સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. રમત
  3. ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024
Written By
Last Modified: સોમવાર, 12 ઑગસ્ટ 2024 (12:41 IST)

પેરિસ ઑલિમ્પિકનું સમાપન, લૉસ ઍન્જેલિસને સોંપાઈ યજમાની, કોને કેટલા મેડલ મળ્યા

Paris Olympics
ફ્રાન્સના પાટનગર પેરિસમાં 26 જુલાઈથી ચાલી રહેલા પેરિસ ઑલિમ્પિક 2024નું રવિવારે સમાપન થયું હતું.
 
ભારતીય સમય પ્રમાણે ઑલિમ્પિક સમાપન સમારંભ રવિવારે રાત્રે 12 : 30 વાગ્યે પેરિસના સ્ટેડિયમમાં યોજાયો હતો.
 
સમાચાર એજન્સી પીટીઆઈએ વૅરાઇટી મેગેઝિનના હવાલેથી કહ્યું હતું કે સમાપન સમારંભમાં અમેરિકાના આર્ટિસ્ટ બિલી ઇલિશ, સ્નૂપ ડૉગ અને રેડ હૉટ ચિલી પેપર્સે પર્ફોરમન્સ આપ્યું.
 
હૉલિવુડ અભિનેતા ટૉમ ક્રુઝ પણ પેરિસ ઑલિમ્પિકના સમાપન સમારંભમાં સામેલ થયા હતા અને ઑલિમ્પિકના ઝંડાને હાથમાં લીધો હતો.
 
સમારંભ દરમિયાન દરેક વિજેતા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું અને ઑલિમ્પિકનો ઝંડો લૉસ એન્જેલિસને સોંપવામાં આવ્યો જે 2028માં થનારા ઑલિમ્પિકની યજમાની કરશે.
 
આ સમારંભમાં ભારત તરફથી ધ્વજવાહક મનુ ભાકર અને હૉકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ રહ્યાં હતાં.
 
ઑલિમ્પિકમાં કોણે જીત્યા સૌથી વધારે મેડલ?
ઑલિમ્પિકના અંતિમ દિવસે ભારતનો કોઈ મુકાબલો ન હતો. આ ઑલિમ્પિકમાં એક સિલ્વર અને પાંચ બ્રૉન્ઝ મેડલ સાથે ભારતે કુલ છ મેડલ જીત્યા.
 
ઑલિમ્પિક દરમિયાન કુશ્તીના ફાઇનલમાં મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટને મૅચના થોડા કલાકો પહેલાં જ 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે અયોગ્ય જાહેર કરાયાં હતાં. તેમને કોઈ મેડલ આપવાનો પણ 
 
ઇનકાર કરાયો હતો.
 
આ મામલે તેમની અપીલ પર નિર્ણય થવાનો હજી બાકી છે. જો નિર્ણય ફોગાટના પક્ષમાં આવશે તો ભારતના મેડલની સંખ્યા સાત થઈ જશે.
 
ફોગાટને અયોગ્ય જાહેર કરવાના નિર્ણયને કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર સ્પોર્ટ્સમાં પડકારાયો છે. કોર્ટ મંગળવારે સાંજે છ વાગ્યા સુધીમાં પોતાનો નિર્ણય જણાવશે.
 
પેરિસ ઑલિમ્પિકમાં પદકની રેસમાં ભારત 71માં સ્થાને છે. ત્રણ વર્ષ પહેલાં યોજાયેલા ટોક્યો ઑલિમ્પિક 2020માં ભારત સાત મેડલ (એક ગોલ્ડ) સાથે પદકની રેસમાં 48માં સ્થાન પર હતું.
 
પેરિસ ઑલિમ્પિકમાં 40 ગોલ્ડ, 44 સિલ્વર અને 42 બ્રૉન્ઝ સાથે અમેરિકાએ સૌથી વધારે 126 મેડલ જીત્યા. જ્યારે 40 ગોલ્ડ, 27 સિલ્વર અને 24 બ્રૉન્ઝ સાથે કુલ મળીને 91 મેડલ સાથે ચીન બીજા સ્થાને રહ્યું.
 
ત્રીજા સ્થાને જાપાન છે, જેને કુલ 45 મેડલો જીત્યા જે પૈકી 20 ગોલ્ડ મેડલ છે. લગભગ 114 એવા દેશો છે જેને એક પણ મેડલ ન મળ્યો.
 
ટોક્યો ઑલિમ્પિકમાં અમેરિકા 39 ગોલ્ડ સાથે પ્રથમ ક્રમાંકે અને ચીન 38 ગોલ્ડ સાથે બીજા ક્રમાંકે હતો.