રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 મે 2018 (17:43 IST)

સરદાર સરોવર નિગમના ઇજનેરનો દાવો હું ભગવાન વિષ્ણુનો કલ્કિ અવતાર છું',

સરદાર સરોવર નિગમમાં ઇજનેર તરીકે ફરજ બજાવતા રમેશચંદ્ર ફેફર સતત ગેરહાજર રહેતા હોવાથી નિગમે તેઓને નોટિસ આપી હતી. તો આ ઇજનેરે નોટિસના જવાબમાં જણાવ્યું કે, હું ભગવાન વિષ્ણુનો કલ્કિ અવતાર છું. તુરીયાતીત અવસ્થામાં રહીને સાધના કરીને વૈશ્વિક ચેતનામાં પરિવર્તનનું કાર્ય કરું છું. આ કાર્ય હું ઓફિસમાં બેસીને કરી શકું નહીં. આથી ઓફિસમાં ભૌતિક રીતે હાજર રહેતો નથી. તેઓ ઓફિસમાં આવતા ત્યારે ભગવાન વિષ્ણુના સ્મરણમાં જ દિવસ પસાર કરતા હતા. અને સ્ટાફ સાથે પણ પોતે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કિ હોવાનું જણાવતા હતા.

પોતાની ઓફિસના ટેબલ ઉપર પણ ભગવાન વિષ્ણુના ફોટા રાખ્યા છે. પોતાને કલ્કિ અવતાર માનતા રમેશચંદ્ર ફેફર તા. 22-9-017 થી નોકરી ઉપર સતત ગેરહાજર રહેતા, નિગમના કમિશનરે તેઓને તા.15-5-18ના રોજ કારણ દર્શક નોટિસ આપી હતી. જે નોટિસના અનુસંધાનમાં ઇજનેર રમેશચંદ્ર ફેફરે તા.17-5-018ના રોજ આપેલા લેખિત જવાબમાં જણાવ્યું કે, હું ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કિ છું. હું ઓફિસમાં બેસીને તુરીયાતીત કરી શકું નહીં. આથી હું ઓફિસમાં ભૌતિક રીતે હાજર રહેતો નથી. ઇજનેર રમેશચંદ્ર ફેફરે નોટિસના જવાબમાં વધુમાં એમ જણાવ્યું છે કે, હું ભગવાન વિષ્ણુની સાધના કરતો હોવાથી રાજ્યમાં સારો વરસાદ પડી રહ્યો છે. કેટલાંક ઇશ્વર વિરોધી તત્વો વરસાદ રોકવાનો પ્રયાસ કરી કરે છે. મારી સાધનાના કારણેજ ગુજરાત દુષ્કાળમાંથી બચી ગયું છે. હું ઓફિસમાં બેસીને સમય પસાર કરું એ મહત્વનું છે કે ઘરે રહીને સાધના કરી દેશમાં દુષ્કાળ ન પડે અને સારો વરસાદ થાય એવું વાતાવરણ ઉભું કરવું એ મહત્વનું છે. છેલ્લા 19 વર્ષના સારા વરસાદને કારણે એમેરીકાના વૌજ્ઞાનિકો એનું કારણ શોધી શકતા નથી. છેલ્લા 19 વર્ષથી દેશમાં સારો વરસાદ કેમ થાય છે? તેનું કારણ હું કલ્કિ અવતાર છું, એટલા માટે રાજ્યમાં અને દેશમાં સારો વરસાદ થાય છે. તેમ રમેશચંદ્ર ફેફરે નિગમે આપેલી નોટિસના જવાબમાં વધુમાં જણાવ્યું છે.