શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. ખેલાડીઓના પ્રોફાઈલ
Written By પરૂન શર્મા|

પ્રકાશ પાદુકોણ

ભારતના શ્રેષ્ઠ બેડમિન્ટન ખેલાડી તરીકે જેન્ટલ ટાઈગર તરીકે જાણીતા પ્રકાશ પાદુકોણનું નામ લઈ શકાય. 1980માં તેમણે ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ જીતનાર ભારતના પહેલા ખેલાડી બનવાનું ગૌરવ હાંસલ કર્યુ હતું.

10 જૂન 1956ના રોજ જન્મેલા પ્રકાશ પાદુકોણે માત્ર 15 વર્ષની ઉંમર સુધીમાં તો રાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધાનું સિંગલ્સ ટાઈટલ અને રાષ્ટ્રીય જૂનીયર ટાઈટલ જીતીને બેડમિન્ટન ક્ષેત્રે આવી રહેલા નવા સિતારાના એંધાણ દર્શાવ્યા હતા. તેમણે 1971 થી 1979 દરમિયાન સતત નવ વર્ષ સુધી રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ પર કબજો જમાવ્યો હતો.

1978માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ હાંસલ કરનાર પ્રકાશ પાદુકોણ માટે 1980નું વર્ષ તેમની કારકિર્દીનું શ્રેષ્ઠ વર્ષ પૂરવાર થયુ હતું. તે વખતે તેમણે ઈંગ્લેન્ડ ખાતે યુરોપના ફ્લેમીંગ ડેલ્ફ્સ, મોર્ટન ફ્રોસ્ટ હેન્સન અને સ્વેન્ડ પ્રી જેવા જાણીતા બેડમિન્ટન ખેલાડીઓને હરાવીને ડેનીશ ઓપન અને સ્વીડીશ ઓપન જીતીને સનસનાટી મચાવી દિધી હતી.

ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશીપમાં તેમણે સેમિ ફાઈનલમાં મોર્ટન ફ્રોસ્ટ અને ફાઈનલમાં લાયમ સ્વી કિંગને પરાસ્ત કર્યા હતા. જો કે તે વર્ષે રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં તેઓ ક્વાર્ટર ફાઈનલમાં પરાજીત થયા હતા.

1981માં ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશીપમાં સેમિ ફાઈનલમાં તેમણે રૂડી હાર્ટોનોને 3 ગેમમાં હરાવ્યા હતા. ફાઈનલમાં તેમણે લાયમ સ્વી કિંગને જોરદાર લડત આપી હતી. જો કે 3 ગેમની રસાકસીભરી રમતમાં તેમનો પરાજય થયો હતો.

1982માં બેડમિન્ટનમાં વધુ સારી કોચિંગ અને સુવિધાઓની આશાએ તેમણે ડેન્માર્કમાં સ્થળાંતર કર્યું. તેઓ 1991 સુધી બેડમિન્ટન રમતા રહ્યા. હાલ પાદુકોણ પ્રતિભાશાળી બેડમિન્ટન ખેલાડીઓ માટે બેંગ્લોરમાં એકેડમી ચલાવે છે.

તેમણે 1979માં લંડન ખાતે ઈંગ્લીશ માસ્ટર્સ, 1981માં ક્વાલાલંપુર ખાતે આલ્બા વર્લ્ડ કપ, 1981માં ભારતની પહેલી રોકડ પુરસ્કાર ધરાવતી બેડમીન્ટન ટુર્નામેન્ટ ઈન્ડિયન ઓપન, 1982માં ડચ ઓપન અને હોંગકોંગ ઓપન વગેરે ટુર્નામેન્ટો પણ જીતી હતી. જ્યારે 1983માં કોપનહેગન ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો.

1972માં અર્જુન એવોર્ડ અને 1982માં પદ્મશ્રીથી સન્માનિત પ્રકાશ પાદુકોણે 1998માં બેંગ્કોક કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બેડમીન્ટન ટીમના મેનેજર તરીકેની ભૂમિકા નીભાવી હતી.