જાણો ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના નિર્માણનો ખર્ચનો આંકડો ક્યાં સુધી પહોંચ્યો
ગુજરાતમાં ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના નિર્માણનો ખર્ચ રૂપિયા 3,000 કરોડ સુધી પહોંચી શકે છે. સરદાર સરોવર નિગમ લિમિટેડના રેકોર્ડ પ્રમાણે, રાજ્ય સરકાર અને કેંદ્ર સરકારે અત્યાર સુધીમાં સ્ટેચ્યૂના નિર્માણ પાછળ 2,134 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. સૂત્રોના મતે, થોડા જ દિવસોમાં પ્રતિમાના નિર્માણ ખર્ચનો આંક 2,400 કરોડ સુધી પહોંચી જશે. ગુજરાત સરકારે L&T કંપનીને 15 વર્ષ સુધી સ્ટેચ્યૂની જાળવણી માટે 600 કરોડ રૂપિયા આપ્યા છે. એટલે કે આ પ્રોજેક્ટ પાછળ કુલ 3000 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે.પ્રોજેક્ટ હેન્ડલ કરી રહેલા રાજ્ય સરકારના એક સીનિયર ઓફિસરે કહ્યું કે, “સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધીમાં 2,131.45 કરોડ રૂપિયા વપરાયા છે. જેમાંથી 1,412.27 કરોડ રૂપિયા કેંદ્ર સરકારે આપ્યા છે. રાજ્ય સરકાર, રાજ્યના વિવિધ PSU અને કેટલીક ખાનગી કોર્પોરેટ કંપનીઓએ પણ આ પ્રોજેક્ટ માટે ડોનેશન આપ્યું છે. પ્રોજેક્ટનું કુલ પેમેન્ટ કર્યા બાદ કંસ્ટ્રક્શન ખર્ચ લગભગ 2400 કરોડ રૂપિયાએ પહોંચશે. ગુજરાત સરકાર સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારને ટુરિઝમ હબ તરીકે વિકસાવવા માગે છે. વિવિધ સુવિધાઓ સાથે ફાઈવ-સ્ટાર હોટલ પણ તૈયાર થઈ રહી છે. આગામી દિવસોમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવા માટે ટાઈગર પાર્ક અને ક્રોકડાઈલ પાર્ક બનાવવામાં આવશે.