ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 20 જૂન 2023 (06:27 IST)

ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર મુદ્દે વિવાદ કેમ, કેવો રહ્યો છે ગાંધી અને પ્રેસનો ઈતિહાસ ?

geeta press
geeta press
કૉંગ્રેસ નેતા જયરામ રમેશે ગીતા પ્રેસ ગોરખપુરને વર્ષ 2021નો ગાંધી શાંતિ પુરસ્કાર મળવાની નિંદા કરી છે. તેમણે ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર આપવાની સરખામણી સાવરકર અને ગોડસેને સન્માનિત કરવા સાથે કરી છે. 
 
તેમણે ટ્વીટ કર્યું છે કે અક્ષય મુકુલે આ સંગઠન પર બહુ જ સારું પુસ્તક લખ્યું છે, જેમાં મહાત્મા ગાંધીની સાથે તેમના સંબંધો અને રાજનૈતિક, ધાર્મિક અને સામાજિક મોર્ચે ચાલી રહેલી લડાઈનો અંદાજ આવે છે.  જયરામ રમેશે લખ્યું છે કે, “આ નિર્ણય ખરેખર તો સાવરકર અને ગોડસેને સન્માનિત કરવા સમાન છે”
 
કૉંગ્રેસની આ ટીકા મુદ્દે ભાજપે સામે જવાબ આપ્યો છે.
 
સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતી વખતે ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે કૉંગ્રેસ પાર્ટીની સૌથી મોટી મુશ્કેલી એ છે કે તે પરિવારના માળા અને પપ્પુના આડંબરમાંથી ઊંચી નથી આવી શકતી. નકવીએ કહ્યું કે, “તેમને લાગે છે કે તમામ નોબલ પુરસ્કાર, બધાં જ સન્માન માત્ર એક જ પરિવારના માળામાં સીમિત રહેવાં જોઈએ. ગીતા પ્રેસે દેશનાં સંસ્કાર, સંસ્કૃતિ અને દેશની સમાવેશવાળી વિચારધારાને સુરક્ષિત રાખી છે.”
 
તો ગીતા પ્રેસના પ્રબંધક લાલમણિ તિવારીએ જણાવ્યું કે તેઓ કેન્દ્ર સરકાર તરફથી અપાયેલા આ પુરસ્કારનો સ્વીકાર કરશે, પરંતુ તેની સાથે મળનારી એક કરોડ રૂપિયાની રાશિ નહીં લે.
 
તેમણે કહ્યું, "અમે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર અને ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ગાંધી શાંતિ પુરસ્કાર પ્રદાન કરવા માટે આભાર માનીએ છીએ. કોઈ પણ પ્રકારનું દાન ન સ્વીકારવું એ અમારો સિદ્ધાંત છે. આથી ન્યાસ બોર્ડે નિર્ણય લીધો છે કે અમે ચોક્કસ આ પુરસ્કારના સન્માન માટે પુરસ્કાર સ્વીકારીશું, પણ તેની સાથે મળનારી ધનરાશિ નહીં લઈએ."
 
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર મળવા માટે શુભેચ્છા પાઠવી છે. શાહે ટ્વીટ કર્યું કે, “ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર 2021 મળવો તેમના તરફથી કરવામાં આવી રહેલા આ ભગીરથ કાર્યોનું સન્માન છે.”
 
શું છે ગાંધી શાંતિ પુરસ્કાર?
 
ગાંધી શાંતિ પુરસ્કાર ભારત સરકાર તરફથી દર વર્ષે આપવામાં આવે છે. વર્ષ 1995માં મહાત્મા ગાંધીની 125મી જયંતીના અવસર પર આ પુરસ્કારને શરૂ કરવામાં આવ્યો હતો. ગીતા પ્રેસને આ પુરસ્કાર ‘અહિંસા અને ગાંધીવાદી તરીકે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ક્ષેત્રમાં બદલાવ લાવવામાં ઉત્કૃષ્ટ યોગદાન’ માટે અપાઈ રહ્યો છે.
 
સંસ્કૃતિ મંત્રાલયે જણાવ્યું કે આ પુરસ્કારની સાથે એક કરોડ રૂપિયાની રકમ આપવામાં આવે છે. આની પહેલાં આ પુરસ્કાર ઇસરો, રામકૃષ્ણ મિશન, બાંગ્લાદેશ ગ્રામીણ બૅન્કને આપવામાં આવ્યો હતો.
 
તો બીજી બાજુ, આ પુરસ્કારથી દક્ષિણ આફ્રિકાના દિવંગત નેતા નેલ્સન મંડેલા અને બાબા આમટેને પણ સન્માનિત કરવામાં આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ્યૂરીએ સર્વસંમતિથી ગીતા પ્રેસ, ગોરખપુરને આ પુરસ્કાર આપવાનો નિર્ણય કર્યો છે.
 
શું છે ગીતા પ્રેસ અને તેનો ઇતિહાસ?
 
1920ના દાયકામાં બે મારવાડી વેપારીઓ જયદયાલ ગોયન્કા અને હનુમાન પ્રસાદ પોદ્દારે ગીતા પ્રેસ અને ‘કલ્યાણ’ પત્રિકાની સ્થાપના કરી હતી.
સનાતન હિંદુત્વના ફેલાવામાં ગીતા પ્રેસ સૌથી જૂનો અને સફળ પ્રિન્ટ ઉપક્રમ છે. આનું સૌથી મોટું યોગદાન છે હિંદુ ધાર્મિક ગ્રંથોને સામાન્ય જનતા સુધી સૌથી સસ્તા દરે પહોંચાડવાનું છે.
 
ગીતા પ્રેસે ભગવદગીતા, તુલસીદાસની કૃતિઓ, પુરાણો અને ઉપનિષદોની કરોડો પ્રતો વેચી છે. એ કહેવું ખોટું નહીં ગણાય કે સનાતન હિંદુત્વની માન્યતાઓને ગીતા પ્રેસે ઘર-ઘર સુધી પહોંચાડી છે અને હિંદુત્વ પુનરોત્થાનવાદીઓના મિશનમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
 
ગીતા પ્રેસની માસિક પત્રિકા ‘કલ્યાણ’ની આજે પણ બે લાખ પ્રતો વેચાય છે. અંગ્રેજી માસિક આવૃત્તિ ‘કલ્યાણ કલ્પતરુ’ની એક લાખથી વધુ પ્રતો ઘરો સુધી પહોંચે છે. ભગવદગીતા, રામતચરિતમાનસ, ઉપનિષદ વગેરે હિંદુ ધર્મ ગ્રંથો સહિત ‘કલ્યાણ’ નામની પત્રિકાએ સનાતન હિંદુ ધર્મના બિંદુઓ અને તેમની પ્રાચીન વિચારધારાને સામાન્ય લોકો સુધી પહોંચાડી. જોકે વેદોને છાપવાથી ગીતા પ્રેસે પોતાને દૂર રાખ્યું છે.
 
હિંદુ એકતા પર ભાર
 
પત્રકાર અને લેખક અક્ષય મુકુલે પુસ્તક ‘ગીતા પ્રેસ ઍન્ડ ધ મેકિંગ ઑફ હિંદુ ઇન્ડિયા’માં વિસ્તારથી ગીતા પ્રેસના આક્રમક હિંદુત્વ પર લખ્યું છે.
પત્રકાર અને લેખક અક્ષય મુકુલ લખે છે કે ગીતા પ્રેસની પત્રિકા ‘કલ્યાણ’ના લેખોની સૌથી મહત્ત્વની વાત એ હતી કે તેમાં હિંદુ સમાજના આંતરિક મતભેદો પર વાત નથી થતી.
 
અક્ષય મુકુલના મતે ગીતા પ્રેસ દલિતોના મંદિરપ્રવેશની વિરુદ્ધમાં હતું, જ્યારે હિંદુ મહાસભા એના પક્ષમાં હતી. હિંદુ મહાસભાનું કહેવું હતું કે દલિતોને ઉચ્ચ વર્ણની માયાજાળમાંથી બહાર કાઢવા જોઈએ. ‘કલ્યાણ’નું કહેવું હતું કે મંદિરમાં પ્રવેશ ‘અછૂતો’ માટે નથી અને જો તમે ‘નીચી જાતિ’માં જ જન્મ લીધો છે તો એ તમારા ગયા જન્મનાં કર્મોનું ફળ છે. તેમ છતાં ગીતા પ્રેસે ક્યારેય હિંદુ મહાસભાની ટીકા નથી કરી. 
 
