રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 10 એપ્રિલ 2022 (10:37 IST)

શું છે XE વૅરિયન્ટ? XE વૅરિયન્ટ કેટલો ખતરનાક છે?

નોંધનીય છે કે ઓમિક્રૉન વૅરિયન્ટની ચેપ ફેલાવવાની અભૂતપૂર્વ ક્ષમતાના કારણે ગત શિયાળાની ઋતુમાં ભારતમાં કોરોના વાઇરસ મહામારીની ત્રીજી લહેર આવી હતી.
 
હવે નવા XE વૅરિયન્ટને કારણે ચોથી લહેર આવશે તેવી શક્યતા કેટલાક નિષ્ણાતો વ્યક્ત કરી ચૂક્યા છે. નોંધનીય છે કે પાછલા અમુક સમયથી ભારતમાં દૈનિક ધોરણે કોરોનાના નવા કેસો ઓછી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે.
 
ઓમિક્રૉન વૅરિયન્ટના બે સબ-વૅરિયન્ટ, BA.1 અને BA.2 મુખ્યત્વે જોવા મળ્યા હતા. જે પૈકી BA. 2 એ BA.1 કરતાં વધુ ચેપી હતો. જોકે તે વધુ જોખમી નહોતો. તેની પ્રસારક્ષમતાના કારણે જ વિશ્વના કુલ કેસો પૈકી ઓમિક્રૉનના BA. 2 વૅરિયન્ટના લગભગ 94 ટકા કેસો જોવા મળ્યા હતા.
 
XE વૅરિયન્ટએ એ આ BA.1 અને BA.2નું પુન: સંયોજન છે. તેનો અર્થ એ થયો કે તે BA.1 અને BA.2 વૅરિયન્ટના મ્યુટેશન ધરાવે છે. તેનો પ્રથમ કેસ જાન્યુઆરી, 2022માં યુનાઇટેડ કિંગ્ડમમાં મળી આવ્યો હતો.
 
XE જેવા પુન: સંયોજનવાળા વૅરિયન્ટ પેદા થવા એ અસામાન્ય બાબત નથી. વાઇરસમાં જેનેટિક મ્યુટેશન થવું એક ખૂબ જ સામાન્ય પ્રક્રિયા છે. પરંતુ આ પ્રકારના મ્યુટેશનથી વાઇરસના ચેપની પ્રસારક્ષમતા અને ગંભીરપણા પર નકારાત્મક અસર થઈ શકે છે.
 
WHOએ પણ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સમય પસાર થતાં નવા નવા પુન: સંયોજક વૅરિયન્ટોની પેદા થવાની શક્યતા વધુ છે.
 
XE વૅરિયન્ટ કેટલો ખતરનાક છે?
હાલ પ્રાપ્ત માહિતી અનુસાર XE વૅરિયન્ટ એ ઓમિક્રૉનની સરખામણીએ અલગ નથી. પરંતુ એટલું જરૂર છે કે આ વૅરિયન્ટ ઓમિક્રૉનના BA.2 વૅરિયન્ટ કરતાં 10 ટકા વધુ ચેપી હોઈ શકે છે.
 
પરંતુ આ વાત હજુ સુધી કન્ફર્મ થઈ શકી નથી. આ સિવાય તે ઓમિક્રૉનના અન્ય પ્રકારો કરતાં વધુ જોખમી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.
 
WHOના એક નિવેદન અનુસાર, "જ્યાં સુધી પ્રસારક્ષમતા અને રોગની લાક્ષણિકતાઓમાં નોંધપાત્ર તફાવત ન જોવા મળે ત્યા સુધી XE એ ઓમિક્રૉનનો જ ભાગ છે."