મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 મે 2021 (14:23 IST)

રાજ્યના ૩પ તાલુકાઓમાં ૧ થી પાંચ ઇંચ વરસાદ વરસ્યો-બગસરામાં સૌથી વધુ ૯ ઇંચ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડા ‘તાઉ-તે’થી ખાસ કરીને રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોના જિલ્લામાં સર્જાયેલી સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા બેઠક કરીને નુકશાની સહિતની રજેરજની વિગતો ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં સતત ત્રણ કલાક બેસીને મેળવી હતી.
 
મુખ્યમંત્રીએ આ વાવાઝોડાની આગાહી થઇ ત્યારથી જ સતત જિલ્લા વહિવટીતંત્રો સહિત સમગ્ર રાજ્યના વહિવટીતંત્રને આગોતરા આયોજન અને આ વિપદાના મૂકાબલા માટે ‘ઝિરો કેઝયુઆલીટી’ એપ્રોચથી ડિટેઇલ્ડ અને એડવાન્સ પ્લાનીંગ માટે સજ્જ કર્યુ હતું.
 
વિજય રૂપાણી સ્વયં સોમવારે મોડી મધ્યરાત્રિ સુધી સ્ટેટ કંટ્રોલ રૂમમાં ઉપસ્થિત રહ્યા હતા અને વાવાઝોડા અસરગ્રસ્ત જિલ્લાના કલેકટરોથી માંડીને ફિલ્ડ લેવલના મામલતદાર-પ્રાંત અધિકારીઓના ટેલિફોનિક સંપર્કમાં રહીને સાયકલોન મેનેજમેન્ટની આગવી પ્રતિબદ્ધતા તેમણે પ્રગટ કરી હતી.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે રાત્રે આ તાઉ-તે વાવાઝોડાના લેન્ડ ફોલ થયા બાદ સર્જાયેલી સ્થિતીની વધુ વિગતવાર સમીક્ષા મંગળવારે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પહોચીને કરી હતી. મુખ્યમંત્રીએ આ સમીક્ષા અને સ્થિતીનો તાગ મેળવ્યા બાદ પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં સમગ્ર પરિસ્થિતીની જાણકારી આપી હતી.
 
મુખ્યમંત્રીએ કહ્યું કે, ગઇકાલે રાતથી આજે મંગળવારે સવાર સુધી વાવાઝોડાની રફતાર આગળ વધતા રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં તેમની અસર શરૂ થઇ છે. ગઇ રાત્રે ૧૬૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતો પવન હવે ૧૧૦-૧૧પ કિ.મી.ની ઝડપે ફૂંકાય છે અને આ વાવાઝોડું ક્રમશ: નબળું પડતું જાય છે.
 
મુખ્યમંત્રીએ આ વાવાઝોડાથી રાજ્યમાં કુલ ૩ વ્યક્તિઓના મૃત્યુ થયાની વિગતો આપતાં એમ પણ કહ્યું કે રાજ્યમાં ૩પ તાલુકાઓમાં ૧ ઇંચથી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. બગસરામાં સૌથી વધુ ૯ ઇંચ તેમજ ગીરગઢડા-૮, ઊના-૮, સાવરકુંડલા-૭, અમરેલી-પ ઇંચ વરસાદ થયો છે.
 
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ વાવાઝોડાની વધુ અસર થઇ છે તેવા અમરેલી, ગીર-સોમનાથ, પોરબંદર, રાજકોટ, ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં મંત્રીશ્રીઓ, કલેકટર, ડી.ડી.ઓ સાથે વાતચીત કરીને સમગ્રતંત્રને એલર્ટ મોડ પર સ્ટેન્ડ ટુ રાખ્યું છે. પાણી પુરવઠો, વીજપુરવઠો, રસ્તા-સફાઇ વગેરે અંગે પણ ચિંતા કરીને સ્થિતીની સમીક્ષા હાથ ધરી છે એમ જણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે નીચાણવાળા વિસ્તારોના લોકોને સ્થળાંતર કરી શેલ્ટર્સમાં આપણે સુરક્ષિત રાખ્યા છે અને ભોજન સહિતની વ્યવસ્થાઓ કરી છે.
 
મુખ્યમંત્રી સાથે આ વેળાએ જોડાયેલા અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું કે, ગઇકાલે રાત્રે ગુજરાતમાં પ્રવેશેલું વાવાઝોડું ‘તાઉ-તે’ અત્યારે અમદાવાદથી ૨૧૦ કિ.મી. સાઉથવેસ્ટમાં ૧૧૦ થી ૧૧પ કિ.મી. પ્રતિકલાકની ઝડપે નોર્થ-ઇસ્ટમાં આગળ વધી રહ્યું છે. જે મોડી રાત્રી સુધીમાં વધુ આગળ ધપશે.
 
તેમણે ઉમેર્યુ કે, હાલની સ્થિતીએ રાજ્યનું એક પણ અસરગ્રસ્ત વિસ્તાર સંપર્ક વિહોણા નથી. અસરગ્રસ્ત વિસ્તારો પૈકી સૌથી વધુ અસરગ્રસ્ત ૪ તાલુકાઓના અધિકારીઓ સાથે સતત સંપર્ક રાખીને ત્યાંની માહિતી પ્ણ મેળવાઇ રહી છે.
 
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આટલા બધા કલાક આ વાવાઝોડું ગુજરાત પર રહેવાથી વ્યાપક નૂકશાન થઇ શકે પરંતુ રાજ્ય સરકારે અગાઉથી જ ત્રણ દિવસ પહેલાં બધી તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. એટલું જ નહિ, ર લાખથી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર શેલ્ટર થઇ જવાથી મોટી જાનજાહિનીની કે અન્ય કોઇ મોટી દુર્ઘટના થઇ નથી.
 
મુખ્યમંત્રીએ આ વાવાઝોડાને પરિણામે કોવિડ હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા લોકોને કોઇ તકલીફ ઊભી ન થાય તેની ખાસ કાળજી લેવામાં આવી છે તેની ભૂમિકા આપી હતી. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, સમગ્ર રાજ્યમાં ૧૪૦૦ કોવિડ હોસ્પિટલોમાંથી ૧૬ હોસ્પિટલોમાં વીજપૂરવઠાને અસર પડી હતી તેમાંથી ૧રમાં પૂર્વવત કરી દેવાયો છે તેમજ ૪ માં ડી.જી. સેટથી સપ્લાય અપાય છે અને પેશન્ટસની સારવાર અટકી નથી.
 
મુખ્યમંત્રીએ કહ્યું કે કોવિડ-19ની પ્રવર્તમાન સ્થિતીમાં ગુજરાતના ઓકસીજન ઉત્પાદકો ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોને પણ ઓકસીજન સપ્લાય પૂરો પાડે છે ત્યારે આ વાવાઝોડાને કારણે કોઇ ઓકસીજન પ્લાન્ટમાં પણ રૂકાવટ આવી નથી. 
 
ગુજરાતમાંથી મોટી માત્રામાં દેશના અન્ય રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હરિયાણા અને દિલ્હીમાં ઓકસીજન સપ્લાય થઇ રહ્યો છે તેમાં કોઇપણ પ્રકારની અડચણો આવી નથી અને ડિલીવરી પણ અટકી નથી.
 
મુખ્યમંત્રીએ રાજ્યમાં વીજપૂરવઠાની સ્થિતીની સમીક્ષા કરી હતી તેની વિગતો આપતાં જણાવ્યું કે, આ વાવાઝોડાથી રાજ્યના ર૪૩૭ ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો તેમાંથી વીજ વિભાગની ટીમોએ સત્વરે કાર્યવાહી કરીને ૪૮૪ ગામોમાં પુરવઠો પૂર્વવત કર્યો છે. રર૦ કે.વી.ના બે સબસ્ટેશનોને પણ અસર પડી છે તેના સહિત અન્ય સબસ્ટેશનો જે અસરગ્રસ્ત છે તે પણ ઝડપથી પૂર્વવત કાર્યરત કરી દેવાશે. 
 
આ ઉપરાંત ૧૦૮૧ વીજ થાંભલાને નુકશાન થયું છે. ૧૯૬ માર્ગો બંધ હતા અને ૧પ૯ રસ્તાને નુકશાન થયું છે તે પૈકી ૪ર મોટરેબલ એટલે કે કોમ્યુનિકેશન માટે કાર્યરત કરી દેવાયા છે. ૪૦ હજાર જેટલા વૃક્ષો પણ આ વાવાઝોડાની અસરથી ધરાશાયી થયા છે. અહિં માર્ગ-મકાન, ફોરેસ્ટ સહિતના વિભાગોએ રીસ્ટોરેશન, મરામત કાર્ય ઉપાડયું છે.
 
મુખ્યમંત્રીએ કહ્યું કે, અત્યારે સમગ્ર વહિવટી તંત્રને રેસ્કયુ-બચાવ રાહતના કામો પર ફોકસ કરવાની સૂચના આપી છે. નુકશાની અંગેનો સર્વે પણ હવે પછીથી વિગતો મેળવીને કરાશે. રાજ્યમાં ૧૬,પ૦૦ મકાનો-ઝૂંપડાઓને પણ આ વાવાઝોડાની અસર પહોચી છે. જે વિસ્તારોમાં ૧૦૦ કિ.મી. પ્રતિકલાકથી વધુ ઝડપે પવન ફૂંકાયો છે એવા વિસ્તારોમાં આવા મકાનોના સર્વે કરાઇ રહ્યો છે.
 
મુખ્યમંત્રીએ યોજેલી આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ મૂકેશ પૂરી, અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ સહિત વરિષ્ઠ અગ્ર સચિવો, સચિવો, NDRF, પોલીસના અધિકારીઓ જોડાયા હતા.