પીએમ મોદી વારાણસીમાં બનાસ ડેરીનો શિલાન્યાસ કરશે શિલાન્યાસ, લાખો ખેડૂતોને થશે ફાયદો 
	 
				  										
							
																							
									  
	પોતાના મતવિસ્તાર, વારાણસીના વિકાસ અને આર્થિક પ્રગતિ માટે કામ કરવાનો પ્રધાનમંત્રીનો નિરંતર પ્રયાસ રહ્યો છે. આ દિશામાં આગળ વધતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23મી ડિસેમ્બર, 2021ના રોજ એટલે કે બપોરે 1 વાગ્યાની આસપાસ વારાણસીની મુલાકાત લેશે અને બહુવિધ વિકાસ પહેલનો શુભારંભ કરશે.
				  
	 
	પ્રધાનમંત્રી વારાણસીના કર્ખિયાઓંમાં યુપી રાજ્ય ઔદ્યોગિક વિકાસ સત્તામંડળ ખાતે બનાસ ડેરી સંકુલનું ભૂમિપૂજન કરશે. 30 એકર જમીનમાં ફેલાયેલ આ ડેરી આશરે ₹ 475 કરોડના ખર્ચે નિર્મિત થશે અને દૈનિક 5 લાખ લિટર દૂધ પ્રોસેસ કરવાની સુવિધા એમાં હશે. આનાથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થશે અને આ પ્રદેશના ખેડૂતો માટે નવી તકો સર્જીને એમને મદદ મળશે. પ્રધાનમંત્રી બનાસ ડેરી સાથે સંકળાયેલા 1.7 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને આશરે ₹ 35 કરોડ બોનસ બૅન્ક ખાતામાં ડિજિટલી તબદીલ પણ કરશે.
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	પ્રધાનમંત્રી વારાણસીના રામનગરમાં દૂધ ઉત્પાદક સહકારી સંઘના પ્લાન્ટ માટે બાયોગેસ આધારિત વીજ ઉત્પાદન મથક માટેનું ભૂમિપૂજન પણ કરશે. દૂધ ઉત્પાદક સહકારી સંઘના પ્લાન્ટને ઊર્જા આત્મ-નિર્ભર બનાવવા તરફ આ મહત્વનું પગલું હશે.
				  																		
											
									  
	 
	પ્રધાનમંત્રી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (એનડીડીબી)ની મદદથી બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ) દ્વારા વિકસાવાયેલ દૂધ ઉત્પાદકોની પાલન મૂલ્યાંકન યોજનાને સમર્પિત એક લોગો અને એક પોર્ટલ પણ શરૂ કરશે. બીઆઇએસ અને એનડીડીબી બેઉના ગુણવત્તાની નિશાનીના લોગોને દર્શાવતો આ એકીકૃત લોગો ડેરી ક્ષેત્ર માટે પ્રમાણપત્રની પ્રક્રિયાને સરળ બનાવશે અને લોકોને ઉત્પાદન ગુણવત્તાની ફરી ખાતરી કરાવશે.
				  																	
									  
	 
	પાયાના સ્તરે જમીન માલિકીના મુદ્દાઓ ઘટાડવાના વધુ એક પ્રયાસમાં, પ્રધાનમંત્રી કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલયની સ્વામિત્વ યોજના હેઠળ ઉત્તર પ્રદેશના 20 લાખથી વધુ રહેવાસીઓને ગ્રામીણ રહેણાંકના અધિકારનો રેકોર્ડ ઘરૌનીનું વર્ચ્યુઅલી વિતરણ કરશે.
				  																	
									  
	 
	આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વારાણસીમાં ₹ 870 કરોડથી વધુની 22 વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને ભૂમિપૂજન પણ કરશે. આનાથી વારાણસીની થઈ રહેલી 360 ડિગ્રી-સંપૂર્ણ કાયાપલટ વધુ મજબૂત થશે.
				  																	
									  
	 
	પ્રધાનમંત્રી વારાણસીમાં બહુવિધ શહેરી વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે. એમાં જૂની કાશીના વૉર્ડ્સના પુન:વિકાસની છ પરિયોજનાઓ, બેનિયાબાગ ખાતે એક પાર્કિંગ અને સરફેસ પાર્ક, બે તળાવનું સુંદરીકરણ, રમ્ના ગામ ખાતે એક સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ અને સ્માર્ટ સિટી મિશન હેઠળ 720 સ્થળોએ આધુનિક સર્વેલન્સ કેમેરાની જોગવાઇનો સમાવેશ થાય છે.
				  																	
									  
	 
	પ્રધાનમંત્રી દ્વારા જેનું ઉદઘાટન થવાનું છે એ શિક્ષણ ક્ષેત્રની પરિયોજનાઓમાં ₹ 107 કરોડના ખર્ચે બંધાયેલ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના શિક્ષકોના શિક્ષણ માટેના ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર અને ₹7 કરોડથી વધુના ખર્ચે નિર્મિત સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ હાયર તિબેટિયન સ્ટડીઝ ખાતે ટિચર્સ એજ્યુકેશન સેન્ટરનો સમાવેશ થાય છે. વધુમાં, પ્રધાનમંત્રી દ્વારા બીએચયુ અને આઇટીઆઇ કરૌંધી ખાતે નિવાસી ફ્લેટ્સ અને સ્ટાફ ક્વાર્ટર્સનું પણ ઉદઘાટન કરાશે.
				  																	
									  
	 
	આરોગ્ય ક્ષેત્રમાં, મહામના પંડિત મદન મોહન માલવિયા કેન્સર સેન્ટર ખાતે ₹ 130 કરોડના ડૉકટર્સ હૉસ્ટેલ, એક નર્સ હૉસ્ટેલ અને શેલ્ટર હોમને સમાવતી પરિયોજનાનું પણ પ્રધાનમંત્રી દ્વારા ઉદઘાટન કરવામાં આવશે. તેઓ ભદ્રાસી ખાતે 50 બૅડ્સની સંકલિત આયુષ હૉસ્પિટલનું ઉદઘાટન કરશે. તેઓ આયુષ મિશન હેઠળ પિંદ્રા તાલુકામાં ₹ 49 કરોડની સરકારી હોમિયોપેથિક મેડિકલ કૉલેજનું ભૂમિપૂજન પણ કરશે.
				  																	
									  
	 
	માર્ગ ક્ષેત્રે, પ્રધાનમંત્રી પ્રયાગરાજ અને ભદોહી માર્ગો માટે બે 4થી 6 લેન રસ્તા પહોળા કરતી પરિયોજનાઓનું ભૂમિપૂજન કરશે. આનાથી વારાણસીની કનેક્ટિવિટી સુધરશે અને શહેરની ટ્રાફિક જામની સમસ્યા ઉકેલવા તરફનું એક પગલું હશે.
				  																	
									  
	 
	આ પવિત્ર નગરીની પર્યટન સંભાવનાઓને વેગ આપવા માટે પ્રધાનમંત્રી શ્રી ગુરુ રવિદાસજી મંદિર, મહર્ષિ ગોવર્ધન, વારાણસી સંબધિત પર્યટન વિકાસ પરિયોજનાના પહેલા તબક્કાનું પણ ઉદઘાટન કરશે.
				  																	
									  
	 
	પ્રધાનમંત્રી દ્વારા ઉદઘાટન થનાર અન્ય પરિયોજનાઓમાં વારાણસીના સાઉથ એશિયા પ્રાદેશિક કેન્દ્ર ખાતે ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સ્પીડ બ્રીડિંગ સુવિધા, પાયકપુર ગામ ખાતે એક પ્રાદેશિક રેફરન્સ સ્ટાન્ડર્ડ લૅબોરેટરી અને પિંદ્રા તાલુકા ખાતે એક એડવોકેટ બિલ્ડિંગનો સમાવેશ થાય છે.