો એક ફટકો જ છે.
 
સાથે જ શહેરી કમિશન એજન્ટો, જેમની સંખ્યા 30 હજાર છે, તેમના માટે અને લગભગ ત્રણ લાખ મંડી મજૂરોની સાથોસાથ લગભગ 30 લાખ ભૂમિહીન ખેતમજૂરો માટે આ એક મોટો ફટકો સાબિત થશે.
 
તેમજ વિપક્ષોએ ભય વ્યક્ત કર્યો છે કે આ કાયદા થકી MSP પર પાકની ખરીદી સરકાર બંધ કરી દેશે.
 
કૉંગ્રેસના ઘોષણાપત્રની જોગવાઈઓ અંગે ધ્યાન દોરતાં ભાજપના ઘણા નેતાઓ એવો તર્ક મૂકી ચૂક્યા છે કે APMC ઍક્ટ રદ કરવાની વાત કૉંગ્રેસે કરી હતી અને ખેડૂતોને મુક્ત બજાર આપી APMCથી બહાર વેચાણ કરવાની છૂટ આપવાનો ખ્યાલ કૉંગ્રેસના ઘોષણાપત્રમાં હતો.
 
અહીં નોંધનીય છે કે ભાજપની જેમ જ કૉંગ્રેસના ઘોષણાપત્રમાં પણ કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ અંગે કોઈ ઉલ્લેખ કરાયો નથી. નોંધનીય છે કે નવા કાયદા અનુસાર કરાયેલ કૉન્ટ્રેક્ટ ફાર્મિંગની કેટલીક જોગવાઈઓ સામે કૉંગ્રેસે પોતાનો વિરોધ રજૂ કર્યો છે.
 
ધ સ્ક્રોલ ડોટ ઇનના એક અહેવાલ અનુસાર ભાજપે શરદ પવાર પર તેમના કૃષિમંત્રી તરીકેના કાર્યકાળ વખતે APMC ઍક્ટમાં સુધારા સૂચવતા અને ખેતી ક્ષેત્રે ખાનગી ક્ષેત્રને આમંત્રવાની ભલામણ કરતા પત્રોનો હવાલો આપી કૉંગ્રેસના નેતૃત્વવાળી UPA-2ની સરકાર પર બેવડા માપદંડો અપનાવવાનો આરોપ મૂક્યો હતો. અહીં નોંધનીય છે કે શરદ પવારની પાર્ટી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP) પણ નવા કૃષિ કાયદાઓના વિરોધમાં સામેલ છે.
 
આ કાયદાઓની જોગવાઈ પ્રમાણે પણ ખાનગી કંપનીઓ અને વ્યક્તિઓને ખેતી ક્ષેત્રમાં પ્રવેશ આપવા માટેની તક ઊભી કરાઈ છે.
 
ખેડૂત સંગઠનો અને વિપક્ષ આ જોગવાઈઓનો અલગ અલગ આધારે વિરોધ પણ કરી રહ્યાં છે.
 
NCPએ શરદ પવાર વિરુદ્ધના ભાજપના આરોપોને નકાર્યા હતા.
 
NCPના પ્રવક્તા મહેશ તાપસેએ શરદ પવારના કૃષિમંત્રી તરીકેના કાર્યકાળની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, "મૉડલ APMC ઍક્ટ, 2003 અટલ બિહારી વાજપેયીની સરકાર દ્વારા લાવવામાં આવ્યો હતો. જોકે તેમની સરકાર આ કાયદાને લાગુ કરવા માટે જુદાં જુદાં રાજ્યોને મનાવવામાં સફળ રહી નહોતી."
 
"જ્યારે શરદ પવાર કૃષિમંત્રી બન્યા ત્યારે તેમણે આ કાયદા અંગે સુધારા મગાવી તેને લાગુ કરવામાં સંમતિ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ કાયદાને લાગુ કરવાથી થનારા લાભો અંગે તેમણે વિવિધ રાજ્યોની સરકારોને સમજાવી હતી."
 
"જેથી બાદમાં તેમણે આ કાયદાને સામે ચાલીને લાગુ કર્યો હતો. હાલ દેશમાં લાગુ APMC ઍક્ટથી દેશના અસંખ્ય ખેડૂતોને લાભ થઈ રહ્યો છે. જેને શરદ પવાર દ્વારા સુધારીને રજૂ કરાયો હતો."
 
આ સિવાય NCP અન્ય એક પ્રવક્તાએ કહ્યું હતું કે, "શરદ પવારે જ્યારે તેઓ કૃષિ મંત્રી રહ્યા ત્યારે હંમેશાં રાજ્યોમાં જે તે મુદ્દે સંમતિ સાધવાનો પ્રયત્ન કર્યો. તેમણે ક્યારેય પોતાના નિર્ણય તેમની પર નાખ્યા નહોતા. ભાજપના લોકો જાણે છે કે ખેડૂતો તેમની સરકાર માટે મુશ્કેલી પેદા કરી શકે છે તેથી તેઓ આવા પત્રો દ્વારા લોકોના મનમાં શંકા પેદા કરવાના પ્રયાસ કરી રહ્યા છે."