ગાંધી અને ગીતા પ્રેસ
 
1940ના દશકમાં જ્યારે લાગતું હતું કે આઝાદી નજીક છે તો ભક્તિજ્ઞાન અને વૈરાગ્યની વાત કરનારા ‘કલ્યાણ’એ મહાસભાની ભાષા બોલવાની શરૂ કરી હતી.
‘જિન્ના ચાહે દેદે જાન, નહીં મિલેગા પાકિસ્તાન’ જેવા નારાથી એનાં પાનાં રંગાયેલાં હતાં.
 
શરૂઆતમાં હનુમાન પ્રસાદ પોદ્દારના મહાત્મા ગાંધી સાથે મધુર સંબંધ હતા, પરંતુ ધીરે-ધીરે સંબંધોમાં કડવાશ આવતી ગઈ. ગીતા પ્રેસની પત્રિકા ‘કલ્યાણ’એ 1940ના દાયકામાં મહાત્મા ગાંધી પર ઘણી વાર આકરા લેખ લખ્યા હતા.
 
‘ગીતા પ્રેસ ઍન્ડ ધ મેકિંગ ઑફ હિંદુ ઇન્ડિયા’ના લેખક અક્ષય મુકુલના મતે, 1951-52 ગોવિંદ વલ્લભ પંત હનુમાન પ્રસાદ પોદ્દારને ભારતરત્ન આપવા ઇચ્છતા હતા, એ ભૂલીને કે 1948માં મહાત્મા ગાંધીની હત્યા પછી જ્યારે 25 હજાર લોકોની ધરપકડ થઈ હતી, તેમાં પોદ્દાર પણ હતા.
 
આંબેડકર અને નેહરુ પર ગીતા પ્રેસ
 
આઝાદી પછી જ્યારે હિંદુ કોડ બિલ પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે ગીતા પ્રેસે મહિનાઓ સુધી જવાહરલાલ નેહરુ અને ડૉ. ભીમરાવ આંબેડકર પર આકરા પ્રહાર કર્યા હતા. ગીતા પ્રેસે વર્ણવ્યવસ્થાની તરફેણ કરી હતી અને તેનું માનવું હતું કે હિંદુ કોડ બિલ હિંદુઓની વિરુદ્ધ છે અને તેના પ્રભાવમાં આવવાથી બિન-હિંદુ જમાઈ દીકરીઓ લગ્ન કરી ઘરે આવી જશે.
 
ગીતા પ્રેસની પત્રિકા ‘કલ્યાણ’એ આ મિશન બંધારણ સભાના બનવાથી લઈને એ સમય સુધી ચલાવ્યું જ્યારે વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ હિંદુ કોડ બિલને ચાર ભાગમાં પાસ ન કરી દીધું. 1951-52માં જ્યારે પ્રભુદત્ત બ્રહ્મચારી ચૂંટણીમાં નેહરુની વિરુદ્ધ ઊભા રહ્યા તો ‘કલ્યાણ’એ મિશન ચલાવ્યું કે લોકો પ્રભુદત્ત બ્રહ્મચારીને મત આપે, કારણ કે ‘કલ્યાણ’ અનુસાર નેહરુ અધર્મી હતા.
 
વર્ષ 2015માં બીબીસીના સહયોગી પત્રકાર કુમાર હર્ષની સાથે વાતચીતમાં ‘કલ્યાણ’ના સંપાદક રાધેશ્યામ ખેમકાએ જણાવ્યું હતું કે તમામ પ્રકાશન “મનુષ્ય જીવનનાં લક્ષ્યો અને કલ્યાણની ચર્ચા કરે છે. અમે આધ્યાત્મિક ઉન્નતિ માટે કૃતસંકલ્પ છીએ, કોઈ આક્રમકતા માટે નહીં”
 
વર્ણવ્યવસ્થા, ભેદભાવ, હિંદુત્વ, સનાતન પરંપરા વગેરે પર ગીતા પ્રેસની નીતિઓને લઈને ખેમકાએ કોઈ સીધો જવાબ નહોતો આપ્યો.