મોદીને અમારી હાય લાગશે અને 2019માં વડાપ્રધાન નહીં બનેઃ સરદારના વંશજોને આદીવાસી સમાજનો પત્ર
ગુજરાતમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના અનાવરણની ઘડીઓ નજીક આવી રહી છે. ત્યારે આદિવાસીઓમાં તેનો વિરોધ પણ વધી રહ્યો છે. લોખંડી પુરૂષ સરદાર પટેલને આગળ ધરીને આદિવાસી વિસ્તારને લૂંટવા તેમને આગળ ધર્યા છે અને આદિવાસીઓની જમીન ભાજપ સરકારના મંત્રીઓ અને મળતીયાઓએ પચાવી લીધી હોવાનો ઉલ્લેખ કરીને સરદાર પટેલના વંશજોને આદિવાસી સમાજ વતી ડો. પ્રફૂલ વસાવાએ અપીલ કરતો એક પત્ર લખ્યો છે. સાથે જ નરેન્દ્ર મોદીને આદિવાસીઓની હાય લાગશે અને 2019માં વડાપ્રધાન નહીં બને તેવી હૈયાવરાળ કાઢી છે. સરદાર વલ્લભભાઈ પટેલના નામનો ઉપયોગ કરીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નામે હજારો આદિવાસીઓની આંખોમાં આંસુ લાવીને પ્રતિમા બનાવવામાં આવી છે. આદિવાસીઓની હાય લાગશે અને નરેન્દ્ર મોદી 2019ની ચૂંટણીમાં હારી જશે અને વડાપ્રધાન નહીં બની શકે તેવી હૈયાવરાળ આદિવાસી સમાજે કાઢી છે.પત્રમાં લખવામાં આવ્યું છે કે, સરદાર પટેલની પ્રતિમાને આગળ ધરીને ઉદ્યોગપતિઓના હાથે આદિવાસી વિસ્તારને લૂંટવા માટે તેમને આગળ ધરવામાં આવ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નામે ભાજપના મંત્રીઓ અને મળતીયાઓ આદિવાસીઓની જમીનો પચાવીને બેઠા છે.સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નામે ત્યાંના આદિવાસીઓ પર અસહ્ય જુલ્મો થયા છે. સરદાર વલ્લભબાઈ પટેલની આત્મા પણ આ બધું જોઈને દુઃખી હશે. તેથી આદિવાસી સમાજની સરદારના વંશજોને અપીલ છે કે તમે આ પાપમાં ભાગીદાર ન બનો.સરદારના વંશજોને વિનંતી કરીને આદિવાસી સમાજે કહ્યું છે કે, 31મી ઓક્ટોબરે અનાવરણ કાર્યક્રમમાં આવશો તો આદિવાસીઓના વિરોધ પ્રદર્શનનો તમારે સામનો કરવો પડશે. જે આદિવાસી સમાજને પણ નહીં ગમે માટે તેમ 31મીએ આવતા નહીં.