સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (21:44 IST)

જય જય ગરવી ગુજરાત - માથુ આપીશું પણ આબરું નહીં આપીએ - સરદાર વલ્લભભાઈ પટેલ

એ જમાનામાં જ્યારે કોમ્યુટર કે ટેલિવિઝન તો શું રેડિયો પણ ઉપલબ્ધ ન હતાં ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે તેમના દેશપ્રેમથી ઉભરતા તીખા તમતમતાં તીર જેવા શબ્દોનો અવિરત વરસાદ વરસાવીને 1928ની સાલસાં બારડોલી તાલુકાના ખેડૂતોને તેમજ સમગ્ર પ્રજાને ચેતનવંતી કરી હતી. અંગ્રેજીના સ્પર્શ વિનાનું સ્વતંત્ર જોમવાળું એમનું ભાષા પરનું પ્રભુત્વ લોકોને સ્પર્શતું હતું. તેમના વેદનાથી ભરેલા ઉદગારો તળપદીભાષા, વાણીનું તેજ અને કેટલીક વારતો આંખોમાંથી વરસતો અગ્નિ જોઈને પ્રજા પણ હાલી ઊઠતી હતી. બારડોલી તાલુકાના લોકોએ સંકલ્પ કર્યો કે માથું આપશું પણ આબરું નહીં આપીએ.
 
એક બાજુ સત્યાગ્રહીઓ હતાં તો બીજી બાજુ જુલ્મી સરકાર હતી. સરકારી અમલદારો દમનના કોરડા ફટકારતાં હતાં. જમીનો ખાલસા કરવામાં આવતી હતી, માલમિલકત જપ્ત કરવામાં આવી હતી, છતાં પ્રજા વલ્લભભાઈની 'સરદારી'માં અડગ હતી. સ્થાનિક અમલદારોએ સત્યાગ્રહને તોડી પાડવા માટે અનેક પ્રયત્નો કરી જોયા, પરંતુ તે નિષ્ફળ નિવડ્યાં. દરમિયાનમાં કોઈક અમલદારને સૂઝ્યું કે આ આંદોલનના મુખ્ય આગેવાન સિંહપુરુષ વલ્લભભાઈ પેટલની ધરપકડ કરીશું તો કદાચ આ આંદોલન તૂટી જશે? આ અંગે સરકારમાં પત્ર લખવામાં આવ્યો.
 
વલ્લભભાઈ પટેલની ઠંડી તાકાતનો પરચો અંગ્રેજ સરકારને 1917થી અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં થઈ ચૂક્યો હતો. અસહકાર આંદોલનમાં તેમજ ખેડા, નાગપુર અને બોરસદનાં સત્યાગ્રહો દરમિયાન વલ્લભભાઈએ સરકારને છક્કડ ખવડાવી હતી. આથી અંગ્રેજ સરકાર સરદારની ધરપકડ કરતાં અચકાતી હતી.
 
આ અંગેનો એક ખાનગી ટેલિગ્રામ બી.ડી. નંબર 425થી તારીખ 3-5-1928ના રોજ સુરત ખાતે આવેલી ઊત્તર વિભાગની કચેરીને મોકલવામાં આવ્યો હતો. અને તેની નકલ મુંબઈ સરકારના સેક્રેટરી તથા હોમ (સ્પેશિયલ)ના સેક્રેટરીને મોકલવામાં આવતી હતી. આ તારની વિગત વાંચતા આપણને ખ્યાલ આવે છે. અંગ્રેજ સરકારની ગભરાટનો. પત્રનો સાર:
 
"આપના 26 એપ્રિલના પત્રના અનુંસંધાનમાં જણાવવાનું કે ગર્વનર ઈન કાઉન્સિલનો એવો મત છે કે પટેલ સામે કામ ચલાવવા માટે મજબૂત પુરાવા નથી, વળી વ્યાજબી પુરાવા વગર તેમને ગુનેગાર ઠરાવવા ભૂલભરેલું ગણાશે."
 
ગર્વનર ઈન કાઉન્સિલ ઈચ્છે છે કે સ્થાનિક અધિકારીઓ પોતાની પહેલ પર કાયદાનો ભંગ કરનાર અન્ય લોકો સામે પગલાં ભરી શકે છે, પરંતુ કોઈપણ સંજોગોમાં સરકારની મંજૂરી વગર વલ્લભભાઈ પટેલ સામે કાયદેસરના પગલાં ભરવા નહીં.
 
'સરદાર'નો ખિતાબ બેરિસ્ટર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલને ગુજરાતના લોકોએ બારડોલી સત્યાગ્રહની સફળ 'સરદારી' માટે આપ્યો હતો. અને ત્યાર પછી દેશના લોકોએ પણ હોંશેહોંશે સ્વીકારી લીધો હતો.
 
બારડોલીના સરદારે દેશની સરદારી લીધી અને મહાત્મા ગાંધીએ ચૂનંદા સાથીઓ સાથે 1930માં નમક સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમના આયોજનની જવાબદારી સરદાર પટેલને સોંપવામાં આવી. અમદાવાદથી ગાંધીજી પોતાના ચૂનંદા સાથીઓ સાથે પ્રસ્થાન કરવાના હતાં, પણ સ્થળ પસંદગીની સંપૂર્ણ જવાબદારી સરદારે ઉપાડી લીધી. અમદાવાદથી દરિયા કિનારાના અનેક સ્થળોના નામ સૂચવવામાં આવ્યા અને અંતે દક્ષિણ ગુજરાતના 'દાંડી' ગામની સરદારે પસંદગી કરી. કેમ કે સરદારને બારડોલી સત્યાગ્રહ દરમિયાન લોકોના ખમીરનો પરિચય મળી ચૂક્યો હતો. દક્ષિણ ગુજરાતના લોકોની ફરી માંગ હતી કે તેમને ફરીથી તક આપવામાં આવે.
 
અમદાવાદથી દાંડી જવાનો સમગ્ર માર્ગ નક્કી કરવામાં આવ્યો. માર્ગમાં આવતા ગામો કે ઉતારાનું આયોજન કરામાં આવ્યું. જો કોઈની ધરપકડ થાય તો પછીની જવાબદારી કોણ ઉપાડશે તે પણ નક્કી થયું. સરદારે એક કુશળ સંચાલન તરીકે સમગ્ર યાત્રાનું અદભૂત આયોજન કર્યું.
 
બીજી બાજુ બ્રિટિશ સરકારને લાગ્યું કે સરદાર પટેલની ધરપકડ કરીશું તો સમગ્ર યાત્રાનું આયોજન જ તૂટી પડશે. આથી અંગ્રેજોએ દાંડીયાત્રાના આયોજન માટે નીકળેલા સરદાર પટેલની ખેડા જિલ્લાના રાસ ગામે ધરપકડ કરી. તા 7મી માર્ચ 1930ના રોજ સરદારની ધરપકડ કરીને તેમને જેલ મહેલમાં રાખવામાં આવ્યાં, પણ સરદાર જેવા 'માસ્ટર માઈન્ડ'નું આયોજન સફળ રહ્યું અને વિશ્વના સત્યાગ્રહોમાં શિરોમોર સ્થાન દાંડીયાત્રાને મળ્યું.