ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ચંદ્રયાન-3
Written By
Last Modified: બુધવાર, 23 ઑગસ્ટ 2023 (18:46 IST)

ભારતે ચંદ્ર પર પહોંચીને રચ્યો ઇતિહાસ, ચંદ્રયાન-3નું દક્ષિણ ધ્રુવ પર સફળ લૅન્ડિંગ

india on moon
ભારતના ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લૅન્ડિંગ થઈ ગયું છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો) જો આ પ્રયાસમાં સફળ રહેતા આવું કરનારો ભારત પ્રથમ દેશ બની ગયો છે.
 
ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લૅન્ડ થયા બાદ ભારતે ઇતિહાસ રચી દીધો છે.
 
ચંદ્રયાન-3ની ચંદ્ર પર સફળ લૅન્ડિંગ બાદ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)ના પ્રમુખ એસ. સોમનાથે અભિયાન સફળ થયાની જાહેરાત કરી હતી.
 
ઇસરો ચીફે વડા પ્રધાન મોદીનું અભિવાદન કરતાં તેમને આ ઉપલબ્ધિ અંગે બોલવા આમંત્રિત કર્યા.
 
તેમણે કહ્યું, “હું આપણા પીએમને આપણને આશીર્વાદ આપવા કહીશ.”
 
બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકા ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચુઅલી દેશવાસીઓને સંબોધિત કર્યા.
 
વડા પ્રધાન મોદીએ કહ્યું, “પરિવારજનો, જ્યારે આપણે નરી આંખે આવો ઇતિહાસ રચાતા જોઈએ છીએ ત્યારે જીવન ધન્ય થઈ જાય છે. આ પળ અવિસ્મરણીય છે. આ એક અભૂતપૂર્વ પળ છે. આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદની છે. આ ક્ષણ નવા ભારતના જયઘોષની છે. આ ક્ષણ મુશ્કેલીઓનો મહાસાગર પાર કરવાની છે. આ ક્ષણ જીતના ચંદ્રપથ પર ચાલવાની છે. આ ક્ષણ 140 કરોડ ધબકારાના સામર્થ્યની છે. આ ક્ષણ ભારતમાં નવી ઊર્જા, નવી ચેતનાની છે.”
 
તેમણે કહ્યું, “ઇસરોએ વર્ષો સુધી આ પળ માટે ખૂબ પરિશ્રમ કર્યો છે. હું 140 કરોડ દેશવાસીઓને અભિનંદન પાઠવું છું.”
 
“આપણા વૈજ્ઞાનિકોનાં પરિશ્રમ અને પ્રતિભાથી દેશ ચંદ્રના એ દક્ષિણ ધ્રુવ સુધી પહોંચ્યો છે, જ્યાં વિશ્વનો કોઈ પણ દેશ નથી પહોંચી શક્યો. હવે ચંદ્ર સાથે જોડાયેલાં મિથ બદલાઈ જશે, નવી પેઢી માટે કહેવતો પણ બદલાશે.”
 
નોંધનીય છે કે ઇસરોએ આ મિશનનું સીધું પ્રસારણ સાંજે 5:20 વાગ્યાથી શરૂ કરી દીધું હતું.
 
ચંદ્રયાન-2 નિષ્ફળ રહ્યા બાદ ચંદ્રયાન-3 મિશન 14 જુલાઈના રોજ લૉન્ચ કરવામાં આવ્યું હતું. 5 ઑગસ્ટના રોજ ચંદ્રયાન-3એ ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કર્યો હતો.
 
ચંદ્રયાન-3માં એક લૅન્ડર, એક રૉવર અને એક પ્રૉપલ્શન મૉડ્યુલ લાગેલાં છે. જેનું કુલ વજન 3,900 કિલોગ્રામ છે.
 
ચંદ્રયાન-3 ભારતના ચંદ્ર-અભિયાનનું ત્રીજું અવકાશયાન છે. 17 ઑગસ્ટના રોજ બંને મૉડ્યૂલ રૉવર અને લૅન્ડર સ્પેસક્રાફ્ટથી અલગ થયાં હતાં.
 
ઉલ્લેખનીય છે કે રશિયાનું ચંદ્ર-અભિયાન 'લૂના-25' નિષ્ફળ ગયા બાદ ચંદ્રયાન-3 અભિયાન પર વિશ્વ આખું મીટ માંડીને બેઠું હતું.
 
ચંદ્રયાન-3 મિશનનો ઉદ્દેશ
india on moon
india on moon
 
ચંદ્રયાન-3 મિશનનું બજેટ રૂ. 615 કરોડનું હોવાનું કહેવાય છે. ઇસરોના જણાવ્યા મુજબ, ચંદ્રયાન-3 મિશનના મુખ્ય ત્રણ ઉદ્દેશ છે. (1) ચંદ્ર પર સફળ ઉતરાણ (2) ચંદ્રની સપાટી પર સંચાર કરી શકવાની રોવરની ક્ષમતાનું પ્રદર્શન (3) વૈજ્ઞાનિક અવલોકનની નોંધ.
 
