1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: સુરતઃ , ગુરુવાર, 10 માર્ચ 2016 (12:59 IST)

હાર્દિક પાસેથી બેગ લેવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ કોણ હતી?

રાજદ્રોહના ગુનામાં સુરતની લાજપોર જેલમાં બંધ હાર્દિક સામે વધુ એક ફરિયાદ નોંધાઇ હોવાનું જાણવા મળ્યું છે. થોડા સમય પહેલા જ હાર્દિકની બેરેકની બાજુમાંથી સેમસંગ અને જીઓમી મોબાઇલ મળી આવ્યા હતા. ગત મંગળવારે હાર્દિક પટેલને ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના કેસમાં વિસનગર કૉર્ટમાં રજૂ કરવાનો હોવાથી તેને લાજપોર જેલમાંથી વિસનગર લઈ જવાઈ રહ્યો હતો, ત્યારે તેણે કોઈ વ્યક્તિને એક બેગ આપવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, જાપ્તાના કોન્સ્ટેબલના ધ્યાનમાં આ વાત આવી જતાં બેગ લઈ લેવાઇ હતી. જેની તપાસ કરતાં બેગમાંથી મોબાઇલ ચાર્જર, બેટરી અને એક લેટર મળી આવ્યો હતો. જોકે, હાર્દિક જેને બેગ આપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તે પોલીસ જાણી શકી નહોતી.

આ અંગે હાર્દિક સામે જેલતંત્રએ સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. ત્યારે હવે પ્રશ્ન એ થાય કે, શું બેરેક પાસેથી મળી આવેલા મોબાઇલ હાર્દિકના જ હતા? હાર્દિક આ બેગ આપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તે વ્યક્તિ કોણ હતી? જો હાર્દિકે પત્ર લખેલો હતો, તો એમાં શું લખ્યું હતું? કે પછી હાર્દિકને વધુ એક કેસમાં ફિટ કરી દેવાનું કાવતરું છે?