કોંગ્રેસના નવા પ્રદેશ માળખામાં હાર્દિક પટેલને સ્થાન મળવાની શક્યતાઓ
એક બાજુ, ભાજપમાં પ્રદેશના માળખાની રચના માટે તૈયારીઓ થઇ રહી છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના માળખાને ય નવો ઓપ આપવા કવાયત શરૂ થઇ છે. આ વખતે કોંગ્રેસે આગામી મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓને જોતાં યુવા કાર્યકરોને પ્રદેશના સંગઠનમાં સમાવવા નક્કી કરાયુ છે. ખાસ કરીને યુવાઓને કોંગ્રેસ પ્રત્યે આકર્ષવા યુવા નેતાઓને સંગઠનની જવાબદારી સોંપવામાં આવશે. નવા પ્રદેશના માળખામાં યુવા આંદોલનકારી નેતા હાર્દિક પટેલને કાર્યકારી પ્રમુખ બનાવાય તેવી શક્યતા છે. ગુજરાતમાં રાધનપુર,થરાદ,બાયડની પેટા ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસ જાણે ફુલ ફોર્મ છે. તેમાં હવે તો મહારાષ્ટ્ર અને ઝારખંડમાં સરકાર રચાતાં કોંગ્રેસી કાર્યકરોમાં જાણે નવા પ્રાણ પૂરાયા છે. ગુજરાત કોંગ્રેસે હવે પ્રદેશ સંગઠનને વધુ અસરકારક બનાવવા પર ભાર મૂક્યો છે જેના કારણે યુવાઓને સંગઠનમાં સમાવવા નક્કી કરાયુ છે. માત્ર હોદ્દા ભોગવતા જૂના જોગીઓને ઘેર ભેગા કરવા હાઇકમાન્ડે સ્પષ્ટ સૂચના આપી છે. આ જોતાં હવે પર્ફમન્સ બેઝ સંગઠનમાં નિમણૂંકો કરવા હાઇકમાન્ડે આદેશ કર્યો છે. તે જોતાં આ વખતે જૂની બાટલીમાં નવો દારૂ ભરાય તે જોવા પ્રદેશ નેતાઓને ખાસ સૂચના અપાઇ છે. અત્યારે 400થી વધુ પ્રદેશના હોદ્દેદારોની કામગીરીનુ મૂલ્યાંકન થઇ ચૂક્યુ છે.તે આધારે જૂના માળખામાં જે કાર્યરત-નિષ્ઠાવાન કાર્યકર હશે તેને પુ:ન નિમણૂંક અપાશે. સૂત્રોના મતે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માળખામાં આ વખતે આમૂલ ફેરફાર થઇ શકે છે. રાજ્યમાં પાંચ ઝોનમાં કાર્યકારી પ્રમુખોની નિમણૂંક કરાશે. હાર્દિક પટેલને ઉત્તર ગુજરાતમાં કાર્યકરી પ્રમુખ તરીકે જવાબદારી સુપરત કરાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. પર્ફમન્સ ઉપરાંત જાતિગત સમીકરણોને આધારે નિમણૂંકો આપવાની ગણતરી છે. જોકે, ઘણાં નેતાઓ તો અત્યારથી રિસાયા છે કેમ કે, તેમનુ પત્તુ કપાઇ શકે છે. તેમણે રાજકીય લોબિંગ કરી હોદ્દો મેળવવા દોડાદોડ કરી છે. જયારે એવી જાણકારી મળી છેકે, સંગઠન-પક્ષ માટે શ્રેષ્ઠ કામગીરી કરનારાં પ્રદેશના નેતા-ધારાસભ્યોને રાષ્ટ્રીય કક્ષાએ જવાબદારી આપવામાં આવશે. આગામી 20મી જાન્યુઆરી સુધીમાં પ્રદેશના માળખાને આખરી ઓપ આપવામાં આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.