બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 21 નવેમ્બર 2021 (10:31 IST)

રાજસ્થાનમાં કૉંગ્રેસના તમામ મંત્રીઓએ રાજીનામાં કેમ આપ્યાં?

રાજસ્થાનમાં શનિવારે સાંજે મુખ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીપરિષદની બેઠકમાં તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દીધાં છે.
 
આ પહેલાં 'એક વ્યક્તિ, એક પદ' અંતર્ગત ત્રણ મંત્રીઓએ રાજીનામાં આપ્યાં હતાં, જે સ્વીકારી લેવામાં આવ્યાં હતાં.
 
રાજીનામું આપી ચૂકેલા પરિવહનમંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસે બીબીસીને ફોન પર માહિતી આપતાં કહ્યું કે, "મંત્રીપરિષદની બેઠકમાં પ્રદેશાધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરાના પ્રસ્તાવ પર તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યાં છે."
 
તેમણે કહ્યું કે આ બેઠકમાં રાજ્યના પ્રભારી અજય માકન પણ ઉપસ્થિત રહ્યા હતા.
તેમના જણાવ્યા પ્રમાણે રવિવારે બપોરે કૉંગ્રેસના પ્રદેશ કાર્યાલયમાં બેઠક બોલાવાઈ છે.
નવા મંત્રી કોણ હોઈ શકે?
 
નવા મંત્રીમંડળમાં સરકારને સમર્થન આપનારા 13 અપક્ષ ધારાસભ્યોને સ્થાન મળી શકે છે, સાથે જ બીએસપી છોડીને કૉંગ્રેસમાં આવેલા છ ધારાસભ્યોને મંત્રી બનાવી શકે છે.
 
એ સિવાય રઘુ શર્માના સ્થાને કોઈ બ્રાહ્મણ ચહેરાને અને હરીશ ચૌધરીના સ્થાને કોઈ જાટ ચહેરાને નવા મંત્રીમંડળમાં જગ્યા મળશે, એવી પણ શક્યતા છે.
 
સચીન પાઇલટના જૂથના પણ ત્રણથી ચાર ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળવાની સંભાવના છે.
 
મંત્રીમંડળમાં ખાલી પડેલા નવ પદો ભરવા અંગે પણ લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી.
 
હવે તમામ મંત્રીઓનાં રાજીનામાં બાદ એવું ચર્ચાઈ રહ્યું છે કે આ 2023ની વિધાનસભાની ચૂંટણી માટે કૉંગ્રેસની રણનીતિ છે. 
 
કૉંગ્રેસ ગુજરાત ભાજપના રસ્તે?
તાજેતરમાં ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિત આખા મંત્રીમંડળે રાજીનામાં આપી દીધાં હતાં.
 
જે બાદ નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર રચવામાં આવી હતી અને જૂના એક પણ મંત્રીને નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું.
 
જેને 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની ભાજપની રણનીતિ તરીકે જોવામાં આવે છે.
 
વિશ્લેષકોના મતાનુસાર ભાજપ ઍન્ટિ-ઇન્કમ્બન્સીને ખાળવા માટે આ ચાલ ચાલ્યો છે.