બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 3 જાન્યુઆરી 2020 (12:24 IST)

સુરતમાં હુમલાખોરોને તાત્કાલિક ઝડપી કડક સજા ન કરે તો તમામ યુનિયનોની આંદોલનની ચીમકી

સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનનો દબાણ માટે કુખ્યાત ચૌટા બજારમાં ગઈકાલે મહાનગરપાલિકાના ડેપ્યુટી ઇજનેર અને સિક્યુરીટી સ્ટાફ પર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ મહાનગરપાલિકામાં મળેલી બેઠકમાં હુમલા માટે હુમલાખોરો ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર પણ જવાબદાર હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. હુમલાખોરોને ઝડપીને કડક કામગીરી કરવામાં નહિ આવે તો તમામ યુનિયનોએ ભેગા મળીને આંદોલનની ચીમકી પણ આપી છે. ગઈકાલના મહાનગરપાલિકાના કર્મચારીઓ પર હુમલા બાદ મોડી રાત્રે તમામ યુનિયનોની એક બેઠક મળી હતી. જેમાં એક યુનિયનના આગેવાને કર્મચારી પર હુમલા માટે હુમલાખોરો ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરની નીતિ પણ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે પોલીસ પ્રોટકશન વિના કર્મચારીઓ પાસે દબાણ દૂર કરવાનું કામ કરાવવુ યોગ્ય નથી. મહાનગર પાલિકા કમિશનરની આવી નીતિને કારણે જ કર્મચારી પર હુમલો થયો છે તેથી તેઓ પણ જવાબદાર છે. આ હુમલા બાદ તમામ યુનિયનોએ આજે સાંજે પાંચ વાગે મુગ્લી સરાઈ સ્થિત મ્યુનિસિપલ કચેરીએ દેખાવ કરવાની જાહેરાત કરી છે. તમામ યુનિયન ભેગા થઈને હુમલાના વિરોધમાં પ્રદર્શન કરશે. યુનિયનના આગેવાનોએ ચીમકી આપી છે કે હવે પછી પોલીસ પ્રોટેક્શન વિના દબાણો દૂર કરવાની કામગીરી સોંપવામાં આવે તો તેનો બહિષ્કાર કરવામાં આવશે. આ ઉપરાંત ટેકનિકલ સ્ટાફને પણ દબાણ દૂર કરવાની કામગીરી સાથે જોડવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. યુનિયન આગેવાનોએ પોલીસને રજૂઆત કરતાં કહ્યું છે કે મહાનગર પાલિકાના સ્ટાફ પર હુમલો કરનારા માથાભારે તત્વોને તાત્કાલિક ઝડપી લેવામાં આવે અને તેની સામે આક્રમક કાર્યવાહી કરવામાં આવે. જો આ પ્રકારની તેમની માગણી પૂરી ન કરવામાં આવે તો કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવશે.