સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 ડિસેમ્બર 2021 (09:01 IST)

૧૧ હુનર હાટ અને દેશના વિવિધ ૬૦ થી ૭૦ એક્ઝિબીશનમાં ભાગ લીધો છે રાજકોટના આ દંપતિએ, અમિતાભ બચ્ચન પણ કરી ચૂક્યા છે વખાણ

KBC ના સ્ટેજ પર બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ રાજકોટના આ દંપતિની કલાની કરી ચૂક્યાં છે પ્રશંસા
 
સુરતના 'હુનર હાટ'માં સરકારના 'વોકલ ફોર લોકલ' તેમજ 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને નવી દિશા તરફ લઈ જતા દેશ-વિદેશના હુનરબાજોએ બનાવેલી માટીની વસ્તુઓ, એમ્બ્રોઈડરી, ઈન્ટીરિયર, પ્લાસ્ટિકફ્રી પેપર બેગ જેવી અનેકવિધ વસ્તુઓ સુરતીઓની પ્રિય બની છે. આ કલાકારોનું હુનર અદ્દભુત અને કાબિલેદાદ છે. આવા જ રાજકોટના એક હુનરબાજ દંપતિ ૪૪ વર્ષીય ભાવેશભાઈ દોશી અને ૪૨ વર્ષીય મિનલબેન દોશી સુરત આવીને પોતાની કલાકૃતિઓનું વેચાણ કરી રહ્યાં છે. 
આ દંપતિ છેલ્લા ૧૫ વર્ષથી હસ્તકલાના ક્ષેત્રમાં કાર્યરત છે. જેમણે આજ દિન સુધી દેશના વિવિધ ૬૦ થી ૭૦ એક્ઝિબીશનમાં ભાગ લઈ તેમની કલાનું પ્રદર્શન કર્યું છે. જેમની પ્રોડક્ટસને 'કૌન બનેગા કરોડપતિ'-કે.બી.સી ના સ્ટેજ પર બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન દ્વારા પણ સરાહના કરવામાં આવી હતી.
 
વેસ્ટ ઝોન કલ્ચર (ઉદયપુર અને ગોવા), ઇન્ડેક્સ-સી તેમજ ગુજરાત મહિલા આર્થિક નિગમના અનેક એક્ઝિબીશનમાં ભાગ લેનાર મિનલબેન જણાવે છે કે, વર્ષ ૨૦૧૬ માં દિલ્હી ખાતે મેં અને મારા પતિએ પ્રથમવાર 'હુનર હાટ'માં ભાગ લીધો હતો, આજે સુરતમાં અમારો આ ૧૧મો 'હુનર હાટ' છે. મારા સાસુ-સસરા દ્વારા મને કલાનો વારસો મળ્યો છે એમ જણાવતાં તેઓ ઉમેરે છે કે, 'સાસુ-સસરા માટીના કોડીયા બનાવી દિવાળીમાં વેચાણ કરતાં હતા. 
 
તેમના આ વ્યવસાયને વર્ષ ૨૦૦૬માં અમે બંનેએ આગળ વધારતા માટીની બીજી પ્રોડક્ટ જેવી કે તોરણ, શો-પીસ, ઘર સજાવટની વસ્તુઓ, ફ્લેક્સિબલ વોટર ફાઉન્ટનને સ્ટોન અને કલર દ્વારા તૈયાર કરી વેચીએ છીએ. છેલ્લા ૯ વર્ષથી અમારા વ્યવસાય સાથે અન્ય ૧૦ થી ૧૨ મહિલાઓ જોડાઈ સ્વનિર્ભર બનીને રોજગારી મેળવી રહી છે એમ તેઓ જણાવે છે.
 
વર્ષ ૨૦૨૦માં ૧૦માં ધોરણમાં ૮૯ ટકા મેળવનાર મિનલબેનની ૧૭ વર્ષીય પુત્રી આયુષી દોશી હાલ ધો.૧૧ સાયન્સ (બાયોલોજી)માં અભ્યાસ કરે છે. તેજસ્વી અને કલાપ્રેમી આયુષી માતાપિતાને ફ્રી સમયમાં કામમાં મદદરૂપ થાય છે. આયુષી જણાવે છે કે, 'મને જેટલો સ્ટડી સાથે પ્રેમ છે, એટલો જ ઝૂકાવ કલા પ્રત્યે પણ છે. અભ્યાસ સિવાયના સમયમાં હું માતા-પિતાને કામમાં હેલ્પ કરૂ છું. 
 
આ સાથે મને પેઈન્ટિંગ, ટ્રાવેલિંગ અને ડાન્સનો પણ શોખ છે. હું છેલ્લા ૫ વર્ષથી કથ્થક ડાન્સ કરી રહી છું, તેમજ શાળાના એન્યુઅલ ફંકશનમાં પણ કથ્થક નૃત્ય રજૂ કરૂ છું. ભવિષ્યમાં પણ નેશનલ-ઈન્ટરનેશનલ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું અને બાયોલોજીના  પ્રોફેસર બનવાનું સ્વપ્ન છે.