Last Updated : શનિવાર, 2 જાન્યુઆરી 2016 (17:31 IST)
સ્વ મયૂર પટેલના સ્મશાનયાત્રાની સેલ્ફી પર વિવાદ - પાટીદારો વચ્ચે મારામારી
પાટીદાર અનામત આંદોલન દરમિયાન પોલીસ ગોળીબારથી ઘાયલ થયેલા મહેસાણાના યુવક મયૂર પટેલના સારવાર દરમિયાન થયેલા મોત બાદ તેની સ્મશાનયાત્રામાં પાસના અગ્રણી અતુલ પટેલ દ્વારા લેવાયેલી સેલ્ફીનો વિવાદ હવે મારામારી સુધી પહોંચી ગયો છે. પાસના અગ્રણી અતુલ પટેલ અને નચિકેત પટેલે અતુલ પટેલ દ્વારા લેવાયેલી સેલ્ફી બાબતે વાતચીત કરવા ન્યુ રાણીપના ઇન્દ્રપ્રસ્થ-૯ નજીક મળ્યા ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં બંને જૂથ આમનેસામને આવી ગયા હતા અને મારામારી શરૂ કરી હતી. અા બબાલમાં જયમીન પટેલની કારના કાચ પણ તોડી નખાયા હતા. આ અંગે સાબરમતી પોલીસ સ્ટેશનમાં બંનેએ ક્રોસ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાટીદાર અનામત આંદોલન દરમિયાન ર૬ ઓગસ્ટે થયેલા તોફાનોમાં મોઢેરા ચોકડી નજીક થયેલા પોલીસ ગોળીબારમાં મહેસાણાનાે મયૂર પટેલ નામનો યુવક ઘાયલ થયો હતો. ૧રર દિવસની સારવાર બાદ મયૂર પટેલનું મોત નીપજ્યું હતું. મયૂર પટેલનું મોત નીપજતાં ફરી એક વાર પાટીદારોમાં આક્રોશ જોવા મળ્યો હતો. મયૂરની અંતિમયાત્રામાં પાટીદાર અનામત આંદોલન સમિતિના અગ્રણીઓ, નેતાઓ અને મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. આ સ્મશાનયાત્રામાં પાટીદાર અનામત આંદોલન સમિતિના અગ્રણી અતુલ પટેલ દ્વારા સેલ્ફી લેવાઇ હતી.
દરમિયાન સ્મશાનયાત્રામાં લેવાયેલી આ સેલ્ફી સોશિયલ મીડિયામાં ફરતી થઇ હતી. આ સેલ્ફીને લઇને પાટીદારો અને અન્ય નેતાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને આ બાબતે ઠેર ઠેર ટીકાઓ થઇ હતી. સોશિયલ મીડિયામાં પણ આ બાબતને લઇ ગાળો લખી ટીકા કરવામાં અાવી હતી. પાટીદાર નેતા નચિકેત પટેલ દ્વારા આ સેલ્ફીને લઇ ફેસબુકમાં પણ ટીકાઓ કરવામાં આવી
હતી. આ સેલ્ફી વિવાદને લઇ પાસના અગ્રણી અતુલ પટેલ અને પાટીદાર નેેતા નચિકેત પટેલ સહિત કેટલાક લોકો ન્યુ રાણીપ વિસ્તારમાં ઇન્દ્રપ્રસ્થ-૯ નજીક ભેગા થયા હતા. મયૂર પટેલની સ્મશાનયાત્રામાં લેવાયેલી સેલ્ફી અંગે બોલાચાલી કરી બંને જૂથોએ ઝઘડો કર્યો હતો અને મારામારી કરી હતી.
બીજી તરફ આ બાબતે બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને અતુલ પટેલ, જગદીશ પરીખ અને અન્ય પાંચેક જેટલા શખ્સોએ પણ નચિકેત પટેલ સહિતના લોકોને માર મારી તેમના પર પથ્થરમારો કરી કારના કાચ તોડી નાખ્યા હતા. બંને જૂથ વચ્ચે જાહેરમાં મારામારીનાં દૃશ્યો સર્જાતાં રોડ પર લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતા. બીજી તરફ આ અંગે પોલીસને જાણ કરાતાં સાબરમતી પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.
આ અંગે અતુલ પટેલે નચિકેત મુખી અને અન્ય છ શખ્સો સામે તેમજ નચિકેત મુખીએ અતુલ પટેલ અને જગદીશ પરીખ સહિત સાત લોકો સામે મારામારીની ફરિયાદ નોંધાવતાં પોલીસે અટકાયતનો દોર શરૂ કર્યો છે.
સામસામે ક્રોસ ફરિયાદ નોંધાઇ છે
સાબરમતી પીઆઇ અે. જે. ગોંડલિયાએ જણાવ્યું હતું કે અતુલ પટેલ અને નચિકેત પટેલ વચ્ચે સેલ્ફી વિવાદને લઇ ગત રાત્રે મારામારી થઇ હતી. બંનેની સામસામે ક્રોસ ફરિયાદ લઇ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઇ છે.