રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 ડિસેમ્બર 2018 (13:10 IST)

સુરતમાં સ્કૂલ રીક્ષા પલટતા બાળકનું મોત, વાલીઓએ રીક્ષા ચાલક અને પ્રિન્સિપાલને ફટકાર્યા

સુરતના પુણા વિસ્તારમાં આવેલી એડમ પબ્લિક સ્કૂલની રીક્ષાને આજે શુક્રવારે વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. જેમાં એક વિદ્યાર્થીનું મોત તો બાકીના વિદ્યાર્થીઓને ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના બાદ એકઠા થયેલા લોકોએ રીક્ષા ચાલકને ફટકાર્યો હતો. મૃતક ગૌરવ પ્રજાપતિ અને તેનો ભાઇ આ રીક્ષામાં સવાર હતા અને એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. ગૌરવ ધોરણ-1માં અભ્યાસ કરતો હતો અને દિપક સિનિયર કેજીમાં અભ્યાસ કરે છે. ઉશ્કેરાયેલા વાલીઓએ શાળાના પ્રિન્સિપાલને ફટકાર્યો હતો. બીજી તરફ રીક્ષા પલટીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે સુરતના વિસ્તારમાં આવેલી એડમ પબ્લિક સ્કૂલની એક રીક્ષા પાંડસરામાં રહેતા પાંચ વિદ્યાર્થીઓને લઇને પાંડેસરા પુલ પાસે પસાર થઇ રહી હતી. ફૂલ સ્પીડમાં આવતી આ રીક્ષાના ચાલકે અચાનક બ્રેક મારતા રીક્ષા પલટી ગઇ હતી. જેના પગલે રીક્ષામાં બેઠાલા બાળકોને ઇજા પહોંચી હતી.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જેના પગલે 108 તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પાંચે બાળકોને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 8 વર્ષનો ગૌરવ રાજુ પ્રજાપતિ મોતને ભેટ્યો હતો. જ્યારે અન્ય બાળકોને સારવાર અપાઇ હતી. બાળકના મોતના સમાચાર મળતા જ વાલીઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. રોષે ભરાયેલા વાલીઓએ એડમ પબ્લીક સ્કૂલના પ્રિન્સિપાલનો પીછો કરીને માર માર્યો હતો અને રીક્ષાચાલકને પણ ફટકાર્યો છે.