શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 ડિસેમ્બર 2021 (12:49 IST)

ગીર-સોમનાથ દરિયામાં 10 બોટ ડૂબી, 4 માછીમારોને બચાવી લેવાયા 12 હજુ પણ લાપતા, હેલિકોપ્ટરોની મદદથી માછીમારોને શોધવા યુદ્ધના ધોરણે કામગીરી

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી માવઠું થઈ રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો છે. ત્યારે ગીર-સોમનાથના દરિયામાં10 બોટો દરિયામાં ડૂબી ગઇ છે. જેમાં 12 માછીમાર પણ લાપતા થયા છે. ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટરે ઘટનાની પુષ્ટિ કરીને જણાવ્યું હતું કે હાલમાં 4 માછીમારને બચાવી લેવાયા છે.
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથના નવાબંદર પર વાવાઝોડા અને વરસાદને કારણે માછીમારી માટેની 12 બોટમાં રહેલા 12 જેટલા ખલાસી માછીમારો પૈકીના 8 જેટલા વ્યક્તિઓ સમુદ્રમાં ગુમ થઈ જવાની ઘટના અંગે જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરીને બચાવ રાહત માટેના તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીની આ સૂચનાને પગલે કોસ્ટ ગાર્ડ સાથે સંકલન સાધીને કોસ્ટ ગાર્ડની બોટસ અને બે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરી ગુમ થયેલા માછીમારોને શોધવા અને પરત લાવવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે ઉપાડવામાં આવી છે. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ પંકજ કુમારને પરિસ્થતિ પર નજર રાખવાની પણ સૂચનાઓ આપી છે.
 
હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઇ કરેલી આગાહી મુજબ રાજ્યના જુદા-જુદા વિસ્‍તારો-તાલુકાઓમાં ભારે પવન સાથે માવઠા રૂપી વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું હોવાથી વાતાવરણમાં પલટો આવ્યો હોવાથી દરીયામાં ભારે કરંટની સ્‍થ‍િતિ વર્તાતી હતી. જેમાં ગત મોડી રાત્રે જિલ્‍લાના ઉનાના નવાબંદર ખાતે ફુંકાયેલા ભારે પવનના કારણે મોટી ખુમારી થઇ હોવાની વિગતો સામે આવી છે.
 
નવાબંદરના માછીમાર સમાજના આગેવાન સોમવરભાઇના જણાવ્‍યા મુજબ, બે દિવસથી ઉના પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળતો હતો. ગઇકાલે દિવસભર ઠંડો પવન ફુંકાવવાની સાથે ઝરમર વરસાદ વરસ્‍યો હતો. ગુરૂવારે રાત્રે 12:30 વાગ્‍યા પછી એકાએક વાવાઝોડા જેવા ભારે તોફાની પવન નવાબંદર વિસ્‍તારમાં ફુંકાવવાનો શરૂ થયો અને તેની અસર બંદરના દરિયામાં પણ કરંટરૂપી વર્તાતી હોય તેમ મોજા ઉછળવા લાગ્યા હતા. બે-એક કલાક સુઘી સતત ભારે તોફાની પવન ફુંકાયા બાદ શાંત પડ્યો હતો.
 
વધુમાં સોમવરભાઇએ જણાવ્યું કે, બે-એક કલાક સુઘી ફુંકાયેલા તોફાની પવનના કારણે નવાબંદરના દરીયા કિનારે લાંગરેલી સેંકડો ફીશીગ બોટો પૈકી 10 જેટલી બોટોને મોટું નુકસાન થતા ટોટલ લોસ બની જતા જળસમાઘિ લઇ લીઘી છે. જ્યારે 40 જેટલી બોટોને એક-બીજા સાથે અથડાવવાના કારણે નાનું-મોટું નુકસાન થયુ છે. જ્યારે લાંગરેલ બોટોમાં સુતેલા પૈકીના 12 ખલાસીઓ દરિયામાં લાપતા બન્‍યા છે. જેની શોઘખોળ હાથ ધરી બચાવવા માટે તંત્ર પાસે મદદ માંગી છે. નવાબંદરમાં થયેલી ખુવારી અંગે તંત્રને જાણ કરાતા પ્રાંત અઘિકારી, મામલતદાર, પોલીસ વિભાગના અધિકારીઓ દોડી આવ્‍યા હતા.
 
આ અંગે ઉનાના પ્રાંત અધિકારી જે.જે.રાવલના જણાવ્‍યા મુજબ, ભારે પવનના કારણે નવાબંદરમાં થયેલી ખુવારી અંગે તંત્રને જાણ થતા વ્‍હેલી સવારથી જ લાપતા બનેલા ખલાસીઓ અને બોટોને બચાવવા માટે કોસ્‍ટગાર્ડ, મરીન પોલીસ અને માછીમાર સમાજના લોકોને સાથે રાખી હેલીકોપ્‍ટરની મદદ લઇ રેસ્‍કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. જેમાં લાપતા બનેલા પૈકીના 4 ખલાસીઓને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે. હાલ બાકીના લાપતા ખલાસીઓ-બોટોની શોધખોળ તંત્રની ટીમ કરી રહી છે.
 
ભારે તોફાની પવન ફૂંકાવવાના લીધે નવાબંદરના દરિયામાં લાપતા બનેલા ખલાસીઓને શોધવા તંત્રએ કોસ્ટગાર્ડ અને નેવીની મદદ લીધી છે. હાલ કોસ્ટગાર્ડનું 1 હેલિકોપ્ટર અને નેવીના 1 પ્લેન દ્વારા નવાબંદરની આસપાસના દરીયામાં શોધખોળ હાથ ધરી છે. હજુ પણ 8 ખાલીસો લાપતા છે.