ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 11 જુલાઈ 2022 (21:30 IST)

સંસદની નવી બિલ્ડિંગ પર 6.5 મીટર ઊંચો અશોક સ્તંભ, કાંસાની પ્રતિમાનુ વજન 9500 KG, PM મોદીએ કર્યુ અનાવરણ, ઓવૈસીએ ઉઠાવ્યા સવાલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​સવારે નવા સંસદ ભવનની છત પર અશોક સ્તંભની કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રતિમા 6.5 મીટર ઊંચી અને 9500 કિલો વજન ધરાવે છે. તેને સપોર્ટ આપવા માટે લગભગ 6500 કિલો સ્ટીલનું વજન ધરાવતી સિસ્ટમ પણ બનાવવામાં આવી છે.
 
અશોક સ્તંભ ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે. આ દરમિયાન તેમણે નવી સંસદના કામમાં લાગેલા કાર્યકરો સાથે પણ વાતચીત કરી હતી. પીએમ સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી પણ હાજર હતા. હાલમાં જ હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે સેન્ટ્રલ વિસ્ટા એવન્યુના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ વિજય ચોકથી ઈન્ડિયા ગેટ સુધીનું કામ 18 જુલાઈ સુધીમાં પૂરુ થઈ જશે.
 
ઓવૈસીએ કહ્યું- PMએ બંધારણીય નિયમોનું ઉલ્લંઘન કર્યું
AIMIM આ અંગે સવાલ ઉઠાવતા નેતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે પીએમ મોદીએ રાષ્ટ્રીય પ્રતીકનું અનાવરણ કરીને ખોટું કર્યું છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે બંધારણ – સંસદ, સરકાર અને ન્યાયતંત્રની શક્તિઓને અલગ કરે છે. સરકારના પ્રમુખના રૂપમા સંસદ ભવન ઉપર રાષ્ટ્રીય ચિહ્નનું અનાવરણ કરવુ જોઈતું નહોતું. લોકસભાના અધ્યક્ષ લોકસભાનું પ્રતિનિધિત્વ કરે છે, જે સરકાર હેઠળ નથી, તમામ બંધારણીય ધોરણોનું ઉલ્લંઘન કરે છે.
 
માકપાએ કહ્યું કે ધર્મને રાષ્ટ્રીય કાર્યક્રમથી દૂર રાખો
માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી-એ નવા સંસદ ભવન સંકુલમાં રાષ્ટ્રીય પ્રતીકના અનાવરણ પર કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીએ કહ્યું કે આવા પ્રતિષ્ઠાનોને  ધર્મ સાથે જોડવા જોઈએ નહીં. તે દરેક વ્યક્તિનું પ્રતીક છે, માત્ર ચોક્કસ ધાર્મિક માન્યતાઓ ધરાવતા લોકોનું જ નહીં. ધર્મને રાષ્ટ્રીય ઉજવણીથી દૂર રાખો.
 
જાણો શું છે અશોક સ્તંભ?
સમ્રાટ અશોક, મૌર્ય વંશના ત્રીજા શાસક, પ્રાચીન સમયમાં ભારતીય ઉપખંડના સૌથી શક્તિશાળી રાજાઓમાંના એક હતા. તેમણે 273 ઈસા  થી 232 ઈસા સુધી ભારત પર શાસન કર્યું. અશોકે દેશના ઘણા ભાગોમાં સ્તૂપ અને સ્તંભો બાંધ્યા. આ સ્તંભોમાંથી એક જે સારનાથમાં સ્થિત છે તેને અશોક સ્તંભ કહેવામાં આવે છે, જેને આઝાદી પછી ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે અપનાવવામાં આવ્યું છે.
 
જાણો શુ છે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ 
સેન્ટ્રલ વિસ્ટા એ મોદી સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ છે. તેનું સેન્ટ્રલ એવન્યુ 80 ટકા તૈયાર છે. અગાઉ તેના નિર્માણ માટે લગભગ 971 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે આ ખર્ચ 29 ટકા વધીને 1250 કરોડથી વધુ થઈ શકે છે. સરકારે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને પૂર્ણ કરવાની અંતિમ તારીખ ઓક્ટોબર 2022 નક્કી કરી છે. સરકાર ઇચ્છે છે કે શિયાળુ સત્ર સંસદની નવી ઇમારતમાં યોજાય. તેમાં સંસદ ભવન સહિત કેન્દ્ર સરકાર સાથે સંબંધિત તમામ કચેરીઓ સામેલ છે.