રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 15 મે 2024 (17:26 IST)

ઉત્તર-મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાત રાજ્યને કમોસમી વરસાદે ધમરોળ્યું હતું અને ધૂળની ડમરીઓ સાથેની આંધી અને મિની વાવાઝોડા જેવી સ્થિતિ રાજ્યના અનેક જિલ્લાઓમાં સર્જાઈ હતી. તેના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોચ્યું હતું. હજુ પણ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતાઓ છે. જોકે મોટાભાગના જિલ્લાઓનું વાતાવરણ ગરમ રહેશે.

મહત્ત્વનું છે કે, ગઈ કાલ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. જો કે સોમવારે સાંજે આવેલા આંધી અને કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તેથી ગઇકાલે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન ખૂબ જ ઓછું નોંધાયું હતું.આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રના ભાવનગર અને પોરબંદરમાં હીટવેવની અસર વર્તાશે. જ્યારે આગામી 24 કલાક બાદ એટલે કે, 16 અને 17 મેના રોજ કચ્છમાં પણ હીટવેવની અસર રહેશે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુરત અને વલસાડમાં હીટવેવની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતાઓ હતી. તેમાં પણ અમદાવાદ શહેરમાં આજરોજ 43 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન પહોંચે તેવી શક્યતાઓ હતી, પરંતુ મધ્યપ્રદેશના મધ્ય ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે તેને કારણે આગામી બે દિવસ દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેશે. આ સાથે જ આજરોજ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે. વીજળીના કડાકા ભડાકા સમયે પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે.હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસની આગાહી કરતા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં વિવિધ ભાગોમાં અલગ અલગ વાતાવરણ રહેશે. કારણ કે આગામી ત્રણ દિવસ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હીટવેવની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા ગતરોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી હતી, પરંતુ આજરોજ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમને કારણે હવે જ્યાં વરસાદની શક્યતાઓ હતી ત્યાં હીટવેવની શક્યતા છે. જ્યાં વાતાવરણ શુષ્ક રહેવાનું હતું તેવા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ બનતી દેખાઇ રહી છે.