ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: અમદાવાદઃ , સોમવાર, 21 માર્ચ 2016 (11:16 IST)

પાટીદાર અનામત - હાર્દીકના સાથીઓ આજે છુટશે !

રાજદ્રોહના આરોપમાં જેલમાં બંધ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કેતન પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બાંભણીયાને સોમવારે જામીન મળી જશે. આ ત્રણેય કાનૂની પ્રક્રિયા પતાવીને સોમવાર સાંજે અથવા મંગળવારે સવારે જેલની બહાર આવે ત્યારે તેમને આવકારવા માટે મોટી સંખ્યામાં પાટીદારોને ખડકી દેવાની હિલચાલ ચાલી રહી છે. એ વખતે કેતન પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બાંભણીયાને આંદોલનનું નેતૃત્વ કરવાની વિનંતી પણ કરાશે અને એ માટેની બાંહેધરી પણ લેવાશે.

કેતન પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બાંભણીયાએ ગયા ગુરૂવારે અમદાવાદ સેશન્સ કોર્ટમાં ફરી અનામત આંદોલનમાં ભાગ નહીં લેવાની અને ફરી આ પ્રકારનો ગુનો નહીં કરવાની લેખિતમાં બાંહેધરી આપી છે.
બીજી તરફ સરકારે પણ ત્રણેય આરોપી લેખિતમાં બાંહેધરી આપે એ  પછી તેમને જામીન મળે તે સામે વાંધો નથી તેવી રજૂઆત કરતાં કેતન પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બાંભણીયાના જેલમાંથી છૂટકારાનો માર્ગ મોકળો થઈ ગયો છે.   આ કેસમાં અત્યારે સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને હવે સોમવારે કૉર્ટ ચુકાદો આપશે, ત્યારે સરકાર સામે ઘુંટણીયે પડેલા કેતન, દિનેશ અને ચિરાગને જામીન મળી જ જશે એ હવે નક્કી છે.
કેતન પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બાંભણીયાએ ગુરૂવારે કોર્ટને લેખિતમાં ચાર મુદ્દે બાંહેધરી આપી હતી. આ બાંહેધરી પછી ખાસ સરકારી વકીલ એચ.એમ. ધ્રુવ, સરકારી વકીલો સુધીર બ્રહ્મભટ્ટ અને અમિત પટેલે એફિડેવિટ કરી હતી કે કેતન પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બાંભણીયાએ લેખિતમાં બાંહેધરી આપી છે તે જોતાં તેમને જામીન મળે તે સામે સરકારને વાંધો નથી. આ એફિડેવિટમાં એવું પણ લખાયું છે કે આરોપીઓ જેલમાં હતા ત્યારે તેમણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી કથળે તેવું કોઈ કૃત્ય કર્યું નથી.
સરકાર તરફથી આ રીતે કેતન પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બાંભણીયાના મામલે ઢીલું વલણ અપનાવાતાં ત્રણેય સોમવારે જામીન પર છૂટી જશે એ નક્કી છે.