ચંદ્રયાન-2ની જેમ ચંદ્રયાન-3માં પણ એક લૅન્ડર (એક વાહન, જે ગ્રહ પર ઊતારવામાં આવશે) અને એક રૉવર(ગ્રહની સપાટી પર સંચાર કરનાર યાન)નો સમાવેશ થાય છે. આ લૅન્ડર તથા રૉવરને ચંદ્ર પરના એક દિવસના સૂર્યપ્રકાશ પર કામ કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યાં છે. તેનો અર્થ એ થાય કે તેઓ પૃથ્વીના 14 દિવસના સમયગાળા સુધી અવલોકન નોંધવાનું ચાલુ રાખશે.
 
ભારતે ચંદ્રયાન-2 મિશન વખતે યાનને ચંદ્ર પર ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ 'વિક્રમ' લૅન્ડર ચંદ્ર પર તૂટી પડ્યું હતું. તે નિષ્ફળતામાંથી પાઠ ભણીને ચંદ્રયાન-3માં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે. આ મિશન ચંદ્રની સપાટી પરની રાસાયણિક તથા કુદરતી સામગ્રી, માટી અને પાણીનો અભ્યાસ કરીને ચંદ્ર વિશેના આપણા જ્ઞાનમાં વધારાનો પ્રયાસ કરશે.
 
આ યાન પર સિસ્મોમીટર (ભૂકંપની તીવ્રતા માપવાનું યંત્ર) જેવાં ઉપકરણો પણ લગાવવામાં આવ્યાં છે. આ સાધનો ચંદ્રની સપાટીની ઊર્જા અને વાતાવરણની રચનાનો અભ્યાસ કરશે તેમજ મિશનના કેટલાંક અન્ય સાધનો ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીનો અભ્યાસ કરશે.
 
ચંદ્રયાન-3નું મહત્ત્વ
chandrayaan 3
chandrayaan 3
રશિયાનું ચંદ્ર-અભિયાન 'લૂના-25' નિષ્ફળ રહેતાં ચંદ્રયાદન-3ને લઈને વિશ્વની ઉત્સુકતા વધી ગઈ છે. ચંદ્રયાન-3 ભારત માટે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ વિજ્ઞાન માટે મહત્ત્વપૂર્ણ છે. આ મિશનમાં લૅન્ડરને ચંદ્રની સપાટી પર એવી જગ્યાએ ઉતારવામાં આવશે, જ્યાં પહેલાં કોઈ પહોંચ્યું ન હોય. એ ઉપરાંત આ અવકાશયાન અગાઉના ચંદ્ર મિશનમાંથી મળેલા જ્ઞાનમાં ઉમેરો કરી શકે છે. તે ભવિષ્યના ચંદ્ર મિશન માટે માનવ ક્ષમતાનો વધુ વિકાસ કરી શકે છે.
 
ચંદ્રયાન-3 ઇસરોનું 'ઇન્ડિયન લ્યુનર ઍક્સપ્લોરેશન પ્રોગ્રામ' એટલે કે ચંદ્ર-સંશોધન કાર્યક્રમનું ત્રીજું મિશન છે. ભારતે 2008માં ચંદ્રયાન-1 મોકલ્યું હતું અને એ સાથે ચંદ્ર-અભિયાન આદરનારાં રાષ્ટ્રોમાં ભારતનો સમાવેશ થઈ ગયો હતો.
 
ચંદ્રયાન-1 મિશનમાં એક ઑર્બિટર એટલે કે ભ્રમણકક્ષામાં ફરનાર એક કૃત્રિમ ઉપગ્રહ અને ઇમ્પેક્ટર એટલે કે ચંદ્રની સપાટી પરના નાનાં અવકાશયાનનો સમાવેશ થતો હતો.
 
તે ઈમ્પેક્ટર ચંદ્ર પરના શેકટલન ક્રેટર સાથે અથડાયું ત્યારે ભારત ચંદ્ર પર ઝંડો ફરકાવનારો ચોથો દેશ બન્યો હતો. 312 દિવસ પછી ઑગસ્ટ, 2009માં ચંદ્રયાન-1 સાથેનો સંપર્ક તૂટી ગયો હતો, પરંતુ ઇસરોએ જાહેર કર્યું હતું કે મિશનનો 95 ટકા ઉદ્દેશ સફળ થઈ ગયો છે.
 
જોકે, ભારત માટે આ મિશ્ર સફળતા એક મોટો કુદકો હતી. ચંદ્રયાન-1 મિશને ચંદ્રની સપાટી પર પાણીના અણુઓનું અસ્તિત્વ શોધવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 10 વર્ષ પછી 2019ની 22 જુલાઈએ ચંદ્રયાન-2 અવકાશમાં રવાના કરવામાં આવ્યું હતું.
 
એ મિશનમાં ઑર્બિટરની સાથે વિક્રમ નામનું લૅન્ડર ચંદ્ર પર ઉતારવાનું અને પ્રજ્ઞાન રોવર દ્વારા ચંદ્રની સપાટીના અભ્યાસનું આયોજન હતું, પરંતુ 2019ની 6 સપ્ટેમ્બરે ચંદ્ર પર ઉતરાણનો પ્રયાસ કરતી વખતે વિક્રમ લૅન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. તેના અવશેષ ત્રણ મહિના પછી મળી આવ્યાની જાહેરાત અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા નાસાએ કરી હતી.
 
વિક્રમ લૅન્ડર નિષ્ફળ રહ્યું હતું, પરંતુ ઑર્બિટરે તેનું કામ સારી રીતે કર્યું હતું. તેનાથી ચંદ્ર અને તેના વાતાવરણ વિશે નવી વૈજ્ઞાનિક માહિતી મળી હતી.