રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 30 ઑગસ્ટ 2023 (11:03 IST)

સુપર બ્લૂ મૂન : પૃથ્વીની નજીક પહોંચેલા ચંદ્રનો આ નજારો કેટલો દુર્લભ છે? ક્યારે નિહાળી શકાશે?

 Super Blue Moon
આજે એક અદ્ભુત ખગોળીય નજારો સર્જાવાનો છે જેનું નામ છે- સુપર બ્લૂ મૂન.
 
બુધવારે અનેરો ખગોળીય નજારો ચંદ્રની સંપૂર્ણ સુંદરતા સાથે નિહાળી શકાશે, જોકે મંગળવાર અને ગુરુવારે પણ ચંદ્ર કંઈક આવા જ સ્વરૂપમાં નજરે પડશે.
 
તો શું છે આ દુર્લભ સુપર બ્લૂ મૂન? તમે એને ક્યારે નિહાળી શકો છો?
 
શું છે સુપર બ્લુ મૂન ?
સુપર બ્લૂ મૂન શબ્દ ચંદ્ર સાથે સંબંધિત બે (લૂનાર) ઘટનાઓના સંયોજન સાથે સંકળાયેલો છે: એક સુપરમૂન અને બ્લૂ મૂન.
 
એક કૅલેન્ડર મહિનામાં બે પૂર્ણ ચંદ્ર આવે છે. બે પૂર્ણ ચંદ્રો વચ્ચેનો સમય લગભગ 29.5 દિવસનો હોય છે. પરંતુ એવું શક્ય છે કે, મહિના ના અંત સુધી બીજો પૂર્ણ ચંદ્ર પણ દેખાય. અને આ જે બીજો પૂર્ણ ચંદ્ર છે એને જ આપણે બ્લૂ મૂન કહીએ છીએ.
 
આ મહિને જે બ્લૂ મૂન આવે છે તેને 'માસિક બ્લૂ મૂન' તરીકે ઓળખવામાં આવે છે, જેને 'કૅલેન્ડ્રિકલ બ્લૂ મૂન' તરીકે પણ ઓળખવામાં આવે છે.
 
બ્લૂ મૂન દુર્લભ છે, તે દર બેથી ત્રણ વર્ષમાં લગભગ એક વાર થાય છે, અને છેલ્લો બ્લૂ મૂન 31 ઑક્ટોબર 2020 ના રોજ જોવા મળ્યો હતો.
 
સુપરમૂન ત્યારે થાય છે જ્યારે ચંદ્ર તેની ભ્રમણકક્ષામાં પૃથ્વીની નજીકના બિંદુએ પહોંચે છે, જેના પરિણામે ચંદ્ર રાત્રિના આકાશમાં મોટો અને તેજસ્વી દેખાય છે.
 
આ બે ઘટનાઓનું સંયોજન અદ્ભુત નજારો બનાવે છે જે આકાશ નિહાળનારાઓને મોહિત કરે છે.
 
એક સુપરમૂન પ્રમાણભૂત પૂર્ણ ચંદ્ર કરતાં લગભગ સાત ટકા મોટો અને લગભગ 15 ટકા વધુ ઊજળો દેખાય છે.
 
ઍસ્ટ્રોનૉમી આયર્લેન્ડ મુજબ, સુપર બ્લૂ મૂન છેલ્લે 2009માં બન્યો હતો અને 2037 સુધી ફરીથી બનશે નહીં.
 
સુપરમૂન શું છે?
ચંદ્ર પૃથ્વની ફરતે લંબગોળાકાર ભ્રમણકક્ષામાં ફરે છે. જ્યારે ચંદ્ર આ ભ્રમણકક્ષામાં સૌથી દૂરના બિંદુ પર પહોંચે ત્યારે ચંદ્ર ક્યારેક નાનો દેખાય છે. આ બિંદુ પૃથ્વી કરતા 405,500 કિલોમીટર દૂર છે.
 
એટલે જ્યારે તે પૃથ્વીની નજીક પહોંચે છે ત્યારે તે મોટો દેખાય છે. આ બિંદુ પૃથ્વી કરતા 363,300 કિલોમીટર દૂર છે.
 
