1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Updated : ગુરુવાર, 20 ઑગસ્ટ 2015 (15:34 IST)

ઓબીસીનું સ્ટેટસ મેળવવા હવે બ્રાહ્મણોની અનામત માંગણી

ગુજરાતમાં ઓબીસીનું સ્ટેટસ મેળવવા પટેલ આગેવાનો મેદાને પડ્યા પછી રાજ્યમાં બ્રાહ્મણ સમાજે પણ માથું ઉચક્યું છે.બ્રાહ્મણોને અનામતનો લાભ આપવા તેમજ બ્રાહ્મણ આર્થિક વિકાસ નિગમની સ્થાપના કરવા રાજ્ય સરકારને અનુરોધ કરવામાં આવ્યો છે. આ અંગેની એક બેઠક 18મી ઓગષ્ટે અમદાવાદમાં રાખવામાં આવી છે.

ભાજપની સરકારને પાટીદાર આંદોલનની સમસ્યા સતાવી રહી છે ત્યારે અન્ય સવર્ણો પણ અનામત માટે આંદોલન કરી રહ્યા છે. ક્ષત્રિયો પછી બ્રાહ્મણોએ પણ તેમના આંદોલનના કાર્યક્રમો ઘડી કાઢ્યા છે. સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષ જોષીએ જણાવ્યું છે કે રાષ્ટ્ર અને રાજ્યના વિકાસમાં સતત અને સંમત રીતે પોતાનો ફાળો આપનારા બ્રાહ્મણ સમાજ સરકારની અનામત નિતીના કારણે દયનીય સ્થિતિમાં આવી ગયો છે. અન્ય વર્ગોને આપવામાં આવતી અનામતના કારણે આ વર્ગ બુદ્ધિ-પ્રતિભામાં આગળ હોવા છતાં સતત પાછળ ધકેલાતો ગયો છે ત્યારે આ સમાજ પણ અન્યાય સહન કરી શકે તેમ નથી.

સમસ્ત બ્રહ્મ સમાજ અને સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજના સંયુક્ત ઉપક્રમે સરકાર પાસે આર્થિક માપદંડ આધારિત અનામત, શૈક્ષણિક ક્ષેત્રે અનામત તેમજ બ્રાહ્મણ આર્થિક વિકાસ નિગમની સ્થાપના કરવા ગુરાત રાજ્યના બ્રાહ્મણ સમાજની તમામ જ્ઞાતિઓના હોદ્દેદારોની એક બેઠક 18મી ઓગષ્ટના રોજ બપોરે બે કલાકે સત્તર તાલુકા બ્રાહ્મણ સમાજ ભવન, નવજીવન પ્રેસ રોડ, નવરંગપુરા, અમદાવાદમાં રાખવામાં આવી છે. આ બેઠકમાં સમાજના આગેવાનો તરફથી આંદોલનના કાર્યક્રમો નક્કી કરવામાં આવનાર હોવાનું શૈલેષ જોષીએ જણાવ્યું છે.