બુધવાર, 24 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Modified: શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2016 (16:24 IST)

નવરાત્રીમાં ગરબા રમવાના દાંડીયા ગોધરાના મુસ્લિમ કારીગરો તૈયાર કરે છે, વિદેશમાં પણ નિકાસ થાય છે.

નવરાત્રીની ઓળખ એટલે દિવડાં અને દાંડિયા. લાકડામાંથી દાંડિયા બનાવતા સુથાર હવે આધુનિક મશીન વાપરતા થયા છે તો લાકડા ઉપરાંત અન્ય સામગ્રીમાંથી દાંડિયા બનવા લાગ્યા છે. ત્યારે બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે  ગરબા રમવાના દાંડિયા ગોધરાના મુસ્લિમ કારીગરો દ્વારા બનાવવામાં આવે છે. આ શહેરમાં 100 જેટલા અને આજુબાજુના પંથકમાં 45 જેટલા દાંડિયા બનાવવાના કારખાના ધમધમી રહ્યાં છે. ગોધરાના પોલન બજારમાં દાંડિયા બનાવવાના સર્વાધિક કારખાના આવેલા છે. દૂરદર્શનના એક રીપોર્ટ મુજબ દાંડિયા બનાવનાર સલમાનભાઈનું કહેવું છે કે નવરાત્રીના 4 મહિના પહેલાથી દાંડિયા બનાવવાનું કામ ચાલુ કરવામાં આવે છે, કારીગરો દ્વારા વિવિધ પ્રકારના દાંડિયા બનાવાય છે, જેમાં સિલ્વર,પેઇન્ટિંગ વાળા ,બે રંગવાળા,ત્રિરંગા એમ 12 રૂપિયાથી લઇ 25 રૂપિયા સુધી જુદા-જુદા ભાવના દાંડિયાની જોડ આવે છે. આ દાંડિયાના કારખાનામાં 900થી વધુ મુસ્લિમ યુવાનો રોજગારી મેળવી રહ્યાં છે. આ યુવાનો નવરાત્રીના 4 મહિના અગાઉથી જ દાંડિયા બનાવવાના કામે લાગી જાય છે અને રોજ ના 250થી 300 રૂપિયાની કમાણી કરે છે. ગોધરામાં બનેલા દાંડિયાની ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને વિદેશમાં પણ અહીંથી જ નિકાસ કરવામાં આવે છે. વિદેશમાં અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા જેવા દેશોમાં અહીંના મુસ્લિમોએ બનાવેલા દાંડિયા વેપારીઓ દ્વારા ખરીદી નિકાસ કરવામાં આવે છે. નવરાત્રીની સીઝનમાં એક કારખાના દીઠ 3 લાખ ઉપરાંતની આવક થાય છે. આ કારખાનાવાળાઓ પાસેથી ગુજરાત અને ગુજરાત બહારના વેપારીઓ દાંડિયા જથ્થાબંધ લઈ જાય છે. ગૃહ ઉદ્યોગ તરીકે મુસ્લિમ પરિવારોમાં વિકસેલા આ દાંડિયા બનાવવાનો વ્યવસાય એક કોમી એખલાસતાનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે.