શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , શનિવાર, 17 ઑગસ્ટ 2024 (18:07 IST)

અમદાવાદની લોટસ સ્કૂલને તાળા વાગ્યા, લોન નહીં ભરતાં સીલ કરી દેવાઈ

gujarati news
gujarati news
શહેરના ઈસનપુર વિસ્તારમાં સ્થિત લોટસ સ્કૂલના ટ્રસ્ટે પંજાબ નેશનલ બેંકમાંથી લોન લીધી હતી. આ લોન સમયસર ભરપાઈ નહીં કરાતા બેંક દ્વારા 35 વર્ષ જૂની સ્કૂલને સીલ મારી દેવામાં આવ્યું છે. સ્કૂલ સીલ થતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સ્કૂલના દરવાજે લાગેલુ તાળુ જોઈને વિદ્યાર્થીઓ ઘરે પરત ફરે છે. 
 
સ્કૂલનું બિલ્ડિંગ સીલ કરવા સુધીની નોટિસ અપાઈ
અમદાવાદના ઇસનપુરમાં ગોવિંદવાડી પાસે લોટ્સ હાયર સેકન્ડરી સ્કૂલ આવેલી છે. બિલ્ડિંગમાં પ્રથમ માળેથી ત્રીજા માળ સુધીની સ્કૂલ છે. પંજાબ નેશનલ બેંકમાંથી ટ્રસ્ટી દ્વારા સ્કૂલને મોર્ગેજ મૂકીને લોન લેવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા 1.25 કરોડ લોનની રકમ ભરવામાં આવી નહોતી. બેંક દ્વારા સ્કૂલને લોન ભરવા અનેક નોટિસ આપવામાં આવી હતી.મેજિસ્ટ્રેટ દ્વારા સ્કૂલનું બિલ્ડિંગ સીલ કરવા સુધીની નોટિસ આપવામાં આવી હતી. 
 
સ્કૂલે આવેલા બાળકો તાળુ જોઈને પરત ઘરે ગયા
વારંવાર નોટિસ આપતા બાદ પણ સ્કૂલ દ્વારા લોનની રકમ ભરવામાં આવી નહોતી. ગઈકાલે પંજાબ નેશનલ બેંક દ્વારા સ્કૂલના દરવાજા પર સીલ મારવામાં આવ્યું છે. બેંક દ્વારા સીલ સાથે સીલ ના ખોલવા માટેની નોટિસ લગાવવામાં આવી છે. સ્કૂલ સીલ થતાં બાળકો સ્કૂલે આવ્યા હતા, પરંતુ દરવાજે મારેલુ તાળુ જોઈને પરત ફર્યા હતા. આ અંગે સ્કૂલના ટ્રસ્ટી રમણિક ભદ્રેશિયાએ જણાવ્યું હતું કે, લોનની રકમ ટૂંક સમયમાં ભરી દઈશ જેથી સ્કૂલનું સીલ પણ ખુલી જશે.