બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 25 મે 2019 (16:05 IST)

ગુજરાતમાં અમિત શાહ-સ્મૃતિ ઈરાનીના વિજયથી રાજ્યસભાની બે બેઠક ખાલી પડશે

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્યપદે ચૂંટાયેલા ભાજપના અમિત શાહ અને સ્મૃતિ ઈરાની બંને લોકસભા ચૂંટણી જીતી ગયા છે. જેથી હવે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપવું પડશે. આ બંને બેઠક પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. જો કે લોકસભામાં તમામ 26 બેઠકો પર વિજય મેળવનારા ભાજપ રાજ્યસભામાં એક સીટ ગુમાવી શકે છે, કારણ કે રૂપાણીના નેતૃત્વમાં યોજાયેલી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠકો જ મળી હતી.

કૉંગ્રેસને 72 બેઠકો મળી હતી. ગુજરાત વિધાનસભાની વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને પાતળી બહુમતી એટલે કે માત્ર 99 ધારાસભ્યોનું સંખ્યાબળ હતું. જે બાવળિયાની એન્ટ્રી બાદ 100 થયું હતું, પરંતુ હાઈ કોર્ટે દ્વારકાની વિધાનસભા ચૂંટણી રદ થતા પબુભા માણેકનું ધારાસભ્યપદ પણ રદ થયું છે. આમ ભાજપના ધારાસભ્યોની સંખ્યા 99 પર પહોંચી હતી, પરંતુ લોકસભા સાથે યોજાયેલી ઉંઝા, ધ્રાંગધ્રા, જામનગર (ગ્રામ્ય) અને માણાવદર બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થતા ભાજપના 103 ધારાસભ્યો થયા છે. જ્યારે કૉંગ્રેસ પાસે હાલ 72 ધારાસભ્યો છે, પરંતુ ભાજપના ચાર ધારાસભ્યોનો લોકસભા ચૂંટણીમાં વિજય થતાં હવે તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું આપવું પડશે. જેથી ભાજપની સભ્ય સંખ્યા 99 પર પહોંચી જશે. હવે રાજ્યસભાની ચૂંટણીમાં અગ્રતાક્રમે એટલે કે ઉમેદવારોની પસંદગી માટે ક્રમ 1, ક્રમ 2 એમ પ્રેફરન્સ વોટ હોય છે.

રાજ્યસભાની બે બેઠકની ચૂંટણીમાં ભાજપના બે અને કૉંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં ઊતરે તો તેવી સ્થિતિમાં ભાજપના સભ્યોને બે ઉમેદવાર પૈકી એકની સામે એકડો ઘૂંટવા પડે, જ્યારે બાકીના ધારાસભ્યોને બીજા ઉમેદવાર માટે બગડો ઘૂંટવો પડે. જેમાંથી ભાજપને 99 એકડા મળે, જેની સામે કૉંગ્રેસને 72 એકડા મળે છે. આમ એક બેઠક ભાજપને અને એક કૉંગ્રેસને મળી શકે છે. હાલ વિધાનસભામાં ભાજપ 103, કૉંગ્રેસ 72, એનસીપી 1, બીટીપી 2 અને અપક્ષ 3 બેઠકો ધરાવે છે. હાલ ભાજપના પબુભાનું ધારાસભ્યપદ રદ થયું છે અને મામલો હાલમાં સુપ્રીમ કોર્ટમાં છે.