જોકે આ અંતર વધુ નથી પરંતુ તેને નરી આંખે જોવું સરળ નથી. વિજ્ઞાન પ્રસારના વરિષ્ઠ વૈજ્ઞાનિક યી.વી. વેંકટેશ્વરન અનુસાર,"આપણે આ અંતર માત્ર ટેલિસ્કોપની મદદથી જોઈ શકીએ છીએ."
 
બ્લૂ મૂન શું છે
બ્લૂ મૂન તે એક જ મહિનામાં દેખાતો પૂર્ણ ચંદ્ર છે.
 
આ એક દુર્લભ ઘટના છે. વેંકટેશ્વરન કહે છે કે અંગ્રેજી કૅલેન્ડર સિસ્ટમને કારણે આવું થાય છે. યુરોપિયન કૅલેન્ડરમાં જુલાઈ અને ઑગસ્ટ મહિના રોમન શાસકો જુલિયસ સીઝર અને ઑગસ્ટસ સીઝરનાં નામ પર રાખવામાં આવ્યાં છે, બંને મહિનામાં 31 દિવસ આવે છે. એટલે કૅલેન્ડરમાં અન્ય મહિનામાં દિવસ ઘટે, જેમકે ફેબ્રુઆરીમાં 29 દિવસ આવે છે. જોકે ચંદ્રને પૃથ્વીનું એક ચક્કર લગાવવામાં 29.5 દિવસનો સમય લાગે છે.
 
અંગ્રેજી કૅલેન્ડર અનુસાર એક જ મહિનામાં બે પૂર્ણ ચંદ્ર એ એક દુર્લભ ઘટના છે.
 
વેંકટેશ્વરન અનુસાર આને બ્લૂ મૂન કહેવાય છે. અને આ કૅલેન્ડર પ્રમાણે બદલાયા કરે છે.
સુપર બ્લૂ મૂન ક્યારે અને કેવી રીતે જોવો?
સુપર બ્લૂ મૂન 30 ઑગસ્ટ 2023 ના રોજ, ભારતમાં અને સમગ્ર વિશ્વમાં દેખાશે. પરંતુ આ 30 ઑગસ્ટ 2023ની આગલી રાત અને 31 ઑગસ્ટ 2023ના દિવસે પણ સંપૂર્ણ દેખાશે.
 
ભારતમાં, બ્લૂ મૂન લગભગ 9:30 વાગ્યા (આઈએસટી) પર મહત્તમ ચમક હાંસલ કરે તેવી અપેક્ષા છે જ્યારે બ્લૂ સુપર મૂન 31 ઑગસ્ટના રોજ સવારે 7:30 વાગ્યાની આસપાસ મહત્તમ પર પહોંચશે.
 
આ નજારો જોવા માટે, સાંજના કલાકો દરમિયાન સૂર્યાસ્ત પછી તરત જ ચંદ્ર જોવો જોઈએ.
 
શું ચંદ્ર વાદળી દેખાશે?
દુર્ભાગ્યે, ના. ચંદ્ર વાદળી રંગનો દેખાશે નહીં. આને રૂપક તરીકે 'બ્લૂ મૂન' કહેવાય છે.
 
વાસ્તવમાં, ચંદ્ર જ્યારે ક્ષિતિજની નજીક હોય ત્યારે પીળો-નારંગી રંગ દેખાવાની શક્યતા વધુ છે, જ્યારે તે આકાશમાં ઊંચે ચઢે ત્યારે ગ્રે રંગમાં બદલાય તે પહેલાં.
 
સુપર બ્લૂ મૂનનું મહત્ત્વ શું છે?
ના, વિજ્ઞાન પ્રસારના વરિષ્ઠ વૈજ્ઞાનિક ટી.વી.વેંકટેશ્વરન અનુસાર આ માત્ર એક સંયોગ છે. માનવ ઇતિહાસમાં કૅલેન્ડરમાં થયેલા ફેરફારોને કારણે આવું બને છે.
 
તેમનું કહેવું છે કે ખગોળશાસ્ત્રમાં આનું કોઈ ખાસ મહત્ત્વ નથી. પરંતુ હા ચંદ્રને નિહાળનારાઓ માટે આ ખાસ જરૂર છે.