PM મોદી આજે મધ્યપ્રદેશ સિકલ સેલ મિશનની પણ શરૂઆત કરશે
ભારત સરકાર દ્વારા 15 નવેમ્બર એટલે કે અમર શહીદ ભગવાન બિસરા મુંડાની જન્મજયંતીને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભોપાલ ખાતે જંબુરી મેદાનમાં યોજાનારા જનજાતિ ગૌરવ દિવસ મહાસંમેલનમાં ભાગ લેવા માટે મધ્યપ્રદેશની મુલાકાત લેશે, જ્યાં તેઓ બપોરે લગભગ 1 વાગે જનજાતિ સમુદાયના કલ્યાણ અર્થે બહુવિધ પહેલનો આરંભ કરશે.
જનજાતિ ગૌરવ દિવસ મહાસંમેલન દરમિયાન, પ્રધાનમંત્રી મધ્યપ્રદેશમાં રેશન આપકે ગ્રામ યોજનાનો પણ શુભારંભ કરશે. આ યોજના અંતર્ગત જનજાતિ સમુદાયના લાભાર્થીઓને દર મહિને તેમના પોતાના જ ગામમાં PSD રેશનનો માસિક ક્વોટા પહોંચાડવાનો ઉદ્દેશ છે જેથી તેમણે પોતાનું રેશન લેવા માટે સસ્તા અનાજની દુકાન સુધી પહોંચવા માટે મુસાફરી કરવાની જરૂર ના પડે.
આ મહાસંમેલન દરમિયાન, પ્રધાનમંત્રી લાભાર્થીઓને જનિનિક કાઉન્સેલિંગ કાર્ડ્સ પણ સોંપશે, જેનાથી મધ્યપ્રદેશ સિકલ સેલ (હિમોગ્લોબિનોપેથી) મિશનનો પ્રારંભ થશે. આ મિશન સિકલ સેલ એનેમિયા, થેલેસેમિયા અને અન્ય હિમોગ્લોબિનોપેથીઝથી પીડાઇ રહેલા દર્દીની તપાસ અને સંચાલન માટે તેમજ મધ્યપ્રદેશમાં જનજાતિ સમુદાયમાં વધારે પ્રમાણમાં જોવા મળતી આ બીમારીઓ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી આ મુલાકાત દરમિયાન આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, ત્રિપુરા તેમજ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ સહિત સમગ્ર દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 50 એકલવ્ય મોડેલ રહેણાંક શાળાઓનું નિર્માણ કરવા માટે શિલાન્યાસ કરશે.
પ્રધાનમંત્રી જનજાતિ સ્વ-સહાય સમૂહો દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ ઉત્પાદનો અને સ્વતંત્રતાના સંગ્રામ દરમિયાન મધ્યપ્રદેશમાં જનજાતિ સમુદાયમાંથી શહીદ થયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને નાયકોની તસવીરો પર આધારિત તૈયાર કરવામાં આવેલા એક પ્રદર્શનની પણ મુલાકાત લેશે. તેઓ નવા નિયુક્ત થયેલા, જેમાં ખાસ કરીને નિઃસહાય આદિવાસી સમૂહોના શિક્ષકોને નિયુક્તિ પત્રો પણ એનાયત કરશે.
આ કાર્યક્રમ દરમિયાન, મધ્યપ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી, ડૉ. વિરેન્દ્ર કુમાર, નરેન્દ્ર સિંહ તોમર, જ્યોતિરાદિત્ય સિંધિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રહલાદ એસ. પટેલ, ફગન સિંહ કુલસ્તે અને ડૉ. એલ. મુરુગન પણ ઉપસ્થિત રહેશે.
પ્રધાનમંત્રી તેમની આ મુલાકાત દરમિયાન, ફરી વિકસાવવામાં આવેલા રાણી કમલાપતિ રેલવે સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરશે અને મધ્યપ્રદેશમાં રેલવે માટે બહુવિધ પહેલોનો પ્રારંભ કરશે.