સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 20 ઑગસ્ટ 2024 (10:01 IST)

ગુજરાતમાં હવે ફરી ક્યારે શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી જાણે કે ચોમાસાએ બ્રેક લીધો છે. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ક્યાંય ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો નથી.
 
ગત વર્ષે પણ ગુજરાતમાં ચોમાસા દરમિયાન આવી જ સમાન પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ બાદ ચોમાસાએ વિરામ લીધો હતો.
 
ગુજરાતમાં પહેલી જૂનથી 16 ઑગસ્ટ સુધીમાં સરેરાશ વરસાદ કરતાં છ ટકા જેટલો વધારે વરસાદ થયો છે.
 
જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ કરતાં અત્યાર સુધીમાં 22 ટકા જેટલો વધારે વરસાદ પડ્યો છે. જ્યારે તેની સરખામણીમાં ગુજરાતના બાકીના વિસ્તારોમાં સરેરાશ કરતાં છ ટકા જેટલો ઓછો વરસાદ થયો છે.
 
બંગાળની ખાડીની સિસ્ટમની અસર થશે
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હજુ આગળ વધી રહી છે. એ સિવાય દક્ષિણ બાંગ્લાદેશ પાસે સ્થિર થયેલી સિસ્ટમને કારણે પૂર્વ ભારતમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
 
હવામાનનાં કેટલાંક મૉડલો દર્શાવી રહ્યાં છે કે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે, પરંતુ તેમાં તે સિસ્ટમ હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત પર પહોંચે તેવી શક્યતા ઓછી છે. આ સિસ્ટમ મહારાષ્ટ્ર સુધી પહોંચે તેવી શક્યતા છે અને તેની વધારે અસર મહારાષ્ટ્ર અને કર્ણાટક પર થાય તેવી સંભાવના છે.
 
ગુજરાતમાં હાલની સ્થિતિ પ્રમાણે 23 ઑગસ્ટ સુધી વરસાદનું પ્રમાણ ઘટવાની સંભાવના છે તે બાદ ફરીથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધે તેવી સંભાવના છે. 25 ઑગસ્ટ બાદ એટલે કે આ મહિનાના અંતમાં રાજ્યમાં ફરીથી ભારે વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.
 
સૌથી પહેલાં ગુજરાત રીજનમાં વરસાદનું પ્રમાણ વધશે અને તે બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ વધે તેવી સંભાવના હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે.
 
હવામાન નિષ્ણાત મનોજભાઈ લુણાગારિયાએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું પ્રમાણ ઘટશે અને વરસાદ આવતા અઠવાડિયામાં વિરામ લેશે એવી જ શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં લોકલ સિસ્ટમને કારણે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ સિવાયના ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થોડો વધારે પડી શકે છે.”
 
તેમણે કહ્યું હતું કે, “રાજસ્થાનમાં સર્જાનારી સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતમાં થોડો વરસાદ પડી શકે છે જે ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે સારો સંકેત છે. બંગાળની ખાડી પરની સિસ્ટમ વધુ મજબૂત બને અને અરબી સમુદ્ર પરનો પ્રવાહ નબળો પડે તો એ સિસ્ટમ ગુજરાત તરફ ધકેલાય અને ગુજરાત પર વધુ વરસાદ પડી શકે.”
 
આ અઠવાડિયામાં ક્યાં વરસાદ પડશે?
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર 19 ઑગસ્ટથી 25 ઑગસ્ટના અઠવાડિયામાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
આ અઠવાડિયામાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા તથા મધ્ય ગુજરાતના ગાંધીનગર, ખેડા, અરવલ્લી, અમદાવાદ, આણંદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
 
એ સિવાય દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને ડાંગમાં સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
 
22 અને 23 ઑગસ્ટના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે તેવી સંભાવના છે.
 
ગઈકાલે રાજ્યમાં અનેક સ્થળોએ છૂટોછવાયો હળવો વરસાદ પડ્યો હતો પણ ક્યાંય ભારે વરસાદ થયો નથી.