સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: ગુરુવાર, 30 ઑગસ્ટ 2018 (17:24 IST)

ઉપવાસનાં છઠ્ઠા દિવસે હાર્દિકે જળ ત્યાગ કર્યો, ચાર કિલો વજન ઘટ્યું

પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલના ઉપવાસનો આજે છઠ્ઠો દિવસ છે. હાર્દિક પટેલે બુધવારે ફેસબૂક પર લાઈવ થઈને જનતાને જણાવ્યું હતું કે તે ઉપવાસનાં છઠ્ઠા દિવસથી પાણીનો પણ ત્યાગ કરશે.  હાર્દિક પટેલે આજે તેનાં ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યું છે કે ‘સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે જનતંત્રમાં જનતાનાં અવાજને કોઈ પણ સરકાર દબાવી ન શકે. જો જનતાના અવાજને દબાવવામાં આવશે તો મોટો ધડાકો થશે. ગુજરાતમાં પણ આવી જ રીતે જનતાનાં અવાજને દબાવવામાં આવી રહ્યો છે. હું દાવા સાથે કહું છું કે, આ સંપૂર્ણ લોક ક્રાંતિનું આહવાન છે. જનતાનો અવાજ દબાવાઈ રહ્યો છે. સત્તા વિરુદ્ધ જનતા જરૂરથી એક દિવસ વિસ્ફોટ કરશે.’
હાર્દિક પટેલે આજે રાજદ્રોહનાં કેસની સુનાવણી વખતે કોર્ટમાં હાજર રહેવાનું હતું પરંતુ હાર્દિકનાં વકીલે કોર્ટમાં જણાવ્યું કે હાર્દિકની તબિયત સારી ન હોવાનાં કારણે તે સુનાવણી દરમિયાન હાજર રહી શકે તેમ નથી. વકીલની આ રજૂઆતને કોર્ટે માન્ય રાખીને વિશેષ સુનાવણી ૧૪ સપ્ટેમ્બરનાં રોજ રાખી છે. કોર્ટે ૧૪ સપ્ટેમ્બરનાં રોજ તમામ આરોપીઓને હાજર રહેવા માટેનો આદેશ આપ્યો છે. 
ઉપવાસનાં પાંચમાં દિવસે જ હાર્દિકને શારીરિક અશક્તિ આવી ગઈ હતી. પાંચમાં દિવસે હાર્દિક પોતાની જાતે ઉભો થઈ શકવા માટે પણ સક્ષમ નહતો. પાંચમાં દિવસે હાર્દિક પટેલનું વજન એક કિલો કરતા વધુ ઘટી ગયું હતું. સોલા સિવિલના તબીબો દ્વારા મેડિકલ ચેકઅપ કર્યા બાદ જણાવાયું હતું કે, જો હાર્દિક ફ્રૂટ અને જ્યુસ નહીં લે તો કિડની પર વિપરીત અસર થઇ શકે છે. ગઈ કાલે કરાવેલ બ્લડ ચેકઅપ અને યુરીન રિપોર્ટ નોર્મલ આ‌વ્યો હતો. 
હાર્દિકની સારવાર લઈ રહેલ ડોક્ટરે જણાવ્યું કે શરીરમાં એસીટોનનું પ્રમાણ વધી ગયું છે જેની અસર કિડની અને હ્રદય પર થઈ શકે છે. હાર્દિકને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. તેમ જ તેનાં મગજ પર અસર થઈ શકે છે તેમજ તેનાં હ્રદયનાં દબકારા પણ અનિયમિત થઈ શકે છે. ગઈ કાલનાં વજનની સરખામણીએ આજે હાર્દિકનાં વજન ૬૦૦ ગ્રામ જેટલું ઘટ્યું છે. ડૉક્ટરે તેને પાણી અને લિક્વિડ લેવાની સલાહ આપી છે.  આ પાંચ દિવસમાં હાર્દિકનું વજન લગભગ ચાર કિલો જેવું ઘટ્યું હોવાનું જાણવા મળ્યું